Get The App

ખાલિસ્તાન : કેવી રીતે ઉદય થયો, શું છે આખરે માંગ, કોણ છે તેની પાછળ... જાણો સંપૂર્ણ માહિતી

ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા જેવા દેશોમાં ખાલિસ્તાનીઓ દ્વારા દેખાવોથી મુદ્દો ફરી ચર્ચામાં

અમૃતપાલ હાલ નાસતો ફરી રહ્યો છે, પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

Updated: Apr 1st, 2023

GS TEAM


Google News
Google News
ખાલિસ્તાન : કેવી રીતે ઉદય થયો, શું છે આખરે માંગ, કોણ છે તેની પાછળ... જાણો સંપૂર્ણ માહિતી 1 - image

અમૃતપાલ સિંહ. હાલમાં આ નામ ભારતમાં લગભગ ચર્ચાનો વિષય બની ગયો છે. અમૃતપાલ સિંહ  ‘વારિસ પંજાબ દે’ સંસ્થાનો વડો છે. આ સંગઠન પંજાબી અભિનેતા-કાર્યકર દીપ સિંહ સિદ્ધુએ શરૂ કર્યું હતું. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દીપ સિદ્ધુનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેના મૃત્યુ પછી અમૃતપાલ વારિસ પંજાબ દેના વડા બન્યા. અમૃતપાલ સિંહ ખાલિસ્તાનના સમર્થક છે અને તે આ અંગે વારંવાર નિવેદનો આપે છે. હાલમાં તે નાસતો ફરી રહ્યો છે કેમ કે તેને પકડવા માટે મોટું અભિયાન ચલાવાઈ રહ્યું છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહને પણ સીધી ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અમિત શાહે કહ્યું હતું કે તેઓ ખાલિસ્તાન આંદોલનને આગળ વધવા દેશે નહીં. ઈન્દિરા ગાંધીએ પણ આવું જ કર્યું હતું. જો તમે પણ એવું જ કરશો તો તમારે તેનો ભોગ બનવું પડશે. તેમણે કહ્યું હતું કે જ્યારે લોકો હિન્દુ રાષ્ટ્રની માંગ કરી શકે છે તો અમે ખાલિસ્તાનની માંગ કેમ ન કરી શકીએ. ખાલિસ્તાનનો વિરોધ કરવાની કિંમત ઈન્દિરા ગાંધીએ ચૂકવી હતી. હવે તમને પણ એવું થતું હશે કે આ ખાલિસ્તાનીઓની શરૂઆત થઈ કેવી રીતે? અલગ ખાલિસ્તાનની માગનો ઉદય કેવી રીતે થયો? તેને લઈને આઝાદીની લડાઈના સમયગાળાથી અત્યાર સુધી કેવા કેવા સંઘર્ષ થયા અને કોણે કોણે કેવી કેવી ભૂમિકાઓ ભજવી?  તેને લગતા તમારા તમામ સવાલોના જવાબ તમને અહીં મળી જશે. 

ખાલિસ્તાન : કેવી રીતે ઉદય થયો, શું છે આખરે માંગ, કોણ છે તેની પાછળ... જાણો સંપૂર્ણ માહિતી 2 - image 

દેશ આઝાદ થાય તે પહેલા પંજાબના લોકો બ્રિટિશ સરકારને વફાદાર રહ્યા, છેવટે મોહભંગ થયો  

ભારતમાં શીખોની વસતીની વાત કરીએ તો તેઓ માત્ર 2 ટકાની આજુબાજુ જ છે. તે સૌથી નાના લઘુમતી સમૂહમાં સામેલ છે. પણ પંજાબના લોકોની એક ખાસ વાત એ છે કે ભારતમાં નૌકરશાહી હોય કે પછી ભારતીય સૈન્યની કે ભારતીય ઉદ્યોગ જગતની. તમામ ક્ષેત્રોમાં તમને પંજાબીઓનું નેતૃત્વ મળી જશે. આવા તમામ સામાજિક અને આર્થિક સંકેતો તમને પંજાબ એક સમૃદ્ધ રાજ્ય હોવાનો પુરાવો પૂરા પાડશે. પંજાબ રાજ્યએ તેની ભાષા પંજાબી અને શીખ ધર્મના લોકોના રાજ્ય તરીકે ઓળખ ઊભી કરી. ભારતના આઝાદીના વર્ષ 1947 પહેલા પંજાબીઓ બ્રિટિશ સામ્રાજ્યના સમર્થક અને વફાદાર હતા. જોકે તેમની આ વફાદારી તેમને જ ભારે પડી જ્યારે 1919માં રોલેટ એક્ટ અમલમાં આવ્યો. આ એક્ટ હેઠળ બ્રિટિશ સરકારને સત્તા મળી કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે કોઈપણ પ્રકારની સુનાવણી વિના ગમે તે વ્યક્તિની ધરપકડ કરી શકે. તેના વિરોધમાં મોટાપાયે દેખાવો થયા અને જેને ડામવા અંગ્રેજોએ 13 એપ્રિલ 1919ના રોજ જલિયાંવાલા બાગ હત્યાકાંડ કરી નાખ્યો.  તેમણે બ્રિટિશ શાસન પાસે પંજાબની વિધાનસભામાં 33 ટકા પ્રતિનિધિત્વની માગ કરી હતી પણ ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919 હેઠળ તેમને 93માંથી ફક્ત 15 જ સીટોની ફાળવણી કરાઈ જેના લીધે તેમનો અંગ્રેજોથી મોહભંગ થયો. 

શીખ સમુદાયના ટોચના લોકો એક અલગ રાજ્યની માગ કરી રહ્યા હતા 

શીખ સમુદાયના ટોચના નેતાઓ પણ પાકિસ્તાનની જેમ એક અલગ રાજ્યની માગ કરી રહ્યા હતા. તે સમયે મજબૂત સ્થિતિમાં રહેલી મુસ્લિમ લીગને ફાયદો થયો કેમ કે તેની પાસે રાજકીય પીઠબળ હતું. તે સમયની વાત કરીએ તો શીખોની વસતી આશરે 55,00,000 હતી જ્યારે તેમની તુલનાએ મુસ્લિમોની વસતી 9 કરોડની આજુબાજુ હતી. એટલા માટે તે સમયના પંજાબનો પશ્ચિમ પ્રાંત કે જ્યાં મુસ્લિમોની વસતી વધારે હતી તે પાકિસ્તાનનો હિસ્સો બની ગયો અને પૂર્વ પંજાબ કે જ્યાં શીખોની વસતી બહુમતીમાં હતી તે ભારતના ફાળે આવ્યો. 

ભાષાના આધારે બે રાજ્યોની રચના  

લગભગ 1948માં જ ધર્મના આધારે એક અલગ શીખોના રાજ્ય પંજાબની રચના કરવાની માગ થઈ. પરંતુ ભારત સરકાર તે સમયે તૈયાર નહોતી. અલગ રાજ્યની માંગ માટે 19 વર્ષ સુધી આંદોલન ચાલુ રહ્યું. આખરે 1966માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ માંગણી સ્વીકારી હતી. ઈન્દિરા ગાંધીની સરકારમાં પંજાબને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. શીખો માટે પંજાબ, હિન્દી ભાષીઓ માટે હરિયાણા અને ત્રીજો ભાગ ચંડીગઢ. જોકે પંજાબના લોકોને આ માગ પૂરી થવા છતાં સંતોષ ન થયો. રાજ્યમાં 54 ટકા શીખ હતા, તેમની ભાષા પંજાબીને સત્તાવાર ભાષાનો દરજ્જો પણ મળી ગયો પણ રાજ્યમાં મોટી સંખ્યામાં હિન્દુઓની વસતી પણ હતી જેના લીધે શીખ લોકોને અસંતુલનનો અહેસાસ થવા લાગ્યો. 

રાજ્યમાં રાજકારણની સ્થિતિ અને જરનૈલ સિંહ ભિંદરાનવાલાનો ઉદય 

પંજાબમાં કોંગ્રેસ અને અકાલી દળ વચ્ચે જ મોટાપાયે સત્તામાં અવર-જવરની સ્થિતિ રહી છે. બંને વચ્ચે જ ટસલ જોવા મળતી રહી છે. અકાલી દળ શીખોની અને તેમના જ હિતોની સમર્થક રહી છે. તેમ છતાં તેમને ફક્ત જાટ અને થોડાક શહેરી શીખ સમુદાયના લોકો જ સમર્થન આપતા હતા. જ્યારે કોંગ્રેસ રાજ્યના બાકીના હિન્દુઓ, પછાત વર્ગો અને ગ્રામીણ શીખોના સહારે સત્તામાં આવતી હતી. 1980માં જ્યારે ઈન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે તેમણે સેન્ટ્રલાઈઝેશનના એજન્ડાને પૂરજોશથી આગળ વધાર્યો હતો. તે સમયે 9 રાજ્યો કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં આવી ગયા હતા. જેમાં પંજાબ પણ સામેલ હતું  જ્યાં અકાલી દળ અને જનતા સંઘની ગઠબંધનવાળી સરકાર હતી. અકાલી દળને પૂરતું સમર્થન ન મળતાં તે સજ્જડ વિરોધ ન કરી શકી અને આ દરમિયાન ધાર્મિક નેતા જરનૈલ સિંહ ભિંદરાનવાલાનો ઉદય થયો. જેમને પ્રોત્સાહન આપવા પાછળ કોંગ્રેસનું હાથ હોવાનું મનાય છે. 

ખાલિસ્તાન : કેવી રીતે ઉદય થયો, શું છે આખરે માંગ, કોણ છે તેની પાછળ... જાણો સંપૂર્ણ માહિતી 3 - image

ખાલિસ્તાનની ચળવળનો ઈતિહાસ અને ટાઈમલાઈન... 

1971

રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાના ઉમેદવાર જગજીત સિંહ ચૌહાણે ખાલિસ્તાન ચળવળની શરૂઆત કરતા અમેરિકાના અખબાર ન્યુયોર્ક ટાઈમ્સમાં એક જાહેરાત છપાવી. 

1978

અકાલી દળે આનંદપુર સાહિબ ઠરાવ પસાર કર્યો હતો, જેમાં પંજાબને વધુ અધિકાર આપવા માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યા. 13 એપ્રિલ, 1978ના રોજ અકાલી કાર્યકરો અને નિરંકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ, જેમાં 13 અકાલી કાર્યકરોએ જીવ ગુમાવ્યા. અહીંથી શીખ ધર્મગુરુ જરનૈલ સિંહ ભિંદરાનવાલાએ કમાન હાથમાં લીધી.  

1979

જગજીત સિંહ ચૌહાણ પાછા ભારત આવ્યા બાદ બ્રિટન ગયા અને ત્યાં ખાલિસ્તાન નેશનલ કાઉન્સિલની સ્થાપના કરી. એક કેબિનેટની રચના કર્યા બાદ તે પોતે રિપબ્લિક ઓફ ખાલિસ્તાનના પ્રમુખ બની ગયા. 

1981

હિંદ સમાચાર-પંજાબ કેસરી અખબારના તંત્રી લાલા જગત નારાયણની હત્યા કરવામાં આવી. જેના લીધે જલંધર, અમૃતસર, ફરિદકોટ અને ગુરદાસપુરમાં અનેક જગ્યાએ હિંસા ફાટી નીકળી. સપ્ટેમ્બરમાં ભિંદરાનવાલાની ધરપકડ થઈ. 

1983

1982થી 1983ના સમયગાળા દરમિયાન પંજાબમાં પોલીસકર્મીઓ અને રાજનેતાઓ પર હુમલાની અનેક ઘટનાઓ સાથે હિંસા ભડકી. આ દરમિયાન રાજ્યમાં 6 ઓક્ટોબર 1983માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું. એપ્રિલ 1983માં પંજાબ પોલીસના ડીઆઈજી એ.એસ. અટવાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 

1984

આ વર્ષે ઑપરેશન બ્લૂસ્ટાર હાથ ધરવામાં આવ્યું.  ભારત સરકારના શ્વેતપત્ર પ્રમાણે આ કાર્યવાહીમાં 83 સૈનિકો માર્યા ગયા હતા અને 493 ઉગ્રવાદીઓનાં મૃત્યુ થયાં હતાં. સરકારે 1592 ઉગ્રવાદીઓની ધરપકડ કરી હતી. આ આંકડા વિવાદિત મનાય છે. 3થી 6 જૂન 1984માં ભિંદરાનવાલા તેમના સમર્થકો સાથે ગોલ્ડન ટેમ્પલમાં છુપાઈ ગયા હતા. આ ઓપરેશન દરમિયાન ઉગ્રવાદીઓના નેતા બની ગયેલા જરનૈલ સિંહ ભિંદરાનવાલાને ઠાર મરાયા હતા.

1984

આ વર્ષે જ 31 ઓક્ટોબર, 1984ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની બે અંગરક્ષકો દ્વારા હત્યા કરાઈ. જેના પછી દેશભરમાં શીખવિરોધી રમખાણો ભડક્યા હતા. જેમાં  સરકારી આંકડાઓ અનુસાર એકલા દિલ્હીમાં 2,733 શીખોની હત્યા કરવામાં આવી હતી તો દેશભરમાં 3,350 શીખોની હત્યા કરવામાં આવી હતી.

1985

એર ઈન્ડિયાના કનિષ્ક વિમાનને 23 જૂનના રોજ હવામાં જ ઉડાવી દેવાયું હતું. આ ઘટનામાં 329 લોકોએ જીવ ગુમાવ્યા હતા.  24  જુલાઈ 1985માં રાજીવ ગાંધી અને લોંગોવાલે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી અનુસાર એક સ્વતંત્ર કમીશન અને ટ્રિબ્યુનલની રચના કરવાની વાત પર સહમતિ સધાઈ. અકાલીઓને આભાસ થઈ ગયો હતો કે સતત ઉગ્રવાદને પગલે તેમનું મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે સંત લોંગોવાલે શાંતિની પહેલ કરી. હિન્દુ અને શીખો વચ્ચેની એકતા પર ભાર મૂક્યો. પરંતુ લોંગોવાલ પંજાબ પરત ફર્યા કે તરત જ કટ્ટરપંથીઓએ તેમની હત્યા કરી નાખી. તેમની જગ્યાએ સુરજીત સિંહ બરનાલાએ સત્તા સંભાળી. 

1986

સરકાર દ્વારા ઓપરેશન વૂડરોઝ ચલાવાયું. પૂર્વ આર્મી ચીફ જનરલ એ.એસ.વૈદ્યની હત્યા થઈ. 

1987

આ વર્ષે 11 મેના રોજ રાજ્યમાં બરનાલા સરકારને બરતરફ કરાઈ અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું. દરમિયાન આ દાયકામાં સતત હિંસાનો દોર ચાલુ રહ્યો. સરકારે ઉગ્રવાદને ડામવા માટે એક પછી એક ઓપરેશન ચલાવ્યા. 

1988

સરકાર દ્વારા ઓપરેશન બ્લેક થંડર ચલાવાયું. તેની કમાન કે.પી.એસ.ગિલે સંભાળી હતી. પંજાબ પોલીસના ભૂતપૂર્વ વડા કે. પી. એસ. ગિલે ખાલિસ્તાન તરફી ચળવળની કમર તોડી નાખી હતી. પંજાબમાં ઉગ્રવાદને ખતમ કરવાનું શ્રેય ગિલને આપવામાં આવે છે જેઓ 2017માં 82 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. કેપીએસ ગિલને સુપરકોપ તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

1990-91

આ સમયાગાળા દરમિયાન વી.પી.સિંહ અને ચંદ્રશેખરની સરકારોએ સ્થિતિમાં સુધારો કરવાનો અઢળક પ્રયાસ કર્યા પણ તે નિષ્ફળ રહ્યા. 

1992

સરકાર ફરી ચૂંટાઈ અને રાજકીય પ્રક્રિયાના માધ્યમથી પંજાબમાં સ્થિતિમાં સુધારો લવાયો. કોંગ્રેસ બહુમતીથી ચૂંટાઈ હતી. આ વર્ષે અલગ ખાલિસ્તાનની માગનો વર્ચ્યુઅલી અંત આવી ગયો હતો. 

1995

31 ઓગસ્ટ 1995ના રોજ એક આત્મઘાતી બોમ્બરે પંજાબના સીએમ બેઅંત સિંહની કારની સામે પોતાની જાતને ઉડાવી દીધી હતી. જેમાં બેઅંત સિંહનું મોત થયું હતું.

2007

ઇમિગ્રન્ટ કેબ ડ્રાઇવરમાંથી વકીલ બનેલા ગુરપતવંત સિંહ પન્નુએ વર્ષ 2007માં ‘શીખ ફોર જસ્ટિસ’ નામની સંસ્થાની રચના કરી. 2019માં સરકાર દ્વારા તેના પર બેન મૂકાયો. 

2020

શીખ ફોર જસ્ટિસે પંજાબને ભારતથી અલગ કરવાના વિષય પર સ્થળાંતરિત શીખો વચ્ચે 2020માં જનમત યોજવાની જાહેરાત કરી. શીખ ફોર જસ્ટિસના સ્થાપક ગુરુપતવંત સિંહ પન્નુ છે જે અમેરિકાથી ખાલિસ્તાની પ્રવૃત્તિઓ કરે છે. 

2021

ઓક્ટોબર 2021માં શીખ ફોર જસ્ટિસે ખાલિસ્તાનનો નકશો બહાર પાડ્યો હતો. આ નકશામાં માત્ર પંજાબ જ નહીં પરંતુ હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક જિલ્લાઓને પણ ખાલિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા. 

Tags :