હનુમાન બેનીવાલની વિવાદિત ટિપ્પણી બાદ કરણી સેનામાં આક્રોશ, કાર્યકરોને 'તૈયાર' રહેવા નિર્દેશ
Hanuman Beniwal Statement: સપાના સાંસદ રામજી લાલ સુમન બાદ ક્ષત્રિયો વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપનારા વધુ એક રાજકરણી ફસાયા છે. નાગૌરના સાંસદ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના અધ્યક્ષ હનુમાન બેનીવાલે ક્ષત્રિયોની લાગણી દુભાવતું નિવેદન આપતાં ક્ષત્રિય કરણી સેનાએ નારાજગી વ્યક્ત કરી છે. બેનીવાલે રાજસ્થાનના રાજા-મહારાજાઓ અને ઈતિહાસ મુદ્દે ટીપ્પણી કરી હતી. જેથી રાજપૂત સમાજ રોષે ભરાયો હતો. ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ ડો. રાજ શેખાવતે નારાજગી વ્યક્ત કરતાં જડબાતોડ જવાબ આપવાની જાહેરાત કરી છે. તેમજ પોતાના કાર્યકારોને તૈયાર રહેવા આહ્વાન કર્યું છે.
બેનીવાલને આકરો જવાબ આપીશુંઃ રાજ શેખાવત
શેખાવતે હનુમાન બેનીવાલના નિવેદનને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હોવાનું જણાવતાં કહ્યું છે કે, આ અમારા ગૌરવશાળી પૂર્વજો અને વિરાંગનાઓનું અપમાન છે. અમારા પૂર્વજો અને ક્ષત્રિયો વિરૂદ્ધ ફરી એકવાર અભદ્ર ટીપ્પણી થઈ છે. તે પણ એક લોકસેવક, રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલ દ્વારા. જે જરાય ચલાવી લેવામાં આવશે નહીં. અમે ઝડપથી બેનીવાલને તેનો જડબાતોડ જવાબ આપીશું. કરણી સેના આ મુદ્દાને માત્ર આક્ષેપ અને નિવેદનબાજી સુધી સીમિત રાખશે નહીં.
બેનીવાલને જવાબ આપવાની તારીખ જાહેર કરીશું
વધુમાં શેખાવતે કહ્યું કે, ટૂંકસમયમાં જ રાજસ્થાન સાંસદ હનુમાન બેનીવાલને આક્રમક જવાબ આપીશું. ટૂંકસમયમાં જ તારીખ, સમય અને સ્થળ જાહેર કરીશું. તમામ કરણી સૈનિક તૈયાર રહેજો. કરણી સેનાનું આ આક્રમક વલણ જોતાં રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. અનેક રાજપૂત નેતાઓએ બેનીવાલના નિવેદનની ટીકા કરી તેમને માફી માગવા કહ્યું છે.
શું હતું બેનીવાલનું નિવેદન
સાંસદ હનુમાન બેનીવાલે રાજ્યના ઈતિહાસનો ઉલ્લેખ કરતાં વીડિયોમાં કહ્યું હતું કે, રાજસ્થાનમાં માત્ર એક-બે લોકોએ જ લડાઈઓ લડી છે, બાકી લોકો તો મુઘલો સામે ઘૂંટણીયે પડ્યા હતાં. પોતાની દિકરીઓ સોંપી દીધી હતી. આ નિવેદનથી કરણી સેના અને રાજપૂત સમાજ રોષે ભરાયું છે. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે તેને રાજપૂત સમાજના ઈતિહાસ અને બલિદાનનું અપમાન ગણાવી વખોડ્યા છે.
કરણી સેનાએ છેડ્યો હતો મોરચો
રાણા સાંગાને ગદ્દાર કહેનારા સપા સાંસદ રામજીલાલ સુમનના કાફલા પર થોડા સમય પહેલાં જ ક્ષત્રિય સમાજે હુમલો કર્યો હતો. 20 ગાડીઓના કાફલાને બુલંદ શહેરમાં જ ઘેરી લીધો હતો. સાંસદ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં. ટાયર-પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો. રામજીલાલ સુમનનો દેશભરના ક્ષત્રિયો-રાજપૂત સમાજે બહિષ્કાર કરતાં મોરચો છેડ્યો હતો. રેલીઓ કાઢી સુમન વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવા માગ કરી હતી.