કેરલના આ ગામમાં સૌથી વધુ ટવીન્સ બાળકો કેમ જન્મે છે
૨૦૦૦ની વસ્તી ધરાવતા ગામમાં ૩૦૦ જેટલા જોડિયા બાળકો છે
છેલ્લા 70 વર્ષથી જોડીયા બાળકોની સંખ્યા વધી છે
કેરલના મલ્લપુરમ જિલ્લાના ૨૦૦૦ની વસ્તી ધરાવતા કોદીનહી નામના ગામમાં ૩૧૦ થી પણ વધુ જોડકા બાળકો છે. દુનિયામાં આ ગામ સૌથી વધુ જોડકા બાળકો ઘરાવવાનો રેકોર્ડ ધરાવે છે. જીવ શાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે માણસમાં7 એક હજારના જન્મ થાય ત્યારે સરેરાશ એક જોડિયું બાળક જન્મે છે. પરંતુ આ ગામમાં ૧૦૦૦ બાળકોએ ૮૦ જોડિયા બાળકો જોવા મળતા હોવાથી એક પણ ઘર જોડિયા બાળક વિનાનું નથી. ભારતમાં જોડકા બાળકો પેદા થવાની સમસ્યા ઓછી જોવા મળે છે પરંતુ આ ગામ વિશ્વમાં જોડિયા બાળક પેદા થવામાં અવ્વલ છે.
૨૦૧૨માં તો એક જ વર્ષમાં ૧૮ જેટલા જોડિયા બાળકોએ જન્મ લીધો હતો. મોટા તબીબો અને વૈજ્ઞાાનિકો પણ આ ગામમાં જોડિયા બાળકોનો ખુલાસો કરી શકતા નથી. કોઇ ગામના વાતાવરણને, કોઇ ગામના પાણીને તો કોઇ ગામ લોકોના જનીનિક બાંધાને જવાબદાર ગણે છે. ગર્ભાધાન સમયના સંજોગો અને જૈવિક બાબતોને લગતી ઘણી બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
ગામ લોકોનું ખાન પાનની આદતો પણ નોર્મલ છે. તેમજ ગામની હવાના વાતાવરણમાં કોઇ કેમિકલ રીએકશન પણ જોવા મળતું નથી. જમીન અને પાણીના નમૂના લેવામાં આવ્યા પરંતુ કોઇ જ વાંધાજનક મળ્યું નથી. આથી જેનેટિક સાયન્સના અભ્યાસુઓ માટે કોયડા સમાન છે. ગામમાં પહેલા જોડકા બાળકો ૧૯૪૯માં પેદા થયા હતા. ત્યાર બાદ આ સિલસિલો ચાલું જ છે. સૌથી વૃદ્ધ બે જોડકા મહિલાઓ આજે ૬૮ વર્ષની થઇ છે. ગામની આ પહેલી જોડકા મહિલામાં ખૂબજ સામ્યતા હોવાથી બંનેનું નામ પઠ્મકુટ્ટ્ી કુન્હિપાથુટી રાખવામાં આવ્યું છે.
ગામની પ્રાથમિક શાળામાં જોડિયા બાળકોની સંખ્યા એટલી બધી વધી ગઇ છે કે શિક્ષકોે બાળકોને ઓળખવામાં પણ તકલીફ પડે છે. જાણે કે આંખનો દ્રષ્ટીભ્રમ થયો હોય એમ બે બાળકો દેખાય છે. આ ઉપરાંત એક સાથે ત્રણ બાળકોને જન્મ થયા હોય એવી ઘટના પણ અનેક બની છે. ગામમાં ઘરડા, આધેડ, યુવાનો અને બાળકો પણ એક જ ચહેરા વાળા ફરતા દેખાય છે.
નવાઇની વાત તો એ છે કે બહારથી પરણીને લાવવામાં આવતી મહિલાઓ પણ જોડિયા બાળકોને જન્મ આપે છે. તેમજ અહીંથી પરણીને બીજા ગામમાં સાસરે જતી યુવતીઓને જોડકા બાળકો થાય છે. ગામ લોકો આ સ્થિતિ છેલ્લા 70 વર્ષથી અનુભવે છે. આ અંગે ટવીન્સ અને કિન્સ એસોસિએશનના માણસોએ સર્વે અને તપાસ પણ કરી છે પરંતુ આટલી સંખ્યામાં ટવીન્સ બાળકો શા માટે જન્મે છે તેનો ભેદ પકડાતો નથી. કોદીનીહા ગામની આજુ બાજુ આવેલા ગામોમાં જોડકા બાળકો પેદા થતા નથી. આથી કેટલાક પરિવારો તો ટવીન્સની સમસ્યાના લીધે ગામ છોડીને જતા પણ રહયા છે. ૨૦૦૦ની વસ્તી ધરાવતા ગામમાં ૩૦૦ જેટલા જોડિયા બાળકો છે.