Get The App

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં નવો વળાંક, વધુ એક યુટ્યુબરની પૂછપરછ

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં નવો વળાંક, વધુ એક યુટ્યુબરની પૂછપરછ 1 - image


YouTuber Arrested For Spying For Pakistan: પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાના હિસારની પ્રખ્યાત યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ ગુપ્તચર એજન્સીઓને વધુ એક સફળતા મળી છે. આ મામલે કેન્દ્રીય ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને પુરી પોલીસના સંયુક્ત પ્રયાસોથી અન્ય એક યુટ્યુબર પ્રિયંકા સેનાપતિની પૂછપરછ કરવામાં આવી છે.

પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ

જ્યોતિ મલ્હોત્રા તેના વ્લોગ્સ અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ માટે પ્રખ્યાત હતી, તેના પર ભારતીય સેના અને વ્યૂહાત્મક સ્થળો સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. મહિનાઓની દેખરેખ અને પુરાવાના આધારે, તેની સાથે અન્ય છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ સાયબર-જાસૂસી નેટવર્કના પર્દાફાશ તરફ ઈશારો કરે છે જેમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ ઈન્ફ્લુએન્સર્સની મદદથી દેશની અંદરથી માહિતી લીક થઈ રહી છે.

આ રીતે કરી હતી જાસુસી

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યોતિ મલ્હોત્રા સપ્ટેમ્બર 2024માં પુરીની મુલાકાતે આવી હતી. તે સમય દરમિયાન તેણે જગન્નાથ મંદિર અને તેની આસપાસના સરકારી પરિસરના ફોટોગ્રાફ્સ અને વીડિયો બનાવ્યા હતા. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ સ્થળો વિશેની માહિતી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પાકિસ્તાનમાં સક્રિય લોકોને મોકલવામાં આવી હતી. તપાસ એજન્સીઓને એવી પણ શંકા છે કે જ્યોતિ આ સમયગાળા દરમિયાન પ્રિયંકા સેનાપતિને મળી હતી અથવા તેના સંપર્કમાં હતી.

આ પણ વાંચોઃ ભારતનું બંધારણ સર્વોચ્ચ, લોકશાહીના ત્રણેય સ્તંભોએ સાથે મળીને કામ કરવું જોઈએ: CJI ગવઈ

પ્રિયંકા સેનાપતિએ સ્પષ્ટતા કરી

પુરીની યુટ્યુબર પ્રિયંકા સેનાપતિએ સોશિયલ મીડિયા પર લાઇવ આવીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેણે કહ્યું કે જ્યોતિ ફક્ત મારી યુટ્યુબ ફ્રેન્ડ હતી. મને તેના કોઈ ખોટા કાર્યોની ખબર નહોતી. જો મને ખબર હોત કે તે દુશ્મન દેશ માટે જાસૂસી કરી રહી છે, તો હું તેની સાથે કોઈ સંપર્કમાં આવી ન હોત. પ્રિયંકાએ વધુમાં કહ્યું કે હું તેને ફક્ત પ્રોફેશનલી ઓળખતી હતી. હું તપાસમાં સંપૂર્ણ સહયોગ કરવા તૈયાર છું. જ્યોતિની ધરપકડ અને પ્રિયંકાની પૂછપરછ બાદ ગુપ્તચર એજન્સીઓએ પુરી, ભુવનેશ્વર અને અન્ય પર્યટન સ્થળોએ ચાંપતી નજર રાખી રહી છે. જ્યાં વિદેશી નાગરિકો અથવા શંકાસ્પદ લોકો પર દેખરેખ રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ડ્રોન, ડીએસએલઆર અને પ્રોફેશનલ કેમેરાનો ઉપયોગ કરીને જાહેર સ્થળોએ શૂટિંગ કરતા કન્ટેન્ટ  પર નજર રાખવામાં આવી રહી છે.

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં નવો વળાંક, વધુ એક યુટ્યુબરની પૂછપરછ 2 - image

Tags :