'રાહુલ ગાંધી 2024 બાદ બનશે વડાપ્રધાન', INDIAની બેઠક પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન
અગાઉ અશોક ગેહલોત અને ભૂપેશ બધેલે રાહુલ ગાંધીને PM પદના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી
હવે કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું, 2024 બાદ કોંગ્રેસ સૌથી મોટો પક્ષ તરીકે ઉભરશે અને રાહુલ ગાંધી PM બનશે
નવી દિલ્હી, તા.27 ઓગસ્ટ-2023, રવિવાર
આગામી વર્ષે એટલે કે 2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે તમામ મુખ્ય રાજકીય પક્ષો જોરશોરથી તૈયારીઓમાં લાગી ગયા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને પડકાર ફેંકવા 26 વિપક્ષી દળોએ એક થઈને ઈન્ડિયા નામનું ગઠબંધન બનાવ્યું છે. જોકે હજુ આ મહાગઠબંધનના નેતાના નામની જાહેરાત કરાઈ નથી, ત્યારે કોંગ્રેસના ઘણા નેતાઓ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની વાત કહી ચુક્યા છે. અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી, ત્યારે હવે વધુ એક દિગ્ગજ નેતાએ ગેહલોત-બધેલની વાતમાં સુર પુરાવ્યો છે.
2024 બાદ કોંગ્રેસ સૌથી મોટો પક્ષ તરીકે ઉભરશે : રાશિદ અલ્વી
ભૂપેશ બધેલ અને અશોક ગેહલોતના સૂરમાં સુર મિલાવી હવે કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની વાત કહી છે. તેમણે આજે કહ્યું કે, અમે આશા કરીએ છીએ કે, 2024 બાદ કોંગ્રેસ પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવશે અને રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે.
‘કોંગ્રેસે રાહુલ ગાંધીને PM પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો’
અગાઉ ગત શનિવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર છે. અશોક ગેહલોતે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે, જેના પર ઈન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા તમામ પક્ષો બેઠક યોજી એક નિર્ણય કરશે.
‘રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી ભાજપ ગભરાઈ ગઈ’
બીજીતરફ છત્તીસગઢના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બધેલે શુક્રવારે કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે, રાહુલ ગાંધી વડાપ્રધાન પદનો ચહેરો બને. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા યોજ્યા બાદ તેમની લોકપ્રિયતા વધી છે, જેના કારણે ભાજપ ગભરાઈ ગઈ છે.
ભૂપેશ બધેલે કહ્યું, આ કારણે રાહુલને લોકસભામાંથી અયોગ્ય જાહેર કરાયા
ભૂપેશ બધેલે કહ્યું કે, રાહુલ ગાંધીની લોકપ્રિયતાના કારણે જ તેમને લોકસભામાંથી અયોગ્ય જાહેર કરાયા, ઉપરાંત તેમનું સત્તાવાર નિવાસ પણ છિનવી લેવાયું... તેમણે કહ્યું હતું કે, એક કોંગ્રેસ નેતા હોવાના કારણે મને લાગે છે કે, રાહુલ ગાંધી વડાપ્રધાન પદનો ચહેરો હોવા જોઈએ. ઈન્ડિયાનો ઉદ્દેશ્ય સત્તા પરથી તાનાશાહી લોકોને ઉખેડી નાખવાનો છે. ઉલ્લેખનિય છે કે, આ મહિનાના છેલ્લા સપ્તાહે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની બેઠક મુંબઈમાં યોજાવાની છે.