INLD President Abhay Chautala News : હરિયાણાની ઈન્ડિયન નેશનલ લોક દળ (INLD) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અજય ચૌટાલાએ એક વિવાદિત નિવેદન આપતાં રાજકારણ ગરમાયું છે. તેમણે મહેન્દ્રગઢમાં આયોજિત યુવા યોદ્ધા સંમેલનમાં વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે શાસકોને ગાદી પરથી ખેંચી લાવો અને માર્ગો પર દોડાવી-દોડાવીને મારો. કોંગ્રેસને પણ નિશાને લેતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પણ એમની બી ટીમ તરીકે કામ કરી રહી છે.
નેપાળ-બાંગ્લાદેશ જેવા આંદોલનની જરૂર...
અભય ચૌટાલા અહીં જ નહોતા અટક્યા. તેમણે કહ્યું કે ભારતમાં પણ નેપાળ અને બાંગ્લાદેશ જેવા આંદોલનની જરૂર છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ અને નેપાળમાં યુવાઓએ માર્ગો પર ઉતરીને સત્તાધારી પક્ષો વિરુદ્ધ મોટાપાયે આંદોલન કરીને નેતાઓ પર જીવલેણ હુમલા કર્યા હતા. તેમણે કહ્યું કે આપણે પણ શાસકોને દેશ છોડવા મજબૂર કરી દેવા પડશે. જે રીતે બાંગ્લાદેશ અને નેપાળમાં થયું, શ્રીલંકામાં પણ આવું જ આંદોલન થયું. હવે ભારતમાં આવું કરવું પડશે.
ભાજપ પ્રવક્તાનો વળતો પ્રહાર
આ વીડિયો વાઇરલ થતાં જ ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કહ્યું કે હરિયાણાના નેતા અભય ચૌટાલાનું આ નિવેદન બંધારણ અને લોકશાહીને અનુરૂપ નથી. દેશના વિપક્ષોએ બંધારણ અને ભારતવિરોધી વિચારો અપનાવી લીધા છે. તેઓ પીએમ મોદીની ટીકા કરવામાં બેફામ બોલવા લાગ્યા છે. તેમના આવા ભાષણોમાં આંબેડકરના બંધારણ વિરુદ્ધ જવાની ઉતાવળ દેખાઈ આવે છે અને તેમને ભારતની લોકશાહીમાં વિશ્વાસ નથી.


