Ladakh Earthquake | કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં સોમવાર 19 જાન્યુઆરીના રોજ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લેહ સહિતના વિસ્તારોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. આ ભૂકંપની અસર કાશ્મીર અને પડોશી દેશ તાજિકિસ્તાન સુધી જોવા મળી હતી. રાહતની વાત એ છે કે આ ભૂકંપને કારણે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.
લદાખમાં 5.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લદાખમાં સોમવારે સવારે 11 વાગીને 51 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી. NCSએ જણાવ્યું કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 171 કિલોમીટર નીચે હતું. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા લદાખની બહાર કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.
દિલ્હી-NCRમાં પણ અનુભવાયા આંચકા
સોમવારની સવાર દેશના ઉત્તરીય ભાગ માટે ભૂકંપના આંચકાઓથી ભરેલી રહી. લદાખ પહેલા, રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. NCS મુજબ, દિલ્હીમાં સવારે 8 વાગીને 44 મિનિટે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 હતી. આ ભૂકંપનું કેન્દ્ર ઉત્તરી દિલ્હીમાં જ નોંધાયું હતું અને તેની અસર હરિયાણાના સોનીપત સુધી જોવા મળી હતી.


