થોડી તો મર્યાદા રાખો, એ આજે પણ જસ્ટિસ વર્મા છે...', વકીલની કઈ વાત પર ભડકી સુપ્રીમ કોર્ટ?
Justice Yashwant Varma Cash Recovery Case: સુપ્રીમ કોર્ટે સોમવારે અલ્લાહાબાદ હાઈકોર્ટના જજ યશવંત શર્મા વિરુદ્ધ કેશ કાંડ વિવાદમાં FIR નોંધવાની માગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે.
વકીલ એડવોકેટ મેથ્યૂઝ નેદુમપારાએ ચીફ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચને વિનંતી કરી કે આ તેમની ત્રીજી અરજી છે અને તેને તાત્કાલિક સુનાવણી માટે સૂચિબદ્ધ કરવી જોઈએ.
FIR દાખલ થવી જોઈએ અને તપાસ થવી જોઈએ
ચીફ જસ્ટિસે પૂછ્યું કે, 'શું તમે ઇચ્છો છો કે તેને હમણા જ ફગાવી દેવામાં આવે? અરજીને યોગ્ય સમયે સુનાવણી માટે રાખવામાં આવશે. વકીલે દલીલ કરી કે FIR દાખલ થવી જોઈએ અને તપાસ થવી જોઈએ.
થોડી તો મર્યાદા રાખો, એ આજે પણ જસ્ટિસ વર્મા છે
પરંતુ આ દરમિયાન વકીલ દ્વારા જજને 'વર્મા' કહીને સંબોધિત કરવા પર નારાજગી વ્યક્ત કરી અને તેમના પર ભડકી ગઈ. ચીફ જસ્ટિસે કહ્યું કે, 'શું તેઓ તમારા મિત્ર છે? તેઓ હજુ પણ જસ્ટિસ વર્મા છે. તમે તેમને કેવી રીતે સંબોધિત કરી રહ્યા છો? થોડી તો મર્યાદા રાખો. એ આજે પણ જસ્ટિસ વર્મા છે.'
વકીલે ભાર મૂકીને કહ્યું કે, 'આ મામલો ગંભીર છે અને તેને સૂચિબદ્ધ કરવું જરૂરી છે. મને નથી લાગતું કે, તેમનામાં કોઈ મહાનતા છે.' તેના પર ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, 'કૃપા કરી કોર્ટને આદેશ ન આપો.'
તાજેતરમાં જ જસ્ટિસ યશવંત વર્માએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં કેસ કાંડમાં તેમને દોષિત ઠેરવનાર આંતરિક તપાસ સમિતિના રિપોર્ટને રદ કરવાની માગ કરવામાં આવી હતી.
જસ્ટિસ વર્માએ ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની 8 મે ની ભલામણને પણ પડકારી હતી, જેમાં સંસદને તેમની સામે મહાભિયોગ કાર્યવાહી શરૂ કરવાની વાત કહી હતી.
તપાસ સમિતિના રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગૂની અધ્યક્ષતા વાળી ત્રણ જજોની સમિતિએ 10 દિવસ સુધી તપાસ કરી, 55 સાક્ષીઓની પૂછપરછ કરી અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો: બાંગ્લાદેશ એરફોર્સનું F-7 ટ્રેઈની વિમાન ક્રેશ, કોલેજની ઈમારતમાં તૂટી પડતાં એકનું મોત
આ રિપોર્ટના આધારે પૂર્વ ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની ભલામણ કરી હતી.
તપાસ સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જસ્ટિસ વર્મા અને તેમના પરિવારના સભ્યોનો એ સ્ટોર રૂમ પર પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ હતો, જ્યાં મોટી માત્રામાં અડધી બળી ગયેલી રોકડ મળી આવી હતી. આ રોકડ રકમ તેમના સત્તાવાર નિવાસસ્થાને 14 માર્ચે રાત્રે 11:35 વાગ્યે લાગેલી આકસ્મિક આગ દરમિયાન મળી આવી હતી. જેમાં આ ઘટનાને ગંભીર ગેરવર્તણૂક ગણીને સમિતિએ તેમને હટાવવાની ભલામણ કરી હતી.
કેશ કાંડની ઘટના
14 માર્ચ, 2025ના રોજ જસ્ટિસ યશવંત વર્માના દિલ્હીના તુગલક ક્રેસન્ટ ખાતેના સરકારી બંગલામાં આગ લાગી હતી. આગ ઓલવવા ફાયર બ્રિગેડ અને પોલીસ પહોંચી ત્યારે સ્ટોર રૂમમાંથી 500 રૂપિયાની સળગેલી નોટોનો મોટો ઢગલો મળી આવ્યો હતો. જસ્ટિસ વર્માએ દાવો કર્યો છે કે, મને આ રોકડની કોઈ જાણકારી નથી અને તે મારા કે મારા પરિવાર દ્વારા રાખવામાં આવી ન હતી. આ સમગ્ર ઘટનાને તેમણે ષડયંત્ર ગણાવ્યુ હતું.