બિહારમાં પરાજય છતાં રાજદમાં તેજસ્વી યાદવનું કદ વધ્યું
રોહિણી આચાર્યએ તેજસ્વીને કઠપૂતળી શહેજાદા, સાથીઓને ઘૂસણખોર ગણાવ્યા : તેજપ્રતાપનું પણ બહેનને સમર્થન
પટના: રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ની રાષ્ટ્રીય કારોબારીની બેઠક રવિવારે યોજાઈ હતી. આ બેઠકમાં સર્વસંમતિથી પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે તેજસ્વી યાદવની નિમણૂક થઈ હતી. આ સાથે રવિવારે રાજદમાં લાલુ યાદવનો યુગ પૂરો થયો હતો. જોકે, તેજસ્વી યાદવની પ્રમુખપદે પસંદગી થતા જ બહેન રોહિણી આચાર્યએ તેજસ્વી યાદવને કઠપૂતળી શહેજાદાની તાજપોશી મુબારક એમ કહી ટીકા કરી હતી. રોહિણીએ તેજસ્વી યાદવના કેટલાક સાથીઓને ઘૂસણખોર ગણાવી પક્ષનો વિનાશ નોંતરનારા તરીકે ઓળખાવ્યા હતા.
બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના સંસ્થાપક અને સામાજિક ન્યાયના રાજકારણના મોટા ચહેરા લાલુ પ્રસાદ યાદવે રવિવારે પક્ષનું સુકાન નાના પુત્ર તેજસ્વી યાદવને સોંપ્યું હતું. પટનામાં રવિવારે રાજદની રાષ્ટ્રીય કારોબારી બેઠક થઈ હતી, જેમાં પક્ષના વરિષ્ઠ નેતા ભોલા પ્રસાદ યાદવે તેજસ્વી યાદવને પક્ષના કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બેઠકમાં આ પ્રસ્તાવ પાસ થતા જ પક્ષના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે તેજસ્વી યાદવના નામની જાહેરાત કરી હતી. આ સાથે હવે રાજદમાં 'તેજસ્વી યુગ'ની શરૂઆત થઈ છે. ગયા વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજદના પરાજય છતાં રાજદમાં તેજસ્વી યાદવનું કદ વધી ગયું છે.
રાજદના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર અને વિરોધી પક્ષોની ઝાટકણી કાઢી હતી. તેમણએ કહ્યું કે, તે પોતે અને તેમનો પક્ષ લાલુ પ્રસાદ યાદવની જેમ ક્યારેય ઝૂકશે નહીં. તેજસ્વીએ આક્ષેપ કર્યો કે ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણી જીત્યા પછી કાવતરાં હેઠળ તેમની સામે ભ્રષ્ટાચારના કેસો કરાયા હતા.
તેમણે ઉમેર્યું કે, વિપક્ષના નેતાઓ પર જે રીતે કેસ થઈ રહ્યા છે તેનાથી રાજદ ડરવાની નથી. પક્ષને જનતાનો સહયોગ અને કાર્યકરોનું સમર્થન તથા વરિષ્ઠ નેતાઓના આશિર્વાદ મળી રહ્યા છે. તેના બળે આખા દેશમાં અભિયાન ચલાવાશે. સાથે જ કાર્યકારી બેઠકમાં રાજદ તરફથી દેશભરમાં ઈવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા દેશવ્યાપી અભિયાન ચલાવવાનો સંકલ્પ લેવાયો હતો.
દરમિયાન તેજસ્વી યાદવની તાજપોશી સાથે લાલુ યાદવના પરિવારનો ઝઘડો ફરી સામે આવ્યો છે. બહેન રોહિણી આચાર્યએ ઔપચારિક રીતે પક્ષનું સુકાન સંભાળવા બદલ તેજસ્વીને કઠપૂતળી બનેલા શહેજાદા ગણાવ્યા હતા. રોહિણીએ એક્સ પર લખેલા સંદેશામાં પિતા લાલુ પ્રસાદ યાદવની ગૌરવશાળી ઈનિંગ પૂરી થઈ હોવાની ભવિષ્યવાણી કરી. સાથે તેજસ્વી યાદવના સાથીઓને ઘૂસણખોર ગણાવ્યા. રોહિણીએ લખ્યું, રાજકારણના શીખર પુરુષની ગૌરવશાળી ઈનિંગનો પટાક્ષેપ, ઘૂસણખોરોના હાથોની કઠપૂતળી બનેલા શહજાદાની તાજપોશી મુબારક.


