Land for Job Scam Charges Framed: લેન્ડ ફોર જોબ(જમીનના બદલામાં નોકરી) કૌભાંડમાં રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના વડા અને પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આ મામલે લાલુ યાદવ સહિત 40થી વધુ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ(આરોપ નક્કી) કર્યા છે.
કોર્ટની આકરી ટિપ્પણી: 'ક્રિમિનલ એન્ટરપ્રાઇઝ'
કોર્ટે પોતાના આદેશમાં અત્યંત કડક શબ્દોનો પ્રયોગ કરતાં જણાવ્યું કે, લાલુ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા છે. આ પુરાવાઓ દર્શાવે છે કે સરકારી પદોની વહેંચણી કરવા માટે તેમણે એક 'ક્રિમિનલ એન્ટરપ્રાઇઝ'(ગુનાહિત સાહસ)ની જેમ કામ કર્યું હતું. કોર્ટે લાલુ પરિવારની કેસમાંથી મુક્ત થવાની અરજીને ફગાવી દેતા કહ્યું કે, આ મામલામાં પદનો દુરુપયોગ અને ષડયંત્ર સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
સીબીઆઈની વિશેષ અદાલતે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે માન્યું કે આ મામલામાં આગળની સુનાવણી માટે પૂરતો આધાર રહેલો છે. હવે આગામી પ્રક્રિયા હેઠળ ટ્રાયલ શરુ કરવામાં આવશે અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં આવશે.
લાલુ યાદવ સહિતના આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ચાલશે કેસ
આ કેસની વિગતો મુજબ, કોર્ટે 41 આરોપીઓ વિરુદ્ધ 'પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટ'ની કલમ 13(2) અને 13(1)(d) હેઠળ ટ્રાયલ ચલાવવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે તેમની સામે કાયદેસરની સુનાવણી શરૂ થશે. જોકે, આ જ કેસમાં અન્ય 52 આરોપીઓને મોટી રાહત મળી છે, કારણ કે કોર્ટે પુરાવાના અભાવે તેમને ડિસ્ચાર્જ એટલે કે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સીબીઆઇની ચાર્જશીટમાં એવો ગંભીર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાલુ યાદવના નજીકના સાથીઓએ નોકરીના બદલામાં કિંમતી જમીનો હડપવા માટે સહ-સાજિશકર્તા તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ભ્રષ્ટાચારનું આખું માળખું ઊભું કર્યું હતું.
આ પણ વાંચો: ઈડીના દરોડા મુદ્દે બંગાળથી દિલ્હી સુધી ઘમસાણ : ગૃહ મંત્રાલય સામે TMC સાંસદોના દેખાવ
ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક
અદાલતે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, વિવેકાધિકારનો દુરુપયોગ કરીને સરકારી નોકરીઓ વહેંચવામાં આવી અને તેના બદલામાં કિંમતી જમીનો પડાવી લેવામાં આવી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પુરાવાઓ એક સુનિયોજિત ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે, તેથી આ તબક્કે લાલુ યાદવ અને તેમના પરિવારને નિર્દોષ માનીને મુક્ત કરી શકાય નહીં.


