'આ દર્દીને મારી નાખો...', લાતુરના ડૉક્ટરની કોરોનાકાળ વખતની ઓડિયો ક્લિપ વાઈરલ
Corona Virus : લાતૂર જિલ્લાની એક સરકારી હોસ્પિટલના એક વરિષ્ઠ ડોક્ટર વિરુદ્ધ 2021માં કોરોનાના રોગચાળા દરમિયાન , દર્દીને ‘મારી’ નાંખવાની સૂચના સાથી ડોક્ટરને આપવા બાબતની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ લાતૂર પોલીસે એફઆઈઆર નોંધી છે.
આ સંદર્ભે વધુ વિગત આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબતની એક ઓડિયો ક્લિપ તાજેતરમાં સોશિયલ મીડિયામાં સામે આવી હતી. જેમાં લાતૂરની ઉદગીરની એક સરકારી હોસ્પિટલના તે સમયના એડીશનલ ડિસ્ટ્રિક્ટ સર્જન રહેલા ડો. શશિકાંત દેશપાંડે કોવિડ સેન્ટરમાં પોસ્ટ અન્ય એક ડોક્ટર શશિકાંત ડાંગેને એક વ્યક્તિને 'મારી' નાંખવાની સૂચના આપતા સાંભળવા મળે છે.
આ ક્લિપ જે હવે સોશિયલ મીડિયામાં પણ ફરતી થઈ છે તે 2021માં કોવિડ 19ની કટોકટી દરમિયાન હોવાનું કહેવાય છે. તે સમયે આ હોસ્પિટલ દર્દીઓથી ભરેલી હતી અને સંશાધનોની અછત વર્તાતી હતી. આ સમય હોસ્પિટલમાં એક મહિલા દર્દી કૌસર ફાતિમા જે દયામી અજીમોદીન ગૌસોદ્દીન (53)ની પત્ની હતી. તેને સંબોધીને ડો. દેશપાંડે કથિત રીતે એવું કહેતા સાંભળવા મળે છે કે ‘કોઈને અંદર જવા દેશો નહીં અને દયામીને મારી નાંખો.” આ વાતચીતમાં જવાબ આપતા ડો. ડાંગે સાવધાનીપૂર્વક જવાબ આપે છે કે ‘ઓક્સિજન સપોર્ટ પહેલાથી જ ઘટાડી દેવામાં આવ્યો છે.'
આ ક્લિપ મોટાપાયે વાયરલ થયા બાદ ગૌસોદ્દીનની ફરિયાદના આધારે ઉદગીર શહેર પોલીસે 24 મેના રોજ દેશપાંડે વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને ઈરાદાપૂર્વક અને દુર્ભાવનાપૂર્ણ કૃત્ય માટે કાનૂની જોગવાઈ હેઠળ કેસ નોંધ્યો હતો. આ સંદર્ભે પોલીસ ઈન્સ્પેક્ટર દિલીપ ગાડેએ જણાવ્યું હતું કે પોલીસે દેશપાંડેનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને તેમને નોટિસ જારી કરીને તેમનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આ ઓડિયો ક્લિપની સત્યતા પણ ચકાસવામાં આવી રહી છે. પોલીસે ડો. ડાંગેને પણ નોટિસ મોકલી છે તેઓ જિલ્લાની બહાર છે અને તેઓ પાછા આવશે ત્યારબાદ તેમનો ફોન જપ્ત કરી તપાસ કરીશું એવું ગાડેએ સ્પષ્ટ કર્યું હતું.