નવી દિલ્હી/શ્રીનગર, તા. 30 ડિસેમ્બર, 2019, સોમવાર
દેશભરમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે દિલ્હીમાં સોમવારે એટલી ઠંડી પડી હતી કે તાપમાને 119 વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. દિલ્હીમાં સોમવારે મહત્તમ 9.4 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
જે રાજધાની દિલ્હીમાં વર્ષ 1901થી અત્યાર સુધીનું સૌથી નીચુ તાપમાન માનવામાં આવે છે. જ્યારે ઉત્તર ભારતના અન્ય શહેરોમાં પણ તાપમાન અતી નીચુ રહ્યું હતું જેમ કે શ્રીનગરમાં માઇનસ 6.5 ડીગ્રી તાપમાન પહોંચી જતા અહીંની પ્રખ્યાત દાલ લેક થીજી ગઇ હતી.
જમ્મુમાં પણ 37 વર્ષનું સૌથી નીચુ 2.4 ડીગ્રી તાપમાન રાત્રે નોંધાયું હતું. જ્યારે દિલ્હીમાં તાપમાન અતી નીચુ રહેતા દિવસભર ભારે ધુમ્મસ ભર્યંુ વાતાવરણ રહ્યું હતું.
આઇએમડી વિભાગના અિધકારીના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 1901 બાદ આજે સૌથી નીચુ તાપમાન રહ્યું, જેણે 119 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં દિવસે 9.4 ડીગ્રી તાપમાન નોંધાયું હતું, અહીંના પાલમમાં 9 ડીગ્રી, આયાનગરમાં 7.8 ડીગ્રી, લોધી રોડ પર 9.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
જ્યારે દિલ્હીમાં સવારે લઘુતમ તાપમાન 2.6 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે ઠંડીની સાથે કેટલાક રાજ્યોમાં વરસાદ પણ પડી રહ્યો છે જેમ કે દક્ષિણ પૂર્વ મધ્ય પ્રદેશમાં ચક્રાવાતી માહોલ છે, જ્યારે મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, મરાઠાવાડા, દક્ષિણી આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તેલંગાણા એક બે સૃથળે હળવો વરસાદ થયો હતો.
જ્યારે આંધ્ર પ્રદેશ, તામિલનાડુમાં પણ વરસાદ પડયો હતો. અંદામાન નિકોબારમાં પણ વરસાદ પડયો હતો. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં હલકાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડશે. જેને પગલે તાપમાનમાં મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળી શકે છે, અહીં જમ્મુમાં પહેલાથી જ તાપમાને 37 વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
ઠંડી પર નજર કરીએ તો ઉત્તર ભારત અને અન્ય રાજ્યોમાં હજુ આગામી 124 કલાકમાં કડકડતી ઠંડી રહેશે. ખાસ કરીને જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસૃથાન, બિહાર, પ. બંગાળ, આસામમાં ઠંડી જારી રહેવાની શક્યતાઓ છે. આ વર્ષે ઠંડીની સૌથી વધુ અસર ઉત્તર પ્રદેશના જનજીવન પર અતી માઠી જોવા મળી રહી છે.
બે જ દિવસમાં ઉત્તર પ્રદેશમાં ઠંડીને કારણે 65થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે બિહારમાં જ 40થી વધુ લોકો માર્યા ગયા છે. એવા ઘણા રાજ્યો છે કે જ્યાં તાપમાન રાત્રે માઇનસ ડીગ્રી સુધી પણ પહોંચી ગયુ હતું જેને પગલે જે લોકો ફૂટપાથ પર સુતા હોય તેમના જ સૌથી વધુ મોત નિપજ્યા છે. એવા પણ રાજ્યો છે કે જ્યાં મોટા શહેરોમાં રેન બસેરા જેવી કોઇ જ સુવિધા ન હોવાથી આ ઠંડીમાં ગરીબ અને મજૂર વર્ગ સૌથી વધુ મોતને ભેટે છે.
ઠંડીથી જનજિવન પર માઠી અસર
દિલ્હીમાં ઠંડીને કારણે 500 ફ્લાઇટ મોડી પડી, 25 ટ્રેન રદ
21 જેટલી ફ્લાઇટ ડાયવર્ટ કરવી પડી, પાંચ રદ કરાઇ
દિલ્હીમાં ઠંડીએ 119 વર્ષનો રેકોર્ડ તોડયો છે. જે સાથે જ તાપમાન અતી નીચુ આવી જતા રાજ્યભરમાં ધુમ્મસ છવાઇ ગયો છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી અતી નીચી આવી ગઇ છે પરીણામે આશરે 500 જેટલી ફ્લાઇટ મોડી પડી છે.
એવા અહેવાલો છે કે આશરે 500 ફ્લાઇટ મોડી પડી છે જ્યારે 21 ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી છે. તો પાંચ ફ્લાઇટને રદ કરવામાં આવી છે. માત્ર ફ્લાઇટ જ નહીં ટ્રેનો પર પણ કડકડતી ઠંડીની અસર જોવા મળી રહી છે.દિલ્હીના સફદરજંગમાં અને પાલમ વેધશાલાઓમાં સવારે સાડા આઠ વાગ્યે વિઝિબિલિટી ઝીરો હતી જેને પગલે આશરે 25 જેટલી ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે.
તો દિલ્હીથી ઉપડનારી જે પણ ટ્રેનો હતી તે એક કલાક લઇને બેથી ત્રણ કલાક મોડી ઉપાડવી પડી હતી. દિલ્હી-ભૂવનેશ્વર રાજધાની સાત કલાક મોડી ચાલી રહી હતી. જ્યારે જે ટ્રેનોને રદ કરવામાં આવી છે તેમાં જમ્મૂ તાવી એક્સપ્રેસ, લિચ્છવી એક્સપ્રેસ, ઉંચાહાર એક્સપ્રેસ, બુધ પૂર્ણીમા એક્સપ્રેસ, વારાણસી બરેલી એક્સપ્રેસ વગેરેનો પણ સમાવેશ થાય છે.
અચાનક ટ્રેનો અને ફ્લાઇટને રદ કરી દેવામાં આવતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો જોકે પેસેંજરોને મદદ માટેની સુવિધા પણ ઉભી કરવાનો પ્રયાસ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો હતો. હાલ દિલ્હીમાં ધુમ્મસ વધુ હોય તેવી સ્થિતિમાં વાહનો ન ચલાવવાની સલાહ પણ આપવામાં આવી છે કેમ કે તેનાથી એક્સિડન્ટ થવાની શક્યતા વધી જાય છે.


