Get The App

દિગ્ગજ અભિનેતાની ટિપ્પણીથી ભાષા વિવાદ ઘેરાયો, કહ્યું - કન્નડ ભાષા તમિલમાંથી જ નીકળી

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
દિગ્ગજ અભિનેતાની ટિપ્પણીથી ભાષા વિવાદ ઘેરાયો, કહ્યું - કન્નડ ભાષા તમિલમાંથી જ નીકળી 1 - image


Kamal Haasan Kannada Language Controversy: દિગ્ગજ અભિનેતા અને રાજનેતા કમલ હાસન કન્નડ ભાષા પરની પોતાની ટિપ્પણીઓને કારણે વિવાદમાં સપડાઈ ગયા છે. ચેન્નઈમાં પોતાની નવી ફિલ્મ ઠગ લાઈફના ઓડિયો લોન્ચ પ્રસંગે બોલતા હાસને કહ્યું કે, 'કન્નડ ભાષા તમિલમાંથી નીકળી છે.' તેમની આ ટિપ્પણી બાદ કર્ણાટક ભાજપના પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ અભિનેતા પર પોતાની માતૃભાષાનો મહિમામંડન કરવાના પ્રયાસમાં કન્નડ ભાષાનું 'અપમાન' કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાએ એવી પણ માંગ કરી કે, 'અભિનેતા કન્નડ લોકો પાસે તાત્કાલિક અને બિનશરતી માફી માંગે.'

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાતચીત કરતા વિજયેન્દ્રએ કહ્યું કે, 'કલાકારોમાં દરેક ભાષાનું સન્માન કરવાની સંસ્કૃતિ હોવી જોઈએ. આ અહંકારની પરાકાષ્ઠા છે કે, કન્નડ સહિત ઘણી ભારતીય ભાષાઓમાં અભિનય કરનારા અભિનેતા @ikamalhaasanએ કન્નડ ભાષાનું અપમાન કર્યું છે.'

કમલ હાસન સતત હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યા છે

તેમણે કહ્યું કે કન્નડ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં સદીઓથી એક પ્રમુખ ભાષા રહી છે. કર્ણાટક ભાજપ અધ્યક્ષે લખ્યું કે, 'દક્ષિણ ભારતમાં સદ્ભાવ લાવવાની વાત કરનારા કમલ હાસન છેલ્લા કેટલાક વર્ષોથી સતત હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યા છે અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. હવે તેમણે 6.5 કરોડ કન્નડ ભાષી લોકોના આત્મસન્માનને ઠેસ પહોંચાડીને કન્નડ ભાષાનું અપમાન કર્યું છે. કમલ હાસને તાત્કાલિક કન્નડ લોકોની બિનશરતી માફી માંગવી જોઈએ.'

કન્નડ ભાષી લોકોના આત્મસન્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ

વિજયેન્દ્રએ એમ પણ કહ્યું કે, 'કમલ હાસન કઈ ઈતિહાસકાર નથી કે તેઓ અધિકારપૂર્વક કહી શકે કે કઈ ભાષાએ કોને જન્મ આપ્યો છે. અઢી હજાર વર્ષો જૂનો ઈતિહાસ ધરાવતી કન્નડ ભાષા ભારતના સાંસ્કૃતિક નકશા પર સમૃદ્ધિ અને સૌહાર્દનું પ્રતીક રહી છે. આપણે કમલ હાસનને યાદ અપાવવું જોઈએ કે કન્નડ લોકો કોઈપણ ભાષાને નફરત નથી કરતા, પરંતુ તેઓ પોતાની જમીન, ભાષા, જનતા, પાણી અને વિચારોના મામલામાં ક્યારેય પોતાના સ્વાભિમાન સાથે સમાધાન નથી કરતા નથી'

કન્નડ અને કન્નડ વાસીઓનું અપમાન કરવાનું બંધ કરો

કર્ણાટક રક્ષા વેદિકે (પ્રવીણ શેટ્ટી ગ્રુપ) ના અધ્યક્ષ પ્રવીણ શેટ્ટીએ કહ્યું કે, હાસન અમારા સંગઠનના સભ્યોનો સામનો કરવા પહેલાં જ કાર્યક્રમ સ્થળ છોડીને ચાલ્યા ગયા. મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં તેમણે કહ્યું કે, 'આજે અમે તેમને કડક ચેતવણી આપી રહ્યા છીએ. જો તમે કર્ણાટકમાં વ્યવસાય કરવા અને તમારી ફિલ્મો બતાવવા માંગતા હો, તો કન્નડ અને કન્નડ વાસીઓનું અપમાન કરવાનું બંધ કરો. તમે અહીં ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા પરંતુ કર્ણાટક રક્ષા વેદિકેના કાર્યકરો તમારા ચહેરા પર કાળી સ્યાહી લગાવે અને જવાબ આપે તે પહેલાં જ ચાલ્યા ગયા.'

અભિનેતા કમલ હાસનના કથિત નિવેદન પર તમિલનાડુ ભાજપના ઉપાધ્યક્ષ નારાયણન તિરુપતિએ કહ્યું કે, કમલ હાસન હંમેશા ખૂબ જ હોશિયારીથી કામ કરવાનો પ્રયાસ કરે છે. તમારે તમારી પોતાની ભાષાના વખાણ કરવા માટે કોઈપણ ભાષાને ઓછી ન આંકવી જોઈએ. કમલ હાસન ક્યાંથી શીખ્યા કે કન્નડ તમિલમાંથી નીકળી છે? તેમના જેવા સેલિબ્રિટીઓએ તો પોતાના સામાજિક દરજ્જાને કારણે વધુ જવાબદાર રહેવું જોઈએ. તેમણે જણાવવું જોઈએ કે તેઓ આ બધું ક્યાંથી શીખ્યા. શું આવો કોઈ દસ્તાવેજ છે જે આ કહે છે? તેમણે જે કહ્યું છે તેનાથી છટકી જવાનો પ્રયાસ ન કરવો જોઈએ. કમલ હાસનને સ્પષ્ટતા આપવી જોઈએ.'

આ પણ વાંચો: કર્નલ સોફિયા અંગે વિવાદિત ટિપ્પણી મામલે ભાજપના મંત્રીને ધરપકડથી સુપ્રીમની રાહત, હાઈકોર્ટને આપ્યો નિર્દેશ

કોંગ્રેસના ધારાસભ્ય રિઝવાન અરશદે કહ્યું કે, 'આ કેવા પ્રકારની ચર્ચા છે? કન્નડ અને તમિલ પ્રાચીન ભાષાઓ છે અને આપણા દેશના પાયાનો હિસ્સો છે. શું આ ચર્ચા આ સમયે જરૂરી છે જ્યારે આપણે બધાએ એકજૂથ થવાની જરૂર છે? મને કમલ હાસન આવું નિવેદન આપશે તેવી અપેક્ષા નહોતી. આ દુર્ભાગ્યપૂર્ણ છે.'
Tags :