ભારતીય વાયુસેનાએ તૈયબાના ગઢને કર્યો ધ્વસ્ત, 26/11ના આતંકીઓને અહીં જ તાલીમ અપાઈ હતી
Operation Sindoor: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેતા ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે પાકિસ્તાનમાં આતંકીઓ વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું. ભારતે મધ્યરાત્રિએ પાકિસ્તાનની સરહદમાં 100 કિલોમીટર અંદર પ્રવેશ કરીને પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા.
26/11ના આતંકીઓ અહીં થયા હતા ટ્રેઇન
રાફેલ વિમાનો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં, જૈશ-એ-મોહમ્મદના 'જેશ-સુભાનલ્લાહ' ઠેકાણા અને લશ્કરના 'મરકઝ-એ-તૈયબા' છાવણીને નિશાન બનાવવામાં આવી હતી. જો સૂત્રોનું માનીએ તો, આ તે જગ્યા છે જ્યાં 26/11 ના આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી હતી. હવે આ સ્થળો ફક્ત નકશામાં જ બચ્યા છે.
મરકઝ-એ-તૈયબાને નિશાન બનાવ્યું
ભારતીય સૈનિકોએ પાકિસ્તાનમાં 4 સ્થળો અને પીઓકેમાં 5 સ્થળો પર હવાઈ હુમલા કર્યા. મુરિદકે અને સિયાલકોટમાં આતંકવાદી તાલીમ શિબિરોનો પણ નાશ કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 100 કિલોમીટર દૂર સુધી લશ્કર-એ-તૈયબાના સૌથી મોટા મુખ્યાલય મરકઝ-એ-તૈયબાને નિશાન બનાવ્યું. આ એ જ મુખ્યાલય છે જ્યાં 2008ના મુંબઈ હુમલા (26/11)ના આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી હતી.
ઓપરેશન સિંદૂર
ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણે એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે કે, 'ન્યાય થયો, જય હિન્દ'.
ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાને લીધા હતા. ANI અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા છે.