જાણો, દેખાવમાં લીલું અને આકર્ષક લાગતા વિશ્વના સૌથી ઝેરી વૃક્ષ વિશે, કોઇ સારવાર કે દવા અસર કરતી નથી
વિશ્વનું સૌથી ઝેરી વૃક્ષ ભારતના દક્ષિણકાંઠા વિસ્તારમાં થાય છે
૧૦ મીટર જેટલી લંબાઇ ધરાવતા આ વૃક્ષને સ્યુસાઇડ ટ્રી કહે છે
ચેન્નાઇ,14 એપ્રિલ,2022,ગુરુવાર
ભારત સહિત દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં સરબેરા ઓડોલમ નામનું ઝેરી વૃક્ષ થાય છે જેને સ્યુસાઇડ ટ્રીનું ઉપનામ મળ્યું છે. આ વૃક્ષ દેખાવમાં એકદમ લીલું અને આકર્ષક લાગે છે તેટલું જ ખતરનાક છે .તેના ફળ,ફૂલ,પાન ઉપરાંત બીજમાં સરબેરીન નામનું તત્વ ઝેરી તત્વ હોય છે જેને ખાવાથી માણસનું તરત જ મુત્યુ થાય છે.તેની સામાન્ય માત્રા પણ જો શરીરમાં જાય તો પેટ,દર્દ,ઉલટી થવા લાગે છે. હ્વદયના ધબકારા અનિયમિત થવા લાગે છે.
આ ઉપરાંત કોઇ દવા અને સારવાર પણ અસર કરતી નથી.જાણે કે ઝેરનું ઇન્જેકશન આપવામાં આવ્યું હોય તેવી શરીરમાં પ્રક્રિયા કરે છે.સૌથી નવાઇની વાત તો એ છે કે આનું ફળ કોઇ ભૂલથી ખાઇ લે તો મેડિકલ તપાસમાં પણ ખ્યાલ આવતો નથી.વનસ્પતિ શાસ્ત્રીઓ અને શોધ સંશોધકોનું માનવું છે કે વિશ્વમાં થતા ઝેરી વૃક્ષોમાં આ સૌથી ખતરનાક વૃક્ષ છે.આ વૃક્ષના ઝેરને કોબ્રાના ઝેર સાથે સરખાવવામાં આવે છે. હતાશાથી પીડાતા રોગીઓ પોતાનું જીવન ટુંકાવવા આ વૃક્ષનો ઉપયોગ કરે છે.જેમાં ૭૫ ટકાથી વધુ મહિલાઓ હોય છે.
આ વૃક્ષને સફેદ રંગના ફૂલ અને જામફળ જેવા લીલા ફળ આવે છે
આવૃક્ષ ૧૦ મીટર ઉંચું હોય છે. તેને કેરલમાં ઓથલંગા કહેવામાં આવે છે. થાઇલેન્ડમાં આ વૃક્ષને પોંગ પોગ કહેવામાં આવે છે. તેનું વૈજ્ઞાાનિક નામ સરબેરા ઓડોલમ છે. ભારતના દક્ષિણ પશ્ચીમ કાંઠા વિસ્તાર અને કેરલમાં જોવા મળે છે. આ વૃક્ષ ૧૯ મી સદીમાં માડાગાસ્કરમાં શોધાયું હતું જેને ખાવાથી હજારો લોકોના મોત થતા હતા.તેના બીજમાં સૌથી વધારે ઝેર હોય છે. આ વૃક્ષને ખાસ માવજતની જરુર પડતી નથી.તે વિપરીત સંજોગો અને હવામાનમાં કુદરતી રીતે ઉગી નિકળે છે.તેનો વિકાસ થવામાં પણ વાર લાગતી નથી.