ફાલ્ગુની નાયરઃ 50 વર્ષની ઉંમરે શરૂ કરેલા જીવનના બીજા અધ્યાય 'Nykaa'ની વાત
- નાયકા સ્ટોક એક્સચેન્જમાં પ્રવેશ કરનારી ભારતની પહેલી મહિલા-નેતૃત્વવાળી કંપની
નવી દિલ્હી, તા. 13 નવેમ્બર, 2021, શનિવાર
શેર માર્કેટમાં Nykaaના જોરદાર લિસ્ટિંગની સાથે જ ફાલ્ગુની નાયરનું નામ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. બ્યુટી સ્ટાર્ટ અપ નાયકા (Nykaa)ના ફાઉન્ડર ફાલ્ગુની નાયર ભારતના સૌથી ધનવાન સેલ્ફમેડ મહિલા અબજપતિ બની ગયા છે અને તેમણે સફળતાની એક નવી જ કહાની આરંભી છે.
નાયકાના લિસ્ટિંગ પહેલા ફાલ્ગુની નાયરે કહ્યું હતું કે, 'મેં 50 વર્ષની ઉંમરે કોઈ પણ જાતના અનુભવ વગર નાયકાની શરૂઆત કરી. મને આશા છે કે, નાયકાની કહાની તમારામાંથી દરેકને તમારા જીવનના નાયક/નાયિકા બનવા માટે પ્રેરિત કરી શકે છે.'
કોણ છે ફાલ્ગુની નાયરઃ
ફાલ્ગુની નાયર એક ભારતીય વ્યવસાયી અને બ્યુટી સ્ટાર્ટઅપ નાયકાના ફાઉન્ડર છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના મુંબઈ ખાતે 19 ફેબ્રુઆરી, 1963ના રોજ થયો હતો. તેમના પતિનું નામ સંજય નાયર છે અને તેઓ રિટેલ કંપની નાયકાના સંસ્થાપક તથા સીઈઓ છે. ફાલ્ગુની નાયરની ઉંમર 58 વર્ષ છે.
શિક્ષણ અને પરિવાર વિશેઃ
નાયકાના ફાઉન્ડર ફાલ્ગુની નાયરના પિતા (મૂળે ગુજરાતના) મુંબઈમાં એક નાનકડી બેરિંગ કંપની ચલાવતા હતા જેમાં તેમના માતા પણ મદદ કરતા હતા. ફાલ્ગુની નાયરે ધ ન્યૂ એરા સ્કુલ દ્વારા પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ મુંબઈ વિશ્વ વિદ્યાલય અને બાદમાં આઈઆઈએમ અમદાવાદ ખાતેથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમણે બીકોમ અને મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરેલું છે. તેમને બે સંતાન છે.
કરિયર વિશેઃ
ફાલ્ગુની નાયરે એએફ ફર્ગ્યુસન એન્ડ કંપની દ્વારા પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ આશરે 18 વર્ષ સુધી તેઓ કોટક મહિન્દ્રા બેંક સાથે જોડાયેલા રહ્યા હતા. તે સમયે તેઓ કોટક મહિન્દ્રા ઈન્વેસ્ટમેન્ટ બેંકના વહીવટી સંચાલકના પદ પર કાર્યરત હતા. તે સિવાય તેઓ કોટક સિક્યોરિટીઝમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. જોકે બાદમાં તેમણે કોટક મહિન્દ્રાને છોડવાનો નિર્ણય લીધો હતો.
નાયકાની શરૂઆતઃ
નાયકા દ્વારા ફાલ્ગુની નાયરના જીવનનો બીજો અધ્યાય શરૂ થયો હતો. તેમણે 2012ના વર્ષમાં નાયકાની શરૂઆત કરી હતી. બ્યુટી અને પર્સનલ કેર સાથે સંકળાયેલી કંપની નાયકાના લોન્ચિંગ સમયે બ્યુટી કેર સાથે સંકળાયેલી પ્રોડક્ટ્સના શોપિંગ માટે મહિલાઓ પાસે તેવો કોઈ જ વિકલ્પ ઉપલબ્ધ નહોતો.
ફાલ્ગુનીએ મહિલાઓની આ જરૂરિયાતને સમજીને ઓનલાઈન માર્કેટપ્લેસ તરીકે નાયકાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે પોતાની બ્યુટી એન્ડ પર્સનલ કેર બ્રાન્ડ ઉભી કરી દીધી હતી.
2014ના વર્ષમાં નાયકાનો પહેલો ફિઝિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો હતો. 31 ઓગષ્ટ, 2021 સુધી FSN ઈ-કોમર્સ પાસે દેશભરના 40 શહેરોમાં 80 ફિઝિકલ સ્ટોર્સ હતા. બ્યુટી અને પર્સનલ કેર માટે નાયકાની એક પ્રાઈમરી એપ છે અને તે સિવાય Nykaa Fashion પણ છે જ્યાં અપેરલ, એસેસરીઝ, ફેશન સાથે સંકળાયેલી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. નાયકા એપ્સ પર રિટેલ સ્ટોર્સથી 4 હજાર કરતા પણ વધારે બ્યુટી, પર્સનલ કેર અને ફેશન બ્રાન્ડ્સ જોડાયેલા છે.
સફળતા અને ઉપલબ્ધિઃ
ફાલ્ગુની નાયર નાયકામાં 1,600 કરતા પણ વધારે લોકોની ટીમને લીડ કરે છે. તાજેતરમાં જ ફર્મના શેરમાં શાનદાર તેજી નોંધાયા બાદ ફાલ્ગુની નાયરની નેટવર્થ 6.5 બિલિયન ડોલર કરતા વધી ગઈ છે. આ સાથે જ તેઓ દેશના સૌથી ધનવાન સેલ્ફમેડ મહિલા બની ગયા છે. આ ઉપરાંત તેમની કંપની નાયકા સ્ટોક એક્સચેન્જમાં પ્રવેશ કરનારી ભારતની પહેલી મહિલા નેતૃત્વવાળી કંપની બની ચુકી છે.