66 કલાકની ફ્લાઇટમાં નરક જેવી સ્થિતિ, લોકો તણાવમાં... જાણો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની વ્યથા
US Deported Indians : અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 116 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની બીજી ફ્લાઇટ 15 ફેબ્રુઆરીએ મોડી રાતે અમૃતસર પહોંચી હતી. આમાંથી પંજાબના 67 લોકો અને હરિયાણાના 33 લોકો સામેલ છે. જ્યારે અન્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. ભારત આવ્યા પછી આ લોકોએ તેમની વ્યથા જણાવી છે.
66 કલાકનો ડરામણો અનુભવ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા પંજાબના કપૂરથલા જિલ્લામાં રહેતા 25 વર્ષીય મનદીપ સિંહે ફ્લાઇટની સ્થિતિ જણાવતા કહ્યું કે, ‘અમને આશરે 66 કલાક સુધી હાથકડી અને સાંકળથી બાંધી રખાયા હતા. આ એક ડરામણો અનુભવ હતો, અમે બધા બહુ ભયભીત હતા. જોકે, એક અધિકારીએ અમને આશ્વાસન આપ્યું હતું કે અમારી સાથે કરવામાં આવી રહેલું વર્તન અમારી સુરક્ષા માટે જરૂરૂ છે, કારણ કે કોઇ પણ મુસાફર હતાશ થઇને કંઇ પણ પગલું ભરી શકે છે.’
એજન્ટની જાલમાં ફંસાયો મનદીપ
મનદીપે મીડિયાને જણાવ્યું હતું કે, અમેરિકા મોકલવા માટે એક એજન્ટે તેને ફંસાવીને 45 લાખ રૂપિયા લીધા હતા અને ડંકી રૂટ પરથી તેને ગેરકાયદે રીતે અમેરિકા મોકલ્યો હતો, પરંતુ ઇમિગ્રેશન અધિકારીઓએ તેની ધરપકડ કરી લીધી હતી અને હવે તે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે.
કેટલાક લોકો તણાવમાં
એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, ‘ડિપોર્ટ કરાયેલા ભારતીયોને બહુ ઓછું ભોજન આપવામાં આવતું હતું અને તેમને 15 દિવસોથી નહાવા કે બ્રશ કરવા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ અપાઇ નહોતી. આ ઉપરાંત ડિપોર્ટ કરાયેલા કેટલાક લોકો તણાવમાં છે. કારણ કે, તેઓ લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા ઉજ્જવળ ભવિષ્યની આશમાં ગયા હતા.’
લોકોને અમારી પીડા સમજાતી નથીઃ નિશાન
કપૂરથલાના 19 વર્ષીય નિશાન સિંહે કહ્યું કે, ‘હું કોઇની સાથે વાત કરવા માંગતો નથી કારણ કે લોકોને માત્ર અમારી વાર્તાઓમાં રસ છે પણ અમારી પીડા સમજાતી નથી.’ આ ઉપરાંત ભોલાથના 20 વર્ષીય જશનપ્રીતે મીડિયા સાથે વાત કરવાનું ઇનકાર કરતા કહ્યું કે, ‘અમે બહુ પીડામાં છે, અમારી પીડા વધારશો નહીં.’
સંસદમાં ઉઠાવાયો હતો મુદ્દો
આ દેશનિકાલ પછી, વિપક્ષે સંસદમાં જોરદાર વિરોધ કર્યો હતો. ઘણા નેતાઓએ હાથકડી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો અને સરકારને અમેરિકા પાસેથી જવાબ માંગવાની અપીલ કરી હતી. જે પછી વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદમાં નિવેદન આપતા કહ્યું હતું કે, ‘દેશનિકાલ કોઈ નવી વાત નથી. અમે યુએસ સરકાર સાથે વાત કરી રહ્યા છીએ જેથી ખાતરી કરી શકાય કે મુસાફરી દરમિયાન દેશનિકાલ કરાયેલા લોકો સાથે કોઈ દુર્વ્યવહાર ન થાય.’ આ દરમિયાન હવે પ્રશ્ન એ છે કે શું ભારત સરકાર નિર્વાસિતોને આર્થિક સહાય પૂરી પાડશે કે પછી તેમને પોતાનું ગુજરાન ચલાવવા માટે છોડી દેવામાં આવશે.