India

લદાખનું ‘પ્રેગનન્સી ટુરિઝમ’: શું ખરેખર યુરોપની સ્ત્રીઓ ‘આર્ય પુત્ર’ની ચાહમાં ગર્ભ ધારણ કરવા લદાખ આવે છે?

By GS TEAM
3 Oct 20253 mins read
TukuTouch Logo
Truth Behind Ladakh’s Alleged Pregnancy Tourism : ‘પ્રેગનન્સી ટુરિઝમ’ શબ્દોનો ઉલ્લેખ થાય એટલે સામાન્ય સમજ એવી છે કે, ગર્ભવતી તેના આવનારા બાળકને વધુ સારી નાગરિકતા, શિક્ષણ અને સુવિધા મળી રહે એ માટે પોતાનું વતન છોડીને વિદેશમાં પ્રસૂતિ માટે જાય. આ સ્થિતિ સામાન્ય રીતે ‘પ્રેગનન્સી ટુરિઝમ’ કહેવાય છે. જો કે, લદાખમાં ચાલી રહેલા હોવાનું કહેવાતા ‘પ્રેગનન્સી ટુરિઝમ’નો અર્થ સદંતર જુદો છે, જે પૌરાણિક કથાઓ, વંશીય શુદ્ધતાની કલ્પના અને એક અનોખી લોકવાયકા સાથે સંકળાયેલું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લદાખનું ‘પ્રેગનન્સી ટુરિઝમ’: શું ખરેખર યુરોપની સ્ત્રીઓ ‘આર્ય પુત્ર’ની ચાહમાં ગર્ભ ધારણ કરવા લદાખ આવે છે?

Truth Behind Ladakh’s Alleged Pregnancy Tourism : ‘પ્રેગનન્સી ટુરિઝમ’ શબ્દોનો ઉલ્લેખ થાય એટલે સામાન્ય સમજ એવી છે કે, ગર્ભવતી તેના આવનારા બાળકને વધુ સારી નાગરિકતા, શિક્ષણ અને સુવિધા મળી રહે એ માટે પોતાનું વતન છોડીને વિદેશમાં પ્રસૂતિ માટે જાય. આ સ્થિતિ સામાન્ય રીતે ‘પ્રેગનન્સી ટુરિઝમ’ કહેવાય છે. જો કે, લદાખમાં ચાલી રહેલા હોવાનું કહેવાતા ‘પ્રેગનન્સી ટુરિઝમ’નો અર્થ સદંતર જુદો છે, જે પૌરાણિક કથાઓ, વંશીય શુદ્ધતાની કલ્પના અને એક અનોખી લોકવાયકા સાથે સંકળાયેલું છે.

બ્રોક્પા સમુદાયનો ઇતિહાસ અને ઓળખ 

લદાખના દહ, હનુ અને ગાર્કોન જેવા ગામોમાં વસતો બ્રોક્પા (અથવા ડ્રોગ્પા) સમુદાય 'શુદ્ધ આર્ય' પ્રજા હોવાનું કહેવાય છે. લદાખના અન્ય સમુદાયો કરતાં તેમનો શારીરિક દેખાવ જુદો છે. તેઓ ઊંચું કદ, ગોરી ત્વચા અને આછા રંગની આંખો ધરાવે છે. દંતકથાઓ એવી પણ છે કે, બ્રોક્પા ‘એલેક્ઝાન્ડર ધ ગ્રેટ’(સિકંદર)ના સૈનિકોના વંશજ છે, જેઓ હજારો વર્ષ પહેલાં અહીં આવીને વસી ગયા હતા. ઇન્ટરનેટ પર આ વિશે સારું એવું લખાયું છે અને પ્રવાસન માર્ગદર્શિકાઓમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે, જેને લીધે આ માન્યતા દૃઢ થઈ ગઈ છે.

નિષ્ણાતોનો મત જુદો છે

બ્રોક્પા સમુદાયના લોકો સીધા આર્ય વંશજ હોવાના દાવાને આનુવંશિકશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો એમ કહીને ખોટો ગણાવે છે કે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. ઐતિહાસિક અને જનીનશાસ્ત્રના અભ્યાસો સૂચવે છે કે, બ્રોક્પા લોકોનો જનીનીક સંબંધ દક્ષિણ એશિયાના અન્ય સમુદાયો સાથે છે, તેઓ સીધા યુરોપિયન 'આર્ય'થી અલગ છે. જો કે, સંશોધનો અને નિષ્ણાતોના આવા મત છતાં બ્રોક્પા આર્યન વંશજ હોવાની વાતો ચાલતી જ રહે છે. 

‘આર્યન’ બાળકોની ચાહમાં શરુ થયું ‘પ્રેગનન્સી ટુરિઝમ’

આ 'શુદ્ધ આર્યન' વંશની લોકપ્રિય ધારણાએ જ એક અનોખી અને સનસનાટીભરી વાયકાને જન્મ આપ્યો છે. છેલ્લા થોડા સમયથી અહીં એવી વાતો ચાલી રહી છે કે જર્મની અને ફ્રાન્સ જેવા યુરોપિયન દેશોમાંથી વિદેશી મહિલાઓ ઇરાદાપૂર્વક લદાખના બ્રોક્પા સમુદાયના ગામોમાં આવે છે. તેમનું ધ્યેય બ્રોક્પા પુરુષો સાથે સંબંધ બનાવીને ગર્ભધારણ કરવાનું હોય છે. આવું તેઓ એટલા માટે કરે છે કે જેથી તેમના બાળકોને વારસામાં 'શુદ્ધ' આર્યન જનીનો મળે અને મોટા થઈને તેઓ શુદ્ધ આર્યન જાતિને આગળ વધારે! અફવાઓ એવી પણ છે કે આ કામ માટે યુરોપિયન મહિલાઓ બ્રોક્પા પુરુષોને સારા એવા પૈસા પણ આપે છે.

અફવાઓમાં સચ્ચાઈ કેટલી છે? 

આ વાયકાઓ એટલી સનસનાટીભરી છે કે અનેક પત્રકારો અને સંશોધકોએ આ પ્રદેશની મુલાકાત લઈને સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે તેમણે સ્થાનિકો અને નેતાઓને આ વિશે પૂછ્યું ત્યારે તેમને મિશ્ર અને વિરોધાભાસી જવાબો મળ્યા. કેટલાક ગ્રામીણો આ ઘટનાની પુષ્ટિ કરતા હતા, તો કેટલાકે તેને સંપૂર્ણ રીતે નકારી કાઢી. ગામના સરપંચોએ પણ આ દાવાઓને નિરાધાર અને હાસ્યાસ્પદ ગણાવ્યા. 

પ્રવાસનને વેગ આપવા માટે ફેલાવાયેલું જૂઠાણું?

લદાખનો એક વર્ગ એવું પણ કહે છે કે, સ્થાનિક પ્રવાસનને વેગ મળે, જિજ્ઞાસાવશ વધુ લોકો લદાખની મુલાકાતે આવે, એ માટે આવી અફવા ફેલાવાઈ રહી છે, અને એ માટે બ્રોક્પા સમુદાયના લોકોના અલગ પડતા દેખાવને હથિયાર બનાવવામાં આવ્યું છે.