સોનાની દાણચોરીમાં ફસાયેલી અભિનેત્રી રાન્યા રાવના જામીન મંજૂર, પણ કસ્ટડીમાંથી મુક્તિ નહીં
Ranya Rao Gets Bail: સોનાની દાણચોરીમાં પકડાયેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવના જામીન અંતે મંજૂર થયા છે. બેંગ્લુરૂ કોર્ટે સોનાની દાણચોરીમાં ધરપકડ કરવામાં આવેલી રાન્યા રાવ અને તરૂણ કોંડુરૂ રાજુને વ્યક્તિગત ધોરણે રૂ. 2 લાખ બોન્ડ પેટે અને બે જામીનોની ખાતરી પર જામીન આપ્યા છે.
બેંગ્લુરૂ કોર્ટે બંનેને સુનાવણીની તમામ તારીખો પર હાજર રહેવા તેમજ, તપાસમાં સહભાગી થવાની શરતે જામીન મંજૂર કર્યા છે. વધુમાં પુરાવા સાથે છેડછાડ ન કરવા, કોર્ટની મંજૂરી વિના દેશ ન છોડવા અને ભવિષ્યમાં આ પ્રકારના ગુનાનું આચરણ ન કરવાની શરત પણ મુકી છે.
શરતોનો ભંગ કર્યો તો...
કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, જો તેઓએ કોર્ટની કોઈપણ શરતોનો ભંગ કર્યો તો તેમના જામીન નામંજૂર કરવામાં આવશે. અગાઉ ગતમહિને કોર્ટે તેની જામીન અરજી રદ કરી હતી. રાન્યા રાવે ડીઆરઆઈ (ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ) તપાસના 60 દિવસ થયા હોવા છતાં ચાર્જશીટ રજૂ કરવામાં નિષ્ફળ જતાં જામીન માટે અરજી કરી હતી.
આ પણ વાંચોઃ IB ચીફ તપન ડેકાનો કાર્યકાળ ફરી લંબાવાયો, હવે જૂન 2026 સુધી નિભાવશે જવાબદારી
જામીન મળ્યા હોવા છતાં રહેશે કસ્ટડીમાં
રાન્યા રાવને જામીન મળ્યા હોવા છતાં COFEPOSA એક્ટ હેઠળ નોંધાયેલા કેસ હેઠળ હજુ કસ્ટડીમાં રહી શકે છે. જેની સુનાવણી 3 જૂને થવાની છે. લીગલ એક્સપર્ટ્સે આ અંગે જણાવ્યું હતું કે, COFEPOSA એક્ટ એ ભારતમાં એક નિવારક અટકાયત કાયદો છે જેનો ઉદ્દેશ્ય દાણચોરીને રોકવા અને વિદેશી હૂંડિયામણ બચાવવાનો છે. તે આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શંકાસ્પદ વ્યક્તિઓને અટકાયતમાં રાખવાની મંજૂરી આપે છે. રાવને COFEPOSA કેસમાં પણ જામીન ન મળે ત્યાં સુધી મુક્ત કરી શકાતી નથી.
કરોડોના સોનાની દાણચોરી
33 વર્ષીય રાન્યા રાવ 3 માર્ચના રોજ બેંગ્લુરૂ એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતી ઝડપાઈ હતી. તેની પાસેથી રૂ. 12.56 કરોડનું 14.2 કિગ્રા સોનું મળી આવ્યુ હતું. જેમાં રાજુ, સાહિલ સાકરિયા જૈન, અને બલ્લરીમાંથી એક જ્વેલરની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય હાલ જેલમાં છે. રાન્યા રાવે વીઆઈપી પ્રોટોકોલનો દુરૂપયોગ કરી 100 કિગ્રાથી વધુ સોનાની દાણચોરી કરી હોવાનો આરોપ છે. તેણે તેના કો-એક્ટર તરૂણ રાજુ સાથે મળી દુબઈની 11થી 34 ટ્રીપમાં સોનાની દાણચોરી કરી હતી.