'કબ તક જિંદગી કાટોગે બીડી ઓર સિગાર મેં, કુછ દિન તો ગુજારો દિલ્હી, એનસીઆરમેં...'
- દિલ્હી પ્રદૂષણ મામલે શશિ થરૂરનો ઉપહાસ
- ગુજરાત ટુરિઝમની ટેગલાઈનના ઉપયોગ સાથેના ફોટોમાં 'દિલ્હી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે' તેવું લખાણ
તિરૂવનંતપુરમ, તા. 2 નવેમ્બર, 2019, શનિવાર
દિલ્હીની હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું હોવાના કારણે રાજધાનીમાં હેલ્થ ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે તથા તમામ સરકારી, ખાનગી શાળાઓને પાંચમી નવેમ્બર સુધી બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે આ અંગે ઉપહાસ કરતી ટ્વિટ કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
લોકસભામાં સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શેર કરીને દિલ્હી પ્રદૂષણ અંગે ટીખળ કરી છે. વધુ મહત્વની વાત એ છે કે, તે ફોટોમાં ગુજરાત ટુરિઝમની ટેગલાઈનનો ઉપયોગ થયેલો છે.
શશિ થરૂરની આ પોસ્ટ અંગે સોશિયલ મીડિયામાં ખૂબ રિએક્શન જોવા મળી રહ્યા છે. થરૂરે પોસ્ટ કરેલા ફોટોમાં સિગારેટના ખોખામાં સિગારેટ સાથે કુતુબ મિનાર જોવા મળે છે. આ સાથે જ તે ફોટો ઉપર 'કબ તક જિંદગી કાટોગે સિગારેટ, બીડી ઓર સિગાર મેં, કુછ દિન તો ગુજારો દિલ્હી-એનસીઆર મેં.. - દિલ્હી ટુરિઝમ' તેવું લખાણ લખેલું છે.
થરૂરે શેર કરેલા ફોટોમાં ક્યાં સુધી સિગારેટ, બીડી અને સિગાર વડે જિંદગીનો અંત લાવશો, થોડા દિવસ દિલ્હી-એનસીઆરમાં રહી જુઓ તે અર્થનું લખાણ લખેલું છે અને સાથે જ 'દિલ્હી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે' તેવી પંચલાઈન લખેલી છે.
જાણવા મળ્યા મુજબ ગેસ-ચેમ્બર બનેલા દિલ્હી-એનસીઆરમાં હજુ થોડા દિવસ સુધી કોઈ રાહત નહીં વર્તાય. શનિવારે સવારના સમયે પણ હવા ખૂબ જ ઝેરીલી હતી જેથી લોકોનો દમ ઘૂંટાતો હતો અને પ્રદૂષણે તેનો શુક્રવારનો રેકોર્ડ પણ તોડી દીધો હતો.