India

ભાજપના ધારાસભ્ય 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, કર્ણાટક લોકાયુક્તની મોટી કાર્યવાહી

By GS TEAM
22 Feb 20262 mins read
TukuTouch Logo
કર્ણાટકના ગદગ જિલ્લામાં લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા શિરહટ્ટી વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય ચંદ્રુ લમાનીની ધરપકડ કરી છે. ધારાસભ્યની સાથે તેમના બે સહાયકો, મંજુનાથ વાલ્મિકી અને ગુરુનાયકની પણ અટકાયતમાં કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી સિંચાઈ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લાંચના કેસમાં ટ્રેપ ગોઠવીને કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપના ધારાસભ્ય 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, કર્ણાટક લોકાયુક્તની મોટી કાર્યવાહી

Karnataka BJP MLA Chandru Lamani Arrested: કર્ણાટકના ગદગ જિલ્લામાં લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા શિરહટ્ટી વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય ચંદ્રુ લમાનીની ધરપકડ કરી છે. ધારાસભ્યની સાથે તેમના બે સહાયકો, મંજુનાથ વાલ્મિકી અને ગુરુનાયકની પણ અટકાયતમાં કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી સિંચાઈ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લાંચના કેસમાં ટ્રેપ ગોઠવીને કરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો?

ગદગ જિલ્લાના ચિંચલીના એક એ-ગ્રેડના કોન્ટ્રાક્ટર વિજય પુજારીએ લોકાયુક્તમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, લઘુ સિંચાઈ વિભાગ હેઠળ રોડની બંને બાજુ પ્રોટેક્શન વોલ(રિટનિંગ વોલ) બનાવવાનું કામ ચાલુ રાખવા અને તેના બિલ પાસ કરાવવાના બદલામાં ધારાસભ્ય દ્વારા 11 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. લોકાયુક્ત અધિકારીઓએ પ્લાન બનાવીને દરોડો પાડ્યો ત્યારે ધારાસભ્ય અને તેમના સહાયકો લાંચના પ્રથમ હપ્તા તરીકે 5 લાખ રૂપિયા સ્વીકારી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે જ ત્રણેયને પકડી પાડ્યા હતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રીના આકરા પ્રહાર

ધારાસભ્યની ધરપકડ બાદ કર્ણાટકનું રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, 'લમાની રંગેહાથ ઝડપાયા છે, હવે ભાજપના નેતાઓ શું કહેશે? બીજા પર આરોપ લગાવવા સરળ છે, પણ હવે તેમનો પોતાનો ધારાસભ્ય પકડાયો છે. અમે તપાસમાં કોઈ દખલ નહીં કરીએ.' તો બીજી તરફ ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે કટાક્ષ કરતા જણાવ્યું કે, 'ભાજપના નેતાઓ તો ખૂબ પ્રમાણિક છે, કદાચ લોકાયુક્તને કોઈ ખોટી માહિતી મળી હશે!'

આ પણ વાંચો: 1 એપ્રિલથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવા નિયમ લાગુ, સુપ્રીમ કોર્ટનો અધિકારીઓને કડક આદેશ

ભાજપનો બચાવ અને સમર્થકોનો વિરોધ

આ ઘટના અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ જણાવ્યું કે તેઓ તથ્યોની તપાસ કર્યા બાદ જ નિવેદન આપશે. જોકે, ભાજપના પ્રવક્તાએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ સરકાર જાણીજોઈને વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહી છે. બીજી તરફ, ધારાસભ્યની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાતા ગદગમાં તેમના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ કાર્યવાહીને 'રાજકીય ષડયંત્ર' ગણાવી કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.