એક લાખ મહેમાનો, 500 કરોડનો ખર્ચ, ભાજપના નેતાની પુત્રીના લગ્નમાં ઈતિહાસ સર્જાશે
નવી દિલ્હી, તા.1 માર્ચ 2020, રવિવાર
કર્ણાટકમાં ભાજપના સંકટ મોચક તરીકે જાણીતા દલિત નેતા અને સરકારના સ્વાસ્થ્ય મંત્રી બી શ્રીરામુલુ લગ્નના ખર્ચના મામલે એક નવો ઈતિહાસ સર્જવા જઈ રહ્યા છે.
શ્રીરામુલુની પુત્રી રક્ષિતાના પાંચ માર્ચે લગ્ન થવાના છે અને આ માટે પાણીની જેમ પૈસો વાપરવામાં આવ્યો છે. આ મામલે પોતાના મિત્ર અને ખાણ ખનીજ માફિયા તરીકે ઓળખાતા જનાર્દન રેડ્ડીને પણ શ્રીરામુલુએ પાછળ છોડી દીધા છે.
રક્ષિતાના લગ્ન હૈદ્રાબાદના ઉદ્યોગપતિ રવિ કુમાર સાથે પાંચ માર્ચે યોજાવાના છે. નવ દિવસ સુધી આ લગ્નની ઉજવણી થવાની છે. જેની શરુઆત 27 ફેબ્રુઆરીથી થઈ ચુકી છે.
એવુ મનાય છે કે, છેલ્લા એક દાયકાના આ સૌથી મોટી લગ્ન છે. લગ્ન કરાવવા માટે જ 500 પૂજારીઓ બેસશે.તેમને બેંગ્લોરમાં ઉતારો આપવામાં આવ્યો છે. જોકે શ્રીરામુલુ સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ લગ્ન અંગે વાત કરવા માટે તૈયાર નથી પણ સૂત્રોનુ કહેવુ છે કે, 2016માં જર્નાદન રેડ્ડીની પુત્રીના લગ્ન કરતા પણ વધારે ખર્ચ આ લગ્નમાં થવાનો છે. જેમાં 500 કરોડ રુપિયા ખર્ચાયા હાત.
શ્રીરામુલુ ની પુત્રીના લગ્ન માટે 1 લાખ મહેમાનોને નિમંત્રમ આપવામાં આવ્યુ છે. જેમાં પીએમ મોદી સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. પેલેસના મેદાનમાં 40 એકરમાં લગ્નનો શમિયાણો ઉભો કરવામાં આવ્યો છે.
છેલ્લા ત્રણ મહિનાથી બોલીવૂડના આર્ટ ડાયરેક્ટર લગ્ન માટે સેટ બનાવી રહ્યા છે. આ સેટ હમ્પીના મંદિરો પર આધારીત હશે, આ સેટ જ ચાર એકરમાં ફેલાયેલો છે. 200 લોકો ખાલી ફૂલોનુ ડેકોરેશન કરવા કામે લાગ્યા છે. એક બીજો સેટ બેલ્લારીમાં બની રહ્યો છે. જ્યાં રિસેપ્શન યોજાવાનુ છે.
દિપિકા પાદુકોણના મેક અપ આર્ટિસ્ટને શ્રીરામુલુની પુત્રીના મેકઅપ માટે બોલાવાયા છે. આ સિવાય મુકેશ અંબાણીની પુત્રીના લગ્નમાં ફોટોગ્રાફી કરનાર ટીમને પણ હાયર કરવામાં આવી છે. મહેમાનો માટે ફાઈવ સ્ટાર હોટલો બૂક કરી દેવાઈ છે. ભોજન માટે 1000 કૂક કામે લાગશે. એક સાથે 7000 લોકો ભોજન કરી શકે તેવો ડાઈનિંગ હોલ તૈયાર કરાઈ રહ્યો છે.
તાજેતરમાં યેદિયુરપ્પાની સરકાર બનાવવામાં શ્રીરામુલુનો મોટો ફાળો રહ્યો છે.