For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇતિહાસ ફરીથી લખો, આપણને કોઈ નહીં રોકી શકે : અમિત શાહ

અહોમ જનરલ લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ મહત્વનું સંબોધન કર્યું

ઈતિહાસકારો, વિદ્યાર્થીઓએ દેશની આઝાદી માટે બલિદાન આપનારાઓ 300થી વધુ વ્યક્તિત્વો પર સાચો ઈતિહાસ લખવો જોઈએ

Updated: Nov 25th, 2022

નવી દિલ્હી,તા.25 નવેમ્બર-2022, શુક્રવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે નવી દિલ્હીમાં અહોમ જનરલ લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે મહત્વનું સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહત્વનું નિવેદન કરતા કહ્યું કે, 'તોડી-મરોડી' રજુ કરાયેલા ઈતિહાસને ફરીથી લખતા અમને કોઈ રોકી શકશે નહીં. ઈતિહાસકારો તેમજ વિદ્યાર્થીઓએ દેશના વિવિધ ભાગોમાં 150 વર્ષથી શાસન કરનારા 30 સામ્રાજ્યો અને દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર 300થી વધુ વ્યક્તિત્વો પર સંશોધન કરીને સાચો ઈતિહાસ લખવો જોઈએ.

ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, જો લચિત બોરફુકન ન હોત તો પૂર્વોત્તર ભારતનો ભાગનો હિસ્સો ન હોત... કારણ કે તે સમયે તેમના દ્વારા લેવાયેલા નિર્ણયો અને તેમની હિંમતથી માત્ર પૂર્વોત્તર જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાને કટ્ટરપંથીઓના આક્રમથી બચાવ્યું હતું. સમગ્ર દેશ, સભ્યતા અને સંસ્કૃતિ લચિત બોરફુકનની આ બહાદુરીનો ઉપકાર છે. 

ઈતિહાસને ગૌરવમય બનાવીને રાખવો જોઈએ : અમિત શાહ

અમિત શાહે આસામના મુખ્યમંત્રી ડો. હિમંતા વિશ્વ શર્માને વિનંતી કરી કે, લચિત બોરકૂનના પાત્રનું હિન્દી અને દેશની અન્ય 10 ભાષાઓમાં અનુવાદ કરવામાં આવે, જેથી દેશના દરેક બાળક તેમની હિંમત અને બલિદાન જાણી શકે. ગૃહમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકાર દેશના ગૌરવ માટે કરાતા કોઈપણ પુરુષાર્થને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે આપણે ઈતિહાસને તોડી-મરોડી રજુ કરવાના વિવાદોમાંથી બહાર આવવું જોઈએ અને આ ઈતિહાસને ગૌરવમય બનાવીને સમગ્ર વિશ્વની સામે રજૂ કરવું જોઈએ.

130 કરોડ ઉપરાંત લોકોને લચિત બરફૂકન વિશે જાણકારી આપવામાં આવી

આ પ્રસંગે કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે, દેશના 130 કરોડ ઉપરાંત લોકોને લચિત બરફૂકન વિશે જાણકારી આપવામાં આવી છે. શ્રી સોનોવાલે કહ્યું કે લચિત બરફૂકનના વિચારો અને વીરતા દ્વારા યુવાઓ પ્રોત્સાહિત થશે. આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ લચિત બરફૂકનના માનમાં આજે રાત્રે ઘેર ઘેર માટીનો દીવો પ્રગટાવવા માટે વિનંતી કરી હતી.

ઉલ્લેખનિય છે કે, નવી દિલ્હીમાં અહોમ સેનાપતિ જનરલ લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણી ચાલી રહી છે. આસામ સરકાર દ્વારા યોજાયેલા 3 દિવસીય કાર્યક્રમની શરૂઆત ગઈકાલે થઈ હતી. લચિત બરફૂકનની વીરતા અને દેશભક્તિ પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોને માહિતી પૂરી પાડવાનો તેનો હેતુ છે. 

લચિત બરફૂકન કોણ હતાં

  • લચિત બરફૂકન આસામના અહોમ રજવાડાની રોયલ આર્મીના પ્રખ્યાત જનરલ હતા.
  • લચિત બરફૂકને મુઘલોને હરાવ્યા હતા અને ઔરંગઝેબની વિસ્તરી રહેલી મહત્વાકાંક્ષાઓને અટકાવી દીધી હતી.
  • લચિત બારફૂકને 1671માં લડાયેલા સરાઈઘાટના યુદ્ધમાં આસામી સૈનિકોને પ્રેરણા આપી અને મુઘલોને કારમી હાર આપી હતી.
  • લચિત બરફૂકન અને તેમની સેનાની પરાક્રમી યુદ્ધ દેશના ઈતિહાસમાં પ્રતિકારના સૌથી પ્રેરણાદાયી લશ્કરી પરાક્રમોમાંનું એક છે.
Gujarat