એલએમએસ ડ્રોન : આતંકીઓને ઉંઘતા જ ફુંકી મારનાર અમોઘ શસ્ત્ર
- પ્રિસિજન સ્ટ્રાઈક વેપન સિસ્ટમ કે જેણે સચોટ હુમલામાં મદદ કરી
- જાપાન દ્વારા વિકસાવાયેલા યુદ્ધ કૌશલ્યનો બીજા વિશ્વયુદ્ધમાં પણ ઉપયોગમાં લેવાયા હતા
- ડીઆરડીઓ દ્વારા તેનું એડવાન્સ વર્ઝન બનાવાયું જે માત્ર ટાર્ગેટને જ નષ્ટ કરી શકે
નવી દિલ્હી : ભારત દ્વારા છઠ્ઠી મેના રોજ પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા આતંકી ઠેકાણાઓ ઉપર જે મિસાઈલ સ્ટ્રાઈક કરવામાં આવી તેની ચારે તરફ ચર્ચા છે. ભારતે નિર્દોષ નાગરિકોને નહીં પણ આતંકવાદીઓ અને તેમના લોન્ચપેડને ટાર્ગેટ કરીને ધ્વસ્ત કરી શકે તેવી વિશેષ મિસાઈલ્સ અને વેપન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જાણકારોના મતે ભારતે પ્રેસિજન સ્ટ્રાઈક વેપન સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. આ એવી વોરહેડ સિસ્ટમ છે જે ટાર્ગેટ જગ્યાને જ નિશાન બનાવે છે. આ સિસ્ટમનો ફાયદો એ છે કે, ટાર્ગેટ સિવાય મિનિમમ કોલેટરલ ડેમેજ થાય છે. તેના કારણે જ આતંકીઓના ઠેકાણા સિવાયની ઈમારતો કે લોકોને જરાય નુકસાન પહોંચ્યું નથી. એડવાન્સ જીપીએસ, આઈએનએસ અને લોન્ગ ડિસ્ટન્સ ટાર્ગેટ હિટ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિસ્ટમમાં ટાર્ગેટથી થોડા મીટર દૂર રહેવા દરમિયાન જીપીએસ અને લેસર અથવા તો ઈન્ફ્રારેડ રડાર દ્વારા ગાઈડેન્સ લેવાય છે જે અચૂક નિશાન સાધી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે જે મિસાઈલ એટેક કર્યો અને જે બોમ્બમારો કર્યો તેમાં રાફેલ ઉપરાંત એલએમએસ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. તેને લો કોસ્ટ મિનિએચર સ્વાર્મ ડ્રોન પણ કહેવામાં આવી છે. લાઈટેરિંગ મ્યુનિશન સિસ્ટમ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. આ એક પ્રકારની ડ્રોન સિસ્ટમ છે તેની ટાર્ગેટ હિટિંગ કેપેસિટના કારણે જાણીતી છે. આ ડ્રોનને સ્યુસાઈડ ડ્રોન પણ કહેવામાં આવે છે. તે લાંબા સમય સુધી હવામાં આંટાફેરા કરતા રહે છે અને ત્યારબાદ ટાર્ગેટ સેટ કરીને પોતાને તેના ઉપર ક્રેશ કરી દે છે. તેના કારણે તેને સ્યુસાઈડ ડ્રોન પણ કહેવાય છે. આતંકીઓના ઠેકાણા, હથિયાર ડેપો, રડાર સિસ્ટમ અને અન્ય માળખાને નષ્ટ કરવા માટે આ ડ્રોન વિકસાવવામાં આવ્યા છે.
આ ડ્રોન ઝુંડ બનાવીને કામ કરે છે
આ ડ્રોનની ખાસિયત એ છે કે, આ ડ્રોન સ્વાર્મ એટલે કે ઝુંડ બનાવીને કામ કરે છે. ઘણા બધા ડ્રોન એક સાથે એક્ટિવ કરીને દુશ્મન ઉપર હુમલો કરી શકાય છે. આ ડ્રોન રડાર સિસ્ટમને છેતરવામાં અને બચવામાં કારગર સાબિત થયેલા છે. તેની બીજી મોટી ખાસિયત એ છે કે, આ ડ્રોન એક સાથે અલગ અલગ એન્ગલે હુમલો કરી શકે છે. તેના દ્વારા દુશ્મનોના હથિયારો, કમાન્ડ સેન્ટર, રડાર જેવા માળખા નષ્ટ કરી શકાય છે. ડીઆરડીઓ દ્વારા ન્યૂસ્પેસ રિસર્ચ એન્ડ ટેક્નોલોજીની મદદથી આ ડ્રોન બનાવવામાં આવ્યા છે. આ ડ્રોનની કિંમત પારંપરિક ડ્રોન કરતા ઘણી ઓછી છે.
હાઈ રિઝોલ્યુશન કેમેરા અને જીપીએસથી સજ્જ
આ ડ્રોન માત્ર વોરહેડ લઈ જાય તેવું નથી. આ ડ્રોન હાઈ રિઝોલ્યુશન કેમેરા અને જીપીએસ તથા નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે. તેમાં થર્મલ ઈમેજિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવેલી છે. તાજેતરમાં ડેવલપ કરવામાં આવેલા ડ્રોન તો એઆઈથી સજ્જ છે જે સ્થિતિને જોઈને જાતે નિર્ણય લઈ હુમલો કરવા સક્ષમ છે. આ ડ્રોનનો ઉપયોગ માહિતી ભેગી કરવા માટે, ટાર્ગેટનું ટ્રેકિંગ કરવા માટે તથા સચોટ હુમલો કરવા નાટે કરવામાં આવે છે. ઓપરેશન સિંદુરમાં આ ડ્રોનનો ઉપયોગ આતંકીઓને ટ્રેક કરવા માટે અને બોમ્બ નાખવા માટે કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. આ ડ્રોનને હવા, પાણી અને જમીન ત્રણેય જગ્યાએથી લોન્ચ કરી શકાય છે.
જાપાન સાથે આ ડ્રોનનું છે વિશેષ જોડાણ
આ ડ્રોનને કામીકાજી ડ્રોન તરીકે જાપાનમાં ઓળખવામાં આવે છે. કામી અને કાજી બે અલગ અલગ જાપાની શબ્દો છે. કામી એટલે ઈશ્વર અને કાજી એટલે હવા. દૈવી પવન અથવા ઈશ્વરની હવા જેવો અર્થ થાય છે. હકિકત એવી છે કે, જાપાન દ્વારા આ શબ્દનો ઉપયોગ યુદ્ધ કૌશલ તરીકે કરાયો હતો. બીજા વિશ્વયુદ્ધમાં જાપાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થયું ત્યારે જાપાન પાસે એડવાન્સ ટેક્નોલોજી નહોતી. તેથી તેણે પોતાના પાઈલટ્સને કામીકાજી તરીકે ટ્રેઈન કર્યા. તેમણે અમેરિકાના પર્લ હાર્બર ઉપર ભયાનક બોમ્બમારો કર્યો અને ત્યારબાદ આત્મઘાતી હુમલા કરતા પ્લેન લઈને અમેરિકાની પોર્ટ સિટી અને યુદ્ધ જહાજોમાં ટકરાવા લાગ્યા. ત્યારથી આ ટ્રેડિશન ઉપયોગમાં આવી છે. એલએમએસ ડ્રોન પણ આવી રીતે જ કામ કરે છે. તેનો સૌથી પહેલો ઉપયોગ ૧૯૮૦માં વિસ્ફોટકો લઈ જવા માટે કરવામાં આવતો હતો. ૧૯૯૦થી તેનો ઉપયોગ આત્મઘાતી ડ્રોન તરીકે કરવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં તેની રેન્જ ઓછી હતી પણ હવે તેને લોન્ગ રેન્જમાં પણ ઉપયોગમાં લઈ શકાય તેવા બનાવી દેવાયા છે.