કર્ણાટકની મહિલામાં નવા 'દુર્લભ' પ્રકારનું બ્લડ ગ્રૂપ મળ્યું, 'CRIB' ને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી
Rare Blood Group : દુનિયામાં અગાઉ ક્યાંય ઓળખી ન કાઢવામાં આવ્યું હોય તેવું એક નવું રક્ત ગ્રુપ દક્ષિણ ભારતમાં કર્ણાટકના કોલાર જિલ્લામાં વસતી 38 વર્ષની એક મહિલામાં મળી આવ્યું છે. આ મહિલા કોલારમાં કાર્ડિયાક સર્જરી માટે હોસ્પિટવમાં દાખલ થઇ ત્યારે તેના લોહીના અસામાન્ય ગ્રુપની જાણ થઇ હતી. તેને CRIB તરીકે માન્યતા મળી છે.
આ મહિલાનું રક્ત ગ્રુપ ઓ આરએચ પોઝિટિવ હતું. આ એક સામાન્ય બ્લડ ગ્રુપ છે પણ ઉપલબ્ધ ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપમાંથી એક પણ યુનિટ તેને ંમેચ થતું નહોતું.
હોસ્પિટલે વધુ તપાસ માટે કેસ બેન્ગલોર ટીટીકે બ્લડ સેન્ટર ખાતે આવેલી એડવાન્સ્ડ ઇમ્યુનોહેમેટોલોજી રેફરન્સ લેબોરેટરીને મોકલી આપ્યો હતો.
આ લેબોરેટરીએ મહિલાના લોહીના ગ્રુપને મેચ થાય તેવું લોહી મેળવવા માટે તેના પરિવારના 20 સભ્યોના લોહીના નમૂના મેળવ્યા પણ એક પણ તેની સાથે મેચ ન થયો.
આ કેસમાં બ્લડ ટ્રાન્સફયુઝન કરવાની જરૂર ન પડે એ રીતે એકદમ કાળજી રાખી સર્જરી પાર પાડવામાં આવી હતી. પણ દરમ્યાન તે મહિલાના તથા તેના પરિવારના સભ્યોના લોહીના નમૂનાઓને યુકેમાં બ્રિસ્ટોલમાં આવેલી ઇન્ટરનેશનલ બ્લડ ગ્રુપ રેફરન્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા.
જ્યાં દસ મહિના સઘન સંશોધન અને મોલિક્યુલર ટેસ્ટિંગના અંતે અજાણ્યા બ્લડ ગ્રુપ એન્ટીજનને શોધી કઢાયો.
જુન 2025માં ઇટાલીના મિલાન શહેરમાં 35મી રિજિયોનલ કોંગ્રેસ ઓફ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં આ ઐતિહાસિક શોધની જાહેરાત કરવામાં આવી હતી.
જેના પગલે કર્ણાટકની આ મહિલા સીઆરઆઇબી એન્ટીજન ધરાવતી પ્રથમ વ્યક્તિ બની છે.
લોહીના ગ્રુપના નવા નામ સીઆરનો અર્થ ક્રોમર અને આઇનો અર્થ ઇન્ડિયા અને બીનો અર્થ બેન્ગાલુરૂ થાય છે. બેન્ગલોર ટીટીકે બ્લડ સેન્ટરના ડો. અંકિત માથુરે આ કેસમાં ઉંડો રસ લઇ તેની વિગતો જાહેર કરી હતી.