કોલ્હાપુરી ચંપલ વિવાદ: શણના કોથળા, નહેરુ જેકેટથી લઈને કમરબંધ, ભારતીય ડિઝાઈનમાંથી અગાઉ પણ લેવાઈ ચૂકી છે પ્રેરણા
Kolhapuri Chappal Controversy: આખરે ઈટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ કબૂલ્યું છે કે, સ્પ્રિંગ-સમર મિલાન 2026 ફેશન શૉમાં દર્શાવાયેલા તેમના ચંપલ કોલ્હાપુરી ડિઝાઈન પરથી જ પ્રેરિત છે. વાત એમ છે કે, મિલાન ફેશન શૉનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં વિવિધ મોડેલ્સ કોલ્હાપુરી ચંપલ પહેરીને કેટ વૉક કરતા દેખાયા હતા. વળી, પ્રાડા આ ચંપલ રૂ. 1.7 લાખથી રૂ. 2.10 લાખ સુધીની કિંમતે વેચે છે.
જો કે, આ વીડિયો વાઇરલ થયા પછી સોશિયલ મીડિયા યુઝર્સે પ્રાડાની જોરદાર ટીકા કરી હતી કારણ કે, કોલ્હાપુરી ચંપલોની ડિઝાઈન પેટન્ટેડ છે અને 2019માં કેન્દ્ર સરકારે તેને જીઆઈ ટેગ પણ આપ્યું હતું. એટલે યુઝર્સે પ્રાડા પર ડિઝાઈન ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન પ્રાડાએ સ્વીકારી લીધું છે કે, આ ચંપલની ડિઝાઈનની પ્રેરણા તેમણે કોલ્હાપુરી ચંપલો પરથી જ લીધી છે.
ખેર, ભારતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની પશ્ચિમી દેશોમાં ચોરી કે નકલ કરાઈ હોય એવી આ કંઈ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં બની ચૂકેલી આવી ઘટનાઓ પર નજર નાંખીએ.
નેહરુ જેકેટ
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા લોકપ્રિય થયેલા ‘નેહરુ જેકેટ’ને પણ પશ્ચિમી દેશોએ ચોરી લીધું છે. ભારતની ગરમીમાં આખી બાંયના પશ્ચિમી સૂટ પહેરવાનું વ્યવહારુ ન હોવાથી બાંય વગરના નેહરુ જેકેટ ખૂબ લોકપ્રિય થયા હતા. એ જેકેટ રાષ્ટ્રવાદી ગૌરવ અને સમાજવાદી આદર્શોનું પ્રતીક ગણાતું. ઉપરાંત તે સામ્રાજ્યવાદના વિરોધનું પ્રતીક પણ ગણાતું. પશ્ચિમી ડિઝાઇનરો તેની તફડંચી કરીને તેને ‘મેન્ડરિન કોલર જેકેટ’ નામ આપી દીધું. અગેઈન, ભારતના કે નેહરુના કોઈ ઉલ્લેખ વિના!
| |
શણના કોથળા ઉર્ફ મંડી બેગ
ભારતીયો દ્વારા દાયકાઓથી વપરાતા આવેલા ખરીદી માટેના થેલા પણ આ જ વર્ષે વૈશ્વિક સ્તરે ‘મંડી બેગ’ નામે એકાએક જ ચમકી ગયા હતા. જાડું કાપડ ધરાવતા આવા થેલા શણ કે એના જેવા જાડા, રુક્ષ મટિરિયલના બનેલા હોય છે. ઘણીવાર એના પર ભારતની બીડી, ગુટખા અને ચવાણું કે બિસ્કિટના નામ પણ છાપેલા જોવા મળે છે. પશ્ચિમી દેશના લોકોને, ખાસ કરીને યુવા પેઢીને, હાલમાં એનું ઘેલું લાગ્યું છે. એવા થેલાને નામ અપાયું ‘બોહેમિયન યુટિલિટી ટોટ્સ’. ભારતનો ઉલ્લેખ ક્યાંય નહીં! આપણા દેશમાં પચાસ-સો રૂપિયામાં મળી જતાં આવા થેલા વિદેશોમાં ‘મંડી બેગ’ને નામે દસ-પંદર ગણી કિંમતે વેચાય છે.
![]() |
કમરબંધ
ભારતના નવાબો અને ઉમરાવો કમર અને પેટને આવરી લેતું ‘કમરબંધ’ બાંધતા. એ ફેશન માટે નહોતું. એનો ઉપયોગ વ્યવહારુ હતો. મહેફિલોમાં ભેગા થયેલા મહાનુભાવો જમે ત્યારે પેટ પર ખોરાક પડે અને એના ડાઘ રહી જાય, એ છુપાવવા માટે કમરબંધ વપરાતા. ખરાબ થયેલ કમરબંધ બદલી નાંખો ને નવો બાંધી લો. સિમ્પલ! એ કમરબંધની ચોરી કરીને અંગ્રેજો એને ઈંગ્લેન્ડ લઈ ગયા, જ્યાંથી એ યુરોપ અને અમેરિકા ફેલાઈ ગયું. એટલે સુધી કે ટક્સીડો સૂટનું તો એ અવિભાજ્ય અંગ બની ગયું. અંગ્રેજોએ આદતવશ એનો ઉચ્ચાર બદલીને ‘કમરબંડ’ (cummerbund) કરી નાંખ્યો. કહેવાની જરૂર ખરી કે એના માટે ભારતને ક્યારેય કોઈ શ્રેય આપવામાં નથી આવ્યો?
સ્કેન્ડિનેવિયન સ્કાર્ફ
આ વર્ષની શરૂઆતમાં સ્કેન્ડિનેવિયન દેશોના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ દ્વારા એક ‘નવો’ ફેશન ટ્રેન્ડ રજૂ કરાયો હતો, જેમાં ગળામાં સ્કાર્ફ એ રીતે નાંખવામાં આવતો હતો કે સ્કાર્ફની નીચે ગળું અને ખભા દેખાય, સ્કાર્ફની નીચે ઢંકાય નહીં. આમાં કશું નવું નહોતું, ભારતીય મહિલાઓ વર્ષોથી આ રીતે ગળામાં દુપટ્ટો કે ઓઢણી નાંખતી આવી છે. ભારત કે દક્ષિણ એશિયામાં આ ફેશન સ્ટાઇલ વ્યાપક હોવાના કોઈપણ ઉલ્લેખ વિના સ્કેન્ડિનેવિયન દેશોના ઈન્ફ્લુએન્સર્સે એને પોતાની શોધમાં ખપાવી દીધી હતી.
![]() |