ખાલિસ્તાનીઓ કેનેડાની ધરતીનો ઉપયોગ ભારતમાં હિંસા ફેલાવવા કરી રહ્યા છે

- કેનેડાએ પહેલી જ વખત સ્વીકાર્યુ
- કેટલાક કટ્ટરવાદીઓ માટે વિશ્વની ચોથી ઇકોનોમી સાથે સંબંધો હું ના બગાડું : પીએમ કાર્ની
- કેનેડાએ પહેલી વખત ખાલિસ્તાનીઓ માટે ઉગ્રવાદી શબ્દોનો પ્રયોગ કર્યો
- કેનેડાની જાસૂસી સંસ્થા સીએસઆઇએસના રિપોર્ટ મુજબ ખાલિસ્તાનીઓ કેનેડાની આંતરિક સુરક્ષા માટે પણ ભયજનક
નવી દિલ્હી : કેનેડાએ પહેલી વખત સ્વીકાર્યુ છે કે ખાલિસ્તાની આતંકવાદી ભારતમાં હિંસા ફેલાવવા માટે કેનેડાની ધરતીનો ઉપયોગ કરી રહ્યા છે. કેનેડાની જાસૂસી સંસ્થા (સીએસઆઇએસ)ના અહેવાલમાં જણાવાયું છે કે ખાલિસ્તાનીઓ કેનેડાનો ઉપયોગ ભારતમાં હિંસા ફેલાવવા તથા નાણા એકત્રિત કરવા તથા કાવતરુ ઘડવા માટે કરી રહ્યા છે.
સીએસઆઇએસે બુધવારે તેનો વાર્ષિક અહેવાલ જારી કર્યો હતો. તેમા કેનેડાની રાષ્ટ્રીય સુરક્ષા માટેની મુખ્ય ચિંતાઓ અંગેની વિગતો આપવામાં આવી છે.
આમ સીએસઆઇએસના રિપોર્ટે ભારત કહે છે તે વાતને સમર્થન આપ્યું છે કે કેનેડા ભારત વિરોધી તત્વોનું કેન્દ્ર બની ગયું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ૧૯૮૦ના દાયકાના મધ્યાંતરથી કેનેડામાં પીએમવીઇનો ખતરો મુખ્ય રૂપે સીબીકેઈના માધ્યમથી પ્રગટ થયો છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અમુક વ્યક્તિઓનું નાનું જૂથ જે ખાલિસ્તાની આતંકવાદી મનાય છે. આ લોકો કેનેડાનો ઉપયોગ ભારતમાં હિંસા વધારવા, નાણા એકત્રિત કરવા કે કાવતરુ ઘડવા માટેના આધાર તરીકે કરે છે. કેનેડાથી ઉભરતો આ ખાલિસ્તાની આતંકવાદી કેનેડામાં પણ ભારતીય કામગીરીમાં સતત વિરોધ કરવાની પ્રવૃત્તિમાં વૃદ્ધિ નોંધાવી રહ્યો છે.
કાર્નીએ જણાવ્યું હતું કે ખાલિસ્તાની તત્વોની જાળવણી કરવા માટે ભારત જેવી વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા સાથે સંબંધો બગાડવાની ટ્રુડો જેવી મૂર્ખામી હું ન કરું.
આ અહેવાલની સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે કેનેડાએ પહેલી વખત ખાલિસ્તાનીઓ માટે ઉગ્રવાદ શબ્દનો ઉપયોગ કર્યો છે. આ બહુ મોટો ફેરફાર છે. આ પહેલાની કેનેડાની સરકાર અને એજન્સીઓ આ મુદ્દાને બહુ હળવા સ્વરૂપમાં લેતી હતી, હવે સીએસઆઇએસે તેના રિપોર્ટમાં કરેલા સ્વીકારથી તે વાત સાચી સાબિત થઈ છે કે ખાલિસ્તાની આતંકવાદી ફક્ત ભારત માટે જ નહીં કેનેડાની આંતરિક સુરક્ષા માટે પણ ભયજનક છે.
કેનેડાના વર્તમાન વડાપ્રધાન માર્ક કાર્નીએ જી-૭ શિખર સંમેલનમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવા માટે ટીકાઓનો સામનો પણ કરવો પડયો. કેટલાક શીખ સમર્થકો અને તેમના કેટલાક સાંસદોએ અસંમતિ વ્યક્ત કરી. જો કે કાર્નીએ વૈશ્વિક મામલાઓમાં ભારતના મહત્વને ધ્યાનમાં રાખતા પોતાના નિર્ણયનો બચાવ કર્યો.









