બિહારમાં ભૂમાફિયાઓનો હાઇવેની જમીન પર કબજો, બારોબાર વેચી નાખી

બિહારમાં સરકારી જમીન પર વધતું દબાણ મોટી સમસ્યા
સ્વાસ્થ્ય કેન્દ્ર, ખાસમહલ, મઠ-મંદિર ઉપરાંત કૃષિ વિભાગની જમીનો પણ વેચવામાં આવી હોવાના અહેવાલથી હોબાળો
બિહારના મુશહરી અંચલમાં મોટી સંખ્યામાં લોકોએ એનએચએઆઇની જમીન પર કબજો પણ કરી લીધો છે. એનએચએઆઇના પ્રોજેક્ટ ડાયરેક્ટર આશુતોષ સિન્હાએ સ્થાનિક ડીએમ સુબ્રત કુમાર સેનને પત્ર લખ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે અનેક વખત ફરિયાદ કરવામાં આવવા છતા જમીનના ખરીદ-વેચાણનું ગેરકાયદે કામ ચાલુ જ છે.
બિહારમાં નેશનલ હાઇવેની જમીન પર અનેક લોકોએ કબજો પણ કરી લીધો હોવાના અહેવાલો છે. ખાસ કરીને મુઝફ્ફરપુર-બરૌની ફોર લેન હાઇવેના કામમાં આ દબાણ મોટા અવરોધ ઉભા કરી રહ્યું છે. કેટલાક દબાણકર્તાઓએ તો કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ બનાવી નાખ્યા છે. આ વિસ્તારમાં ભુમાફિયા સક્રિય છે જેઓ સરકારી જમીન વેચવા માડયા છે. દબાણ વધવાને પગલે હાલમાં હાઇવે આસપાસ માપણીનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેટલીક જમીનનું ૧૯૬૩-૬૪ના સમયગાળામાં નેશનલ હાઇવે બનાવવા માટે સંપાદન કરાયું હતું.








