સોનમ વાંગચુકની ધરપકડ: લેહ હિંસા મામલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી
Sonam Wangchuk Arrested: લદાખને રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે ભડકી ઉઠેલી હિંસા મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતાં સોનમ વાંગચુકની ધરપકડ કરી હતી. વહીવટીતંત્રે લદાખમાં રાજ્યનો દરજ્જોની માગ કરતા હિંસક આંદોલનમાં ચારના મોત બદલ સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. માહિતી અનુસાર સોનમ વાંગચુક બપોરે 2:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, પરંતુ તે પહેલાં જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી.
સોનમ વાંગચુક વિરુદ્ધ એક પછી એક કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે ગુરુવારે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક દ્વારા સ્થાપિત સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ ઍન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ(SECMOL)ના FCRA લાયસન્સને તાત્કાલિક અસરથી રદ કરી દીધું હતું. લદાખ માટે રાજ્યનો દરજ્જો અને બંધારણીય સુરક્ષાની માંગણી સાથે શાંતિપૂર્ણ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સોનમ વાંગચુકે પોતાની વ્યક્તિગત સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
ગઈકાલે કહ્યું હતું- હું જેલ ગયો તો સરકારને ભારે પડશે
લદાખમાં થયેલી હિંસા બાદ સરકારે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકના NGOનું FCRA લાયસન્સ રદ કરી વિદેશી ફંડિંગ પર રોક લગાવી છે. આ મામલે હવે તપાસ પણ શરુ કરી દેવાઈ છે. જે બાદ વાંગચુકે કહ્યું છે કે સરકાર મારા જેવી નાની વ્યક્તિ પર તમામ દોષનો ટોપલો ઢોળવા માંગે છે. હું જેલ ગયો તો યુવાનો જાગી જશે.
લદાખમાં કોઈ ટેક્સ લાગતો નથી: વાંગચુક
વાંગચુકે કહ્યું, કે 'થોડા મહિનામાં લદાખમાં ચૂંટણી થવાની છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જે વાયદા કર્યા હતા તે પૂર્ણ કરો. દોઢ મહિના અગાઉ મારા પર દેશદ્રોહનો કેસ કરાયો, હવે CBI તપાસની વાત થઈ રહી છે. 2022થી 2024 સુધી અમે FCRA લાયસન્સ નહોતું લીધું કારણ કે અમે વિદેશથી ફંડિંગ લેવા જ નહોતા માંગતા. અમને આવકવેરાની નોટિસ આવી રહી છે. સમગ્ર લદાખમાં કોઈ ટેક્સ નથી લાગતો, અહીં ટેક્સથી મુક્તિ અપાઈ છે. તો મને કેવી રીતે સમન્સ પાઠવી શકો?
સરકારે શું કાર્યવાહી કરી?
નોંધનીય છે કે હાલમાં જ પૂર્ણ રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિની માંગ સાથે ચાલી રહેલા આંદોલન બાદ લદાખમાં હિંસા ફાટી નીકળી હતી. ઠેર ઠેર હિંસામાં ચાર લોકોના મોત થયા જ્યારે આશરે 80 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સરકારે આ હિંસા માટે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રાલયે SECMOL (સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદાખ)નું FCRA લાયસન્સ રદ ર્ક્યું છે. નિયમોના ઉલ્લંઘનના આરોપ સાથે કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે અગાઉ 20મી ઑગસ્ટે આ NGOને નોટિસ પણ ફટકારી હતી. વાંગચુકે કહ્યું છે, કે 'મને બલિનો બકરો બનાવી સરકાર મુખ્ય મુદ્દાથી ધ્યાન ભટકાવવા માંગે છે. બેરોજગારીના કારણે પહેલેથી જ યુવાનોમાં અસંતોષ છે. જો સરકાર મારી ધરપકડ કરવા માંગતી હોય તો હું તેના માટે પણ તૈયાર છું પરંતુ જો મને જેલ થઈ તો સરકાર માટે પડકારો વધશે જ.'