- ઉન્નાવ રેપ કેસમાં સજા સસ્પેન્ડ કરવા, જામીનના હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે
- મારા પિતાની ઉત્તરક્રિયા નથી કરી, આજે પણ ધમકીઓ મળી રહી છે, સેંગરને ફાંસીએ લટકાવો ત્યારે જ ન્યાય થશે : પીડિતા
- સુપ્રીમે સેંગરને નોટિસ પાઠવી સીબીઆઇની અપીલ પર જવાબ માગ્યો, આગામી મહિનામાં વધુ સુનાવણી
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના ઉન્નાવના ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા અપાઇ હતી, આ સજાને સસ્પેન્ડ કરવા ઉપરાંત જામીન મંજૂર કરવાના દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો છે. હાઇકોર્ટના નિર્ણય સામેની કેન્દ્રીય એજન્સી સીબીઆઇની અપીલ પર સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે. સાથે જ બળાત્કારના દોષિત કુલદીપ સેંગરને પણ નોટિસ મોકલીને આ અપીલ પર જવાબ માગવામાં આવ્યો છે.
૨૦૧૭ના ઉન્નાવ બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કુલદીપ સેંગરની સજા સસ્પેન્ડ કરવા અને જામીન મંજૂર કરવા સામે સીબીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ હતી, સીબીઆઇ તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે એક સગીરા પર અત્યંત જઘન્ય બળાત્કારનો ગુનો આચરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટને વિનંતી છે કે તે હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે આપે. જ્યારે આ ઘટનાને અંજામ અપાયો ત્યારે સેંગર તાકતવર ધારાસભ્ય હતો. જ્યારે સેંગરના વકીલે સીબીઆઇની માગણીનો વિરોધ કર્યો હતો અને હાઇકોર્ટના નિર્ણયમાં દખલ ના દેવા અપીલ કરી હતી.
બન્નેની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં છોડવામાં ના આવે, સેંગર વિરુદ્ધના આરોપો ગંભીર છે. આ ગુનેગારને કોઇ પણ મામલામાં જામીન આપવામાં ના આવે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જે. કે. મહેશ્વરી, ન્યાયાધીશ ઓગસ્ટીન જ્યોર્જ મસિહની બેંચ દ્વારા બાદમાં કુલદીપ સેંગરને જામીન અને સજા સસ્પેન્ડ કરવાના હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે મુકી દેવાયો હતો. હવે ચાર સપ્તાહ બાદ આ મામલામાં વધુ સુનાવણી કરવામાં આવશે.
આ મામલાની સુનાવણી ચાલી રહી હતી ત્યારે પીડિતા અને તેની માતા બન્ને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. બાદમાં બન્નેએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. જોકે પીડિતાએ માગ કરી હતી કે સેંગરને ફાંસીની સજા આપવામાં આવે, મારા પિતાની હત્યામાં પણ તેનો હાથ છે, મે મારા પિતાની હજુસુધી ઉત્તરક્રિયા નથી કરી. પીટીઆઇ સાથે ફોન પર વાતચીત દરમિયાન પીડિતાએ કહ્યું હતું કે હું શરૂઆતથી જ ન્યાય માટે અવાજ ઉઠાવી રહી છું. જ્યાંસુધી સેંગરને ફાંસીના માચડે લટકાવવામાં ના આવે ત્યાંસુધી આરામ નહીં કરું. આજે પણ મને અને મારા પરિવારને ધમકીઓ મળી રહી છે.


