Get The App

વર્ષ 2022-23માં સ્થાનિક પક્ષોને રૂ. 200 કરોડનું દાન મળ્યું હતું

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
વર્ષ 2022-23માં સ્થાનિક પક્ષોને રૂ. 200 કરોડનું દાન મળ્યું હતું 1 - image


- 57 સ્થાનિક પક્ષોમાંથી માત્ર 18એ જ સમયસર દાનની માહિતી આપી

- તેલંગાણામાં સત્તા ગુમાવનારા કેસીઆરના પક્ષ બીઆરએસને સૌથી વધુ 154 કરોડનું દાન મળ્યું હતું

- ઝારખંડ મૂક્તિ મોરચા, જેજેપી, ટીડીપી અને ટીએમસીના દાનમાં મોટો ઉછાળો, સપાનું દાન ઘટયું 

નવી દિલ્હી : વિવિધ રાજ્યોમાં સક્રિય સ્થાનિક રાજકીય પક્ષોને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૦૦ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, આ ખુલાસો એડીઆરની રિપોર્ટમાં કરાયો છે. જે સ્થાનિક પક્ષોના દાનમાં વધારામાં ઝારખંડ મુક્તિ મોરચા, જેજેપી, ટીડીપી અને ટીએમસી આગળ નીકળી ગયા હતા, જ્યારે ભારત રાષ્ટ્ર સમિતી (બીઆરએસ) ૧૫૪ કરોડના દાન સાથે ટોચની સ્થાનિક પાર્ટી બની છે. 

એડીઆરના રિપોર્ટ મુજબ ૫૭ સ્થાનિક પક્ષોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર ૧૮ જ પક્ષોએ પોતાને મળેલા દાનની માહિતી સમયસર ચૂંટણી પંચને આપી હતી. ૨૮ પક્ષોને કુલ ૨૧૬.૭૬૫ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. નિયમ મુજબ જે લોકો ૨૦ હજાર રૂપિયાથી વધુનુ દાન કરતા હોય તેમની ઓળખ જાહેર કરવી જરૂરી છે. સાત પક્ષો એવા પણ છે કે જેણે દાવો કર્યો છે કે તેને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કોઇ જ દાન નહોતુ મળ્યું. 

દરમિયાન કેટલાક પક્ષો એવા પણ છે કે જેને મળેલા દાનની રકમમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ઝારખંડ મૂક્તિ મોરચાના દાનમાં ૩૬૮૫ ટકાનો મોટો ઉછાળો આવ્યો હતો. જે બાદ જનનાયક જનતા પાર્ટીમાં ૧૯૯૭ ટકા, ટીડીપીના દાનમાં ૧૭૯૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ એવા પણ પક્ષો છે કે જેના દાનમાં ઘટાડો થયો હતો, જેમ કે અખિલાશ યાદવના પક્ષ સમાજવાદી પાર્ટીના દાનમાં ૯૯.૧ ટકા અને શિરોમણિ અકાળી દળના દાનમાં ૮૯.૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

તેલંગાણામાં સત્તા ગુમાવનારા કેસીઆરના પક્ષ બીઆરએસને ૪૭ દાનમાંથી કુલ રૂપિયા ૧૫૪ કરોડનું દાન મળ્યું હતું, ૧૬ કરોડ સાથે વાયએસઆર કોંગ્રેસ બીજા ક્રમે અને ૧૧.૯૨ કરોડ સાથે ટીડીપી બીજા ક્રમે છે. પાંચ પક્ષો બીઆરએસ, વાયએસઆર કોંગ્રેસ, ટીડીપી, ડીએમકે અને સીપીઆઇને મળેલા દાનની રકમ વિવિધ સ્થાનિક પક્ષો દ્વારા જાહેર કરાયેલા દાનની રકમના ૯૦ ટકા છે. એટલે કે આ પક્ષોને સૌથી વધુ દાન મળ્યું છે. જોકે પક્ષો દ્વારા જાહેર થતી દાનની માહિતીમાં પાંચ પક્ષોએ ૯૬.૨ લાખના દાનની વિગતો આપી પરંતુ પાન કાર્ડ નંબર નહોતો આપ્યો. જ્યારે ૩.૩૬ કરોડ રૂપિયાના દાતાઓના સરનામા નહોતા અપાયા. રૂપિયા ૧૬૫ કરોડના ૨૦૪ દાનની રકમ ૧૬૫.૭૩ કરોડ રૂપિયા થાય છે પરંતુ આ દાન કેવી રીતે કરાયું તેની માહિતી જાહેર નથી કરાઇ. 


Google NewsGoogle News