Get The App

કેરળમાં ભાજપે 'સોનિયા ગાંધી'ને ચૂંટણી મેદાને ઉતાર્યા, કોંગ્રેસ સહિત મતદારો પણ વિચારમાં પડી ગયા!

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
કેરળમાં ભાજપે 'સોનિયા ગાંધી'ને ચૂંટણી મેદાને ઉતાર્યા, કોંગ્રેસ સહિત મતદારો પણ વિચારમાં પડી ગયા! 1 - image


Kerala Local Body Election: કેરળના મુન્નારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરેક પક્ષો પોતાના ઉમેદવારોને ટિકિટ આપવાની જાહેરાતો કરી રહ્યા છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એવા ઉમેદવારને ટિકિટ આપી છે, જેમનું નામ સાંભળીને નાગરિકોની સાથે ખાસ કરીને કોંગ્રેસ પક્ષના નેતાઓ વિચારમાં પડી ગયા છે. કારણ કે, ભાજપે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જેવુ જ નામ ધરાવતા એક મહિલા ઉમેદવારને કેરળથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ નામે રાજ્ય અને દેશભરમાં ધ્યાન ખેંચ્યું છે. ભાજપે કેરળના મુન્નારથી પંચાયત ચૂંટણીમાં 'સોનિયા ગાંધી' નામની મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી છે.  

સોનિયા ગાંધીના પિતા કટ્ટર કોંગ્રેસી નેતા હતા

34 વર્ષીય સોનિયા ગાંધી મુન્નાર પંચાયતના 16મા વોર્ડ નલ્લાથન્નીથી ભાજપના ઉમેદવાર છે. રસપ્રદ વાત એ છે કે, તેમના પિતા કટ્ટર કોંગ્રેસી હતા અને તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષથી પ્રભાવિત  થઈને તેમની દીકરીનું નામ સોનિયા ગાંધી રાખ્યું હતું.

સોનિયાએ કહ્યું કે, 'મારા પિતા કોંગ્રેસ અને યુડીએફના મોટા સમર્થક હતા, તેથી જ તેમણે મારું નામ સોનિયા ગાંધી રાખ્યું હતું. મારો આખો પરિવાર આજે પણ કોંગ્રેસ સમર્થક છે. જોકે, મારા પતિ ભાજપમાં છે અને હું હંમેશા તેમને સમર્થન કરતી રહી છું, તેથી જ હું હવે ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરી છું.'

આ પણ વાંચો: પહેલીવાર અમેરિકન ડૉલર સામે રૂપિયો 90ને પાર, ભારતીય કરન્સી ઓલ ટાઈમ લૉ લેવલ પર પહોંચી


સોનિયા ગાંધીના લગ્ન ભાજપ નેતા સાથે થયા હતા

સોનિયા ગાંધીના પતિ સુભાષ, લગભગ દોઢ વર્ષ પહેલા જૂના મુન્નાર મૂલકડઈ વિસ્તારમાં યોજાયેલી પંચાયત પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહી ચૂક્યા છે. આ બેઠક પરથી સોનિયા ગાંધીની ટક્કર કોંગ્રેસના મંજુલા રમેશ અને સીપીએમના વલારમતી સાથે થશે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના નામવાળી સોનિયા ગાંધીનો જન્મ સ્વર્ગસ્થ દૂરે રાજના ઘરે થયો હતો, જે એક સ્થાનિક મજૂર અને કોંગ્રેસ નેતા હતા.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષના નામથી પ્રભાવિત થઈને આ નામ રાખ્યું હતું

તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષથી પ્રભાવિત થઈને તેમણે પોતાની નવજાત દીકરીનું નામ સોનિયા ગાંધી રાખ્યું હતું. આ નામ વર્ષો સુધી ઈડુક્કીના પહાડીઓમાં એક રસપ્રદ સંયોગ તરીકે ઓળખાતું રહ્યું. કેરળમાં પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 9 અને 11 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાશે. રાજ્યની 941 ગ્રામ પંચાયતો, 152 બ્લોક પંચાયતો, 14 જિલ્લા પંચાયતો, 87 નગરપાલિકાઓ અને 6 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મતદાન થશે.

એ પણ રસપ્રદ છે કે, કોંગ્રેસ અને તેનો પહેલો પરિવાર આ પ્રદેશ માટે સંપૂર્ણ રીતે અજનબી નથી. મુન્નારથી લગભગ 200 કિલોમીટર દૂર  વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકા ગાંધી વાડ્રા સાંસદ છે. અગાઉ આ જ બેઠકનું પ્રતિનિધિત્વ તેમના ભાઈ રાહુલ ગાંધી કરી ચૂક્યા છે. 

Tags :