'તે HINDIA બનાવવા માગે છે...' સીમાંકન અને ભાષા વિવાદ વચ્ચે કમલ હાસનના કેન્દ્ર પર પ્રહાર
Kamal Haasan On Tamil Nādu Hindi Imposition: સીમાંકન અને ભાષા વિવાદ વચ્ચે અભિનેતા કમલ હાસને કેન્દ્ર પર આકરા પ્રહાર કર્યા છે. તેણે તમિલનાડુ સહિત દેશના દક્ષિણ રાજ્યો પર કથિત રીતે હિન્દી ભાષા થોપવાનો અને સીમાંકન દ્વારા હિન્દી પટ્ટીના હિતોને પ્રોત્સાહન આપવાનો કેન્દ્ર પર આરોપ લગાવ્યો છે. કમલ હાસને કેન્દ્ર પર પ્રહાર કરતાં કહ્યું કે 'તેઓ ઈન્ડિયાને HINDIA બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.' આ ઉપરાંત વર્ષ 2026માં પ્રસ્તાવિત સીમાંકન એટલે કે દેશમાં જનપ્રતિનિધિઓની બેઠકો વધારવા મુદ્દે તેમણે કહ્યું છે કે, 'આવો કોઈપણ નિર્ણય બિન-હિન્દી ભાષી રાજ્યોના હિતમાં નહીં હોય.'
તમિલનાડુના રાજકીય પક્ષોની સર્વપક્ષીય બેઠક
તમને જણાવી દઈએ કે, આજે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને સીમાંકનના મુદ્દા પર તમિલનાડુના રાજકીય પક્ષોની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સામેલ થવા માટે તમિલનાડુના રાજકીય પક્ષ મક્કલ નીધિ મૈયમના નેતા કમલ હાસન પણ પહોંચ્યા છે.
HINDIA બનાવવામાં આવી રહ્યું છે
મક્કલ નીધિ મૈયમના અધ્યક્ષ કમલ હાસને સંસદીય મતવિસ્તારોને સીમાંકિત કરવાના કેન્દ્રના પ્રયાસોની આકરી ટીકા કરી અને ચેતવણી આપી કે તેનાથી ભારતના સંઘીય માળખા અને વિવિધતાને નુકસાન પહોંચી શકે છે. આ મુદ્દા પર સર્વપક્ષીય બેઠકમાં બોલતા હાસને કેન્દ્રની ટીકા કરી અને કહ્યું કે ભારતના સમાવેશી દૃષ્ટિકોણને જોખમમાં મૂકીને તેને HINDIA બનાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: હિન્દીના કારણે ઉત્તર ભારતની 25 ભાષા ખતમ થઈ ગઈ, તમિલનાડુમાં એવું નહીં થવા દઈએ: સ્ટાલિન
તમિલનાડુ સહિત અનેક રાજ્યો માટે સીમાંકન જોખમી
કમલ હાસને કહ્યું કે, 'વસતીના આધારે સંસદીય મતવિસ્તારોના સીમાંકનનો મુદ્દો માત્ર તમિલનાડુ માટે જ ચિંતાનો વિષય નથી, તે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોને પણ અસર કરે છે.'
કમલ હાસને આ પગલાંની વ્યાપક અસરના ખતરા વિશે વાત કરી. આ દરમિયાન તેમણે આ ચર્ચા કરવા બેઠકનું આયોજન કરવા બદલ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનનો આભાર માન્યો. હાસને તમિલનાડુના એવા પક્ષોની પણ પ્રશંસા કરી જેમણે વૈચારિક મતભેદોને બાજુ પર રાખીને ચર્ચામાં ભાગ લીધો. તેમણે કહ્યું કે, 'હું આ જાગૃતિ સાથે આ સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવા બદલ તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે સ્ટાલિનનો હૃદયપૂર્વક આભાર માનું છું.'
લોકસભાની નહીં, વિધાનસભાની બેઠકો વધારવા અપીલ
કમલ હાસને આ મામલે પોતાના સ્પષ્ટ વલણનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે, ‘વસતી વધારાને ધ્યાનમાં રાખીને લોકસભાની 543 બેઠકોમાં ફેરફારની જરૂર નથી. દેશની વસતી 145 કરોડ હતી, ત્યારે પણ આ 543 સભ્યોએ જ દેશને અહીં સુધી પહોંચાડ્યો હતો. જો કેન્દ્રએ બેઠકો વધારવી હોય, તો કેન્દ્ર સરકાર દ્વારા લેવાતા તમામ સરકારી નિર્ણયોનો અમલ રાજ્ય સરકારો દ્વારા થવો જોઈએ. જો જનપ્રતિનિધિઓની સંખ્યા વધારવી જ હોય, તો વિધાનસભાની બેઠકો વધારો.’
વસતી વૃદ્ધિને નિયંત્રિત કરીને રાષ્ટ્રીય વિકાસમાં ફાળો આપનારા રાજ્યોને દંડ ન કરવો જોઈએ. તેમણે લોકશાહી અને સંઘવાદના મૂળભૂત સિદ્ધાંતો પર વિગતવાર વાત કરી. આપણે બે મુખ્ય સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, લોકશાહી અને સંઘવાદ. આ બે આંખો છે અને બંનેને મહત્ત્વ આપીને જ આપણે એક સમાવિષ્ટ અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકીએ છીએ.'
દેશ તૂટ્યો જ નથી, તો તેને જોડવાનો પ્રયાસ કેમ?
કમલ હાસને એમ પણ કહ્યું કે, 'આપણે એક સમાવિષ્ટ ભારતની કલ્પના કરીએ છીએ, પરંતુ તેઓ 'HINDIA' બનાવવા માગે છે. જે દેશ તૂટ્યો જ નથી, તો તેને જોડવાનો પ્રયાસ શા માટે કરવો? વારંવાર કાર્યરત લોકશાહીમાં વિક્ષેપ પાડવાની જરૂર નથી. ભલે મતવિસ્તારોને ફરીથી બનાવવામાં આવે, સૌથી વધુ અસર હંમેશા બિન-હિન્દીભાષી રાજ્યો પર જ પડશે.'
તેમણે કહ્યું કે, 'આ પગલું સંઘવાદને નબળો પાડે છે અને સંપૂર્ણપણે બિનજરૂરી છે. માત્ર આજે કે કાલે જ નહીં, પરંતુ દરેક સમયે સંસદીય પ્રતિનિધિઓની સંખ્યા યથાવત્ રાખવી એ લોકશાહી, સંઘવાદ અને ભારતની વિવિધતા જાળવવા માટે મહત્ત્વપૂર્ણ છે. એક ભારતીય તરીકે, હું તેના પર ભાર મૂકું છું.'