Get The App

કન્હૈયા કુમારની પટણા પોલીસે કરી અટકાયત, CM નિવાસે દેખાવો કરતાં કોંગ્રેસ નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી

Updated: Apr 11th, 2025

GS TEAM

Google News
Google News
કન્હૈયા કુમારની પટણા પોલીસે કરી અટકાયત, CM નિવાસે દેખાવો કરતાં કોંગ્રેસ નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી 1 - image


Kanhaiya Kumar Detained By Patna Police: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસ સ્થાને દેખાવો કરવા જઈ રહેલાં કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારની પટણા પોલીસે અટકાયત કરી છે. પોલીસે કન્હૈયાની સાથે સાથે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદયભાન અને સ્ટેટ પ્રેસિડન્ટ ગરીબદાસ સહિત 30થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. 

મુખ્યમંત્રી આવાસ પર દેખાવો કરવા જઈ રહેલાં કોંગ્રેસના કાર્યકરોને અટકાવવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પરંતુ કોંગ્રેસે પીછેહટ ન કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાયા બાદ મામલો થાળે પડ્યો હતો.


નીતિશ કુમાર ભાજપના પ્રેશરમાંઃ કન્હૈયા કુમાર

પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતાં પહેલાં કન્હૈયા કુમારે નિવેદન આપ્યું હતું કે, ભાજપે નીતિશ કુમારને દબાણમાં રાખ્યા છે. પરંતુ વાસ્તવમાં સ્થિતિ તેનાથી વિપરિત હોવી જોઈએ. કારણકે, નીતિશ કુમારના કારણે જ કેન્દ્રમાં મોદી સરકાર ચાલી રહી છે.


મારી લડાઈ બેરોજગારીથીઃ કન્હૈયા કુમાર

કન્હૈયા કુમારના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે 16 માર્ચથી પશ્ચિમી ચંપારણના ભિતિહરવાં સ્થિત ઐતિહાસિક ગાંધી આશ્રમથી 'પલાયન રોકો, નોકરી દો' સુત્રોચ્ચાર સાથે પદયાત્રાની શરૂઆત કરી હતી. જે આજે પટના પહોંચી પૂર્ણ થઈ હતી. ત્યારબાદ કન્હૈયા કુમાર કોંગ્રેસના કાર્યકરો સાથે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને દેખાવો કરવા જઈ રહ્યા હતાં. આ પદયાત્રામાં કન્હૈયાએ નિવેદન આપ્યું હતું કે, બેરોજગારી હટાવો યાત્રા....સંવિધાન બચાવો યાત્રા....અનામત વધારો યાત્રા.... આખા દેશમાં શરૂ કરી હતી. દેશના વાસ્તવિક મુદ્દાઓ અમે ઉઠાવ્યા હતા. મારી લડાઈ જ બેરોજગારી સાથે છે... હવે અન્ય પક્ષ પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે.

પદયાત્રાના સમાપન સમયે પટના પહોંચેલા કોંગ્રેસના મહાસચિવ સચિન પાયલટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેમના પક્ષ જેડીયુ પર પ્રહારો કર્યા હતા. પાયલટે પેપર લીક મુદ્દે પણ બિહાર સરકારને ઘેરી હતી.

કન્હૈયા કુમારની પટણા પોલીસે કરી અટકાયત, CM નિવાસે દેખાવો કરતાં કોંગ્રેસ નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી 2 - image

Tags :