UP: કાનપુર કોર્પોરેશને પાલતુ પ્રાણીઓ પાળવા મુદ્દે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય
Image Source: Freepik
લખનૌ, તા. 08 જુલાઈ 2023 શનિવાર
જો તમે પાલતુ પ્રાણી કે બિલાડી પાળવાનો શોખ ધરાવતા હોવ તો આ સમાચાર તમારા માટે કામના છે. ઉત્તર પ્રદેશના કાનપુર કોર્પોરેશને ઘરમાં પાલતુ પ્રાણીઓ પાળવા માટે રજિસ્ટ્રેશન કરાવવુ અનિવાર્ય કર્યુ છે. હવે ઘરમાં મનપસંદ ગાય પાળવા પર પણ રોક લગાવી દેવાઈ છે. હવે તમે ઘરમાં માત્ર બે ગાય જ રાખી શકો છો. આ માટે પણ તમારે રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. જોકે, આ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
મેયરની અધ્યક્ષતામાં કાનપુર કોર્પોરેશન કાર્યકારિણીની થયેલી બેઠકમાં પાલતુ પ્રાણીઓના પાલન-પોષણને લઈને ઘણા મહત્વપૂર્ણ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા છે. જેના હેઠળ ઘરમાં બિલાડી પાળનારને આ માટે લાયસન્સ લેવુ જરૂરી કરવામાં આવ્યુ છે. લાયસન્સની ફી તરીકે 300 રૂપિયા આપવા પડશે. લોકો પોતાના ઙરમાં બે ગાય પાળી શકે છે. આ માટે તેમણે નિ:શુલ્ક રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.
આ સિવાય રસ્તા પર ફરતી ગાયો પર પણ કોર્પોરેશને લાલ આંખ કરી છે. જો કોઈ ઢોર રસ્તા પર આમ-તેમ ફરતુ દેખાશે તો કોર્પોરેશનની ગાડી તેને પકડી લેશે. આ પશુઓના માલિકોએ દંડ ચૂકવ્યા બાદ પણ તેમને તેમના ઢોર પાછા મળશે નહીં.