જાણો જગન્નાથપુરીના આ ત્રણેય ભગવાનના રથની ખાસિયતો
- 13.5 મીટર ઉંચાઇ ધરાવતા જગન્નાથના રથમાં 16 પૈડા હોય છે
- સુભદ્રાના રથને લાલ અને કાળા રંગના કપડાથી સજાવાય છે
અષાઢી બીજના દિવસે ભારતના વિવિધ શહેરોમા રથયાત્રાનો ઉત્સવ ખૂબજ ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. જેમાં ભગવાન જગન્નાથ ખુદ નગરચર્યાએ નિકળી ભકતોને દર્શન આપે છે. ઓડિશાના જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા વિશ્વ ભરમાં જાણીતી છે. જગન્નાથ પુરીમાં રથયાત્રા નો તહેવાર નવ દિવસ સુધી મનાવવામાં આવે છે અષાઢી સુદ બીજ થી ચાલતો આ રથયાત્રા મહોત્સવ અષાઢ સુદ દશમ દિવસ સુધી ચાલે છે. મુખ્ય જગન્નાથ મંદિરથી ચાલતી આ યાત્રા બે કિલોમીટર દુર ગુંડીચા મંદિરે પૂર્ણ થાય છે અહીંયા ભગવાન જગન્નાથ સાત દિવસો સુધી વિશ્રામ કરે છે. અષાઢ સુદ દશમનાં દિવસે ફરીથી પાછા વળવાની યાત્રા થાય છે જે બહુડા યાત્રા ના નામે પ્રચલિત છે. જગન્નાથપુરીમાં રથ નિર્માણ કરવાની શરુઆત અખાત્રીજથી શરુ થાય છે. તેને તૈયાર કરવા માટે સેંકડો લોકો કામે લાગે છે.
ભગવાન જગન્નાથના રથની ઉંચાઇ 13.5 મીટર હોય છે
રથયાત્રામાં પ્રથમ બલભદ્ર, સુભદ્રા અને ત્યારબાદ ભગવાન જગન્નાથના રથની સવારી શરુ થાય છે. પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે, ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલો આ રથ પીળા રંગના વસ્ત્રોથી શણગારવામાં આવે છે. આ રથમાં 16 પૈડા હોય છે. તેની ઉંચાઇ 13.5 મીટર અને લાકડીઓની સંખ્યા 832 હોય છે. આ રથનો વ્યાસ 5 ફૂટ હોય છે. આ રથનું રક્ષણ ગરુડ કરે છે અને દારુકા તેનો સારથી બને છે. રથમાં ફરકાવવામાં આવતા ત્રેલોક્યમોહિની ધ્વજમાં ચાર ઘોડા હોય છે. આ રથમાં વર્ષા, ગોવર્ધન, કૃષ્ણા ,નરસિંઘા, રામ, નારાયણ ,ત્રિવિક્રમ, હનુમાન અને રુદ્ર બીરાજે છે. તેને જે રસ્સીથી ખેંચવામાં આવે છે તેને શંખચુડા નાગની કહેવામાં આવે છે.
બળભદ્રજીનો રથ મિતાલી નામનો સારથી ચલાવે છે
બળભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે તેને લંગલાધ્વજ પણ કહે છે. આ રથમાં 14 પૈડા હોય છે તેની ઉંચાઇ 13.2 મીટર હોય છે અને તે 763 લાકડાનો બનેલો હોય છે. બલભદ્વના રથને લાલ, વાદળી અને લીલા રંગના કપડાથી સજાવવામાં આવે છે. આ રથનું રક્ષણ સાક્ષાત વાયુદેવ કરે છે અને મિતાલી નામનો સારથી ચલાવે છે. જેમાં ગણેશ, કાર્તિક, સર્વમંગલા, પ્રલામ્બરી, હટાયુધ્ય, મુત્યુંજય, નાતામ્વારા, મુકતેશ્વકર અને શેષદેવ બિરાજમાન થાય છે. આ રથમાં ફરકાવામાં આવતા બે ધ્વજને ઉનાની કહેવામાં આવે છે. આ રથને જે રસ્સીથી ખેંચવામાં આવે છે તેને વાસુકી નાગા કહે છે. તાલવનના દેવતાઓ દ્વારા આ રથ મળેલ હોવાથી તે તાલ ધ્વજ ના નામે ઓળખાય છે.
સુભદ્વાજીના રથને પદ્મધ્વજ પણ કહેવામાં આવે છે
દેવતાઓ દ્વારા મળેલા સુભદ્રાજીનો રથને દેવદલન કે પદ્મધ્વજ પણ કહેવામાં આવે છે જેને 12 પૈડા હોય છે આ રથની ઉંચાઇ 12.9 મીટર અને તે 593 લાકડાનો બનેલો હોય છે. સુભદ્રાના રથને લાલ અને કાળા રંગના કપડાથી સજાવવામાં આવે છે. આ રથનું રક્ષણ જયદૂર્ગા કરે છે અને સારથી અર્જુન હોય છે. આ રથ પર નંદબિક નામનો ધ્વજ ફરકે છે. જેમાં ચંડી ચામુંડા, ઉગ્રતારા, વનદુર્ગા, શુલિદુર્ગા, વારાહી, શ્યામકલી, મંગલા અને વિમલા બિરાજમાન થાય છે. જે રસ્સી વડે રથને ખેંચવામાં આવે છે તેને સ્વર્ણચુડા નાગની કહેવામાં આવે છે.