નવી શિક્ષણ નીતિનો અમલ કરનાર કર્ણાટક પ્રથમ રાજ્ય બનશે
રાજ્યના નાયબ મુખ્યપ્રધાને કરેલી જાહેરાત
અશવથ નારાયણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે પાંચ દિવસીય ઓનલાઇન વર્કશોપ ખુલ્લું મૂક્યું
(પીટીઆઇ) બેંગાલુરુ, તા. ૨૪
કર્ણાટક નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન ડો. સી એન અશવથ નારાયણે આ જાહેરાત કરી છે. નારાયણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વિશેષતાઓ અને અમલ વિષય પર આયોજિત પાંચ દિવસના ઓનલાઇન વર્કશોપના ઉદ્ઘાટન પ્રસંગને સંબોધતા આ જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલમાં મૂકવા માટે વહીવટી સુધારા અને ફેરફાર કરવા માટે રાજ્ય સરકાર તમામ તૈયારીઓ કરી રહી છે. ઉચ્ચ શિક્ષણનો કાર્યભાર સંભાળતા નારાયણે જણાવ્યું હતું કે કર્ણાટક રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરનાર દેશનો પ્રથમ રાજ્ય બનશે.
બેંગલોર યુનિવર્સિટી દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ચોક્કસ દિશા અને લક્ષ્યાંક સાથે આ દિશામાં આગળ વધી રહી છે.
આ શિક્ષણ નીતિનું ડ્રાફ્ટ મળવાની સાથે જ એક ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી અને આ ટાસ્ક ફોર્સની અનેક બેઠકો મળી ગઇ છે. નારાયણના જણાવ્યા અનુસાર આ સમિતિએ નવી શિક્ષણ નીતિનો તબક્કાવાર અમલ કરવા માટે સૂચનો જારી કરી દીધા છે અને તેની અંતિમ ભલામણોની રાહ જોવામાં આવી રહી છે.
અંતિમ ભલામણો આવ્યા પછી વહેલામાં વહેલી તકે વહીવટી અને કાયદાકીય પગલા ભરવામાં આવશે. નવી નીતિથી દેશમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ બનશે અને દેશના તમામ વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી રહેશે.