India

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો

By GS TEAM
11 May 20263 mins read
TukuTouch Logo
કેરલમમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી પદ માટે ભારે ખેંચતાણ શરૂ થઈ છે. પાંચ રાજ્યોના પરિણામો જાહેર થયાને દિવસો વીતી ગયા હોવા છતાં અને અન્ય રાજ્યોમાં શપથવિધિ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, કેરલમમાં કોંગ્રેસ હજુ સુધી કોઈ એક નામ પર સહમતી સાધી શકી નથી. કેન્દ્રીય નેતૃત્વ અત્યારે બે દિગ્ગજ નેતાઓ વચ્ચે સંતુલન જાળવવાના પ્રયાસમાં છે, જેના કારણે સત્તાના સિંહાસન પર કોણ બેસશે તે અંગેની મડાગાંઠ વધુ ગૂંચવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો

Kerala CM Race: KC Venugopal vs VD Satheesan: કેરલમમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી પદ માટે ભારે ખેંચતાણ શરૂ થઈ છે. પાંચ રાજ્યોના પરિણામો જાહેર થયાને દિવસો વીતી ગયા હોવા છતાં અને અન્ય રાજ્યોમાં શપથવિધિ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, કેરલમમાં કોંગ્રેસ હજુ સુધી કોઈ એક નામ પર સહમતી સાધી શકી નથી. કેન્દ્રીય નેતૃત્વ અત્યારે બે દિગ્ગજ નેતાઓ વચ્ચે સંતુલન જાળવવાના પ્રયાસમાં છે, જેના કારણે સત્તાના સિંહાસન પર કોણ બેસશે તે અંગેની મડાગાંઠ વધુ ગૂંચવાઈ છે.

કેરલમમાં કોંગ્રેસની જીત છતાં CM પદ માટે ખેંચતાણ: હાઈકમાનની ચિંતા વધી

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ તમિલનાડુ અને બંગાળમાં નવી સરકારોએ વહીવટ સંભાળી લીધો છે, પરંતુ કેરલમમાં જીત્યા હોવા છતાં કોંગ્રેસ હજુ સુધી મુખ્યમંત્રીના નામનો નિર્ણય કરી શકી નથી. ગત બુધવારે તિરુવનંતપુરમમાં નેતાઓની મહત્ત્વની બેઠક મળી હતી, પરંતુ તે કોઈ પરિણામ વગર પૂરી થઈ હતી. હાલની પરિસ્થિતિ જોતા દિલ્હી હાઈકમાન પણ દ્વિધામાં છે અને આખરી નિર્ણય લેવા માટે વધુ સમય માંગી રહ્યું છે. પક્ષનું નેતૃત્વ ઈચ્છે છે કે સરકારની શરૂઆત થાય તે પહેલાં જ જૂથવાદ કે આંતરિક વિખવાદ જેવી કોઈ સ્થિતિ ઊભી ન થાય, તેથી અત્યંત સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યું છે.

કેસી વેણુગોપાલ વિરુદ્ધ વીડી સતીશન: કોણ બનશે કેરલમના તાજનું દાવેદાર?

કેરલમમાં મુખ્યમંત્રીની રેસ હવે બે મુખ્ય નેતાઓ વચ્ચે અટકી છે. એક તરફ રાહુલ ગાંધીના નજીકના ગણાતા અને એઆઈસીસી જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ છે, જેમના પક્ષમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો છે. ધારાસભ્યોને લાગે છે કે વેણુગોપાલ હાઈકમાનના નજીકના હોવાથી ભવિષ્યમાં તેમને ફાયદો થઈ શકે છે. બીજી તરફ વીડી સતીશન છે, જેઓ લાંબા સમયથી કેરલમની સ્થાનિક રાજનીતિમાં સક્રિય છે અને વિપક્ષના નેતા તરીકે મજબૂત પકડ ધરાવે છે. સતીશનના સમર્થનમાં કેરલમના ઘણા વિસ્તારોમાં કાર્યકરો દ્વારા પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: શુભેન્દુ અધિકારીના PAની હત્યા મામલે યુપી-બિહારથી 3 શંકાસ્પદની ધરપકડ, STF એક્શનમાં

સંગઠન અને સાથી પક્ષોનું સમર્થન સતીશનના પક્ષમાં

કેસી વેણુગોપાલને વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તેમ છતાં કોંગ્રેસનું સંગઠન, પાયાના કાર્યકરો અને યુડીએફ (UDF) ગઠબંધનના સાથી પક્ષો જેવા કે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ વીડી સતીશનને મુખ્યમંત્રી બનાવવાના પક્ષમાં છે. આ ગૂંચ ઉકેલવા માટે શનિવારે દિલ્હીમાં એક હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી, જેમાં સતીશન સહિત રમેશ ચેન્નીથલા અને પ્રદેશ અધ્યક્ષ સની જોસેફ હાજર રહ્યા હતા. વિવાદનું મુખ્ય કારણ એ પણ છે કે કેસી વેણુગોપાલ અત્યારે ધારાસભ્ય નથી પણ સાંસદ છે, છતાં તેમની મુખ્યમંત્રી બનવાની ઈચ્છાને કારણે પક્ષમાં વિવાદ જન્માવ્યો છે.

યુડીએફ પાસે સ્પષ્ટ બહુમતી, છતાં નેતૃત્વમાં મડાગાંઠ

કેરલમની કુલ 140 બેઠકોમાંથી કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફ ગઠબંધને 102 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. મુકુલ વાસનિક અને અજય માકન જેવા કેન્દ્રીય નિરીક્ષકોએ 63 ધારાસભ્યો સાથે વ્યક્તિગત મુલાકાત પણ કરી છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકમાન ધારાસભ્યોની પસંદગીને મહત્ત્વ આપે છે કે સંગઠન અને કેડરના વિશ્વાસપાત્ર એવા વીડી સતીશન પર પસંદગી ઉતારે છે. આગામી એક-બે દિવસમાં આ મડાગાંઠ ઉકેલાય તેવી શક્યતા છે.