વનતારામાંથી હાથણી માધુરીને પાછી લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, ફડણવીસે બેઠક યોજીને આપી પ્રતિક્રિયા
Madhuri Mahadevi Elephant Case: મહારાષ્ટ્રમાં કોલ્હાપુરના નંદની મઠની માધુરી નામની હાથણીને ગુજરાત વનતારામાં મોકલવામાં આવતા વિવાદ સર્જાયો હતો. હકીકતમાં બોમ્બે હાઇકોર્ટના આદેશને પગલે માધુરી ઉર્ફ મહાદેવીને મહારાષ્ટ્રના કોલ્હાપુરથી ગુજરાતના જામનગરમાં આવેલા વાઇલ્ડ લાઇફ રિહેબિલિટેશન સેન્ટર 'વનતારા'માં મોકલાઈ હતી. આ નિર્ણયનો નંદની મઠ અને કોલ્હાપુરના સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો. પરિણામે પાંચમી ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં એક ઉચ્ચ-સ્તરીય બેઠક યોજી હતી.
મહારાષ્ટ્રમાં એક ફડણવીસની અધ્યક્ષતામાં ઉચ્ચ-સ્તરીય બેઠક
દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વનતારાના અધિકારીઓ સાથે હાથણીને પરત મોકલવા મુદ્દે ઊંડી ચર્ચા થઈ હતી. આ અંગે ફડણવીસે X પર એક પોસ્ટ કરીને કહ્યું છે કે, વનતારાએ મને ખાતરી આપી છે કે માધુરીને નંદની મઠમાં સુરક્ષિત રીતે પાછી મોકલવા માટે મહારાષ્ટ્ર સરકારે દાખલ કરેલી અરજીમાં વનતારા સહયોગ કરશે. આ દરમિયાન વનતારાએ એમ પણ જણાવ્યું હતું કે, તેઓ ફક્ત સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા હતા. માધુરીનો કબજો લઈ લેવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, મંત્રી ચંદ્રકાંત પાટીલ, ગણેશ નાઇક, હસન મુશ્રીફ, ગિરીશ મહાજન, પ્રકાશ આબીટકર, નંદની મઠના પ્રતિનિધિઓ, પ્રકાશ અવાડે, રાજુ શેટ્ટી, સતેજ પાટીલ, સદાભાઉ ખોત અને ધૈર્યશીલ માને પણ સામેલ હતા.
માધુરીને પાછી લાવવા સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજીનો નિર્ણય
આ બેઠકમાં નક્કી કરાયું હતું કે, નંદની મઠ અને ફડણવીસ સરકાર માધુરીને પાછી લાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી કરશે. નોંધનીય છે કે, માધુરી છેલ્લા 34 વર્ષથી કોલ્હાપુરના નંદની મઠમાં રહેતી હતી. આ વાત કરતા ફડણવીસે કહ્યું હતું કે, કોલ્હાપુર જિલ્લામાં નંદની મઠ પાસે વન વિભાગ દ્વારા પસંદ કરેલા સ્થળે માધુરી માટે પુનર્વસન કેન્દ્ર સ્થાપવામાં પણ સંપૂર્ણ મદદ કરવાની વનતારાએ ખાતરી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, વનતારા વિવિધ સમુદાયોની ધાર્મિક લાગણીઓનું સંપૂર્ણ સન્માન કરે છે.
PETA ઇન્ડિયા દ્વારા આપવામાં આવ્યો હતો આદેશ
બોમ્બે હાઇકોર્ટે 16 જુલાઈએ માધુરીને વનતારામાં મોકલવાનો આદેશ આપ્યો હતો. વાત એમ હતી કે, PETA ઇન્ડિયાએ બોમ્બે હાઈકોર્ટમાં માધુરીના આરોગ્ય, સંધિવા અને માનસિક તણાવનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેને પગલે આ આદેશ કરાયો હતો. આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ 29 જુલાઈના રોજ આ આદેશ યથાવત્ રાખ્યો હતો.
નોંધનીય છે કે, આ દરમિયાન માધુરીને વનતારા મોકલવા મુદ્દે કોલ્હાપુરમાં મોટા પાયે દેખાવો થયા હતા. આ દરમિયાન લોકોએ ધાર્મિક પરંપરામાં માધુરી સહિતના હાથીઓની પવિત્ર ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં, 2 લાખથી વધુ લોકોએ તેને પાછી લાવવા માટે હસ્તાક્ષર કર્યા હતા.