Get The App

જસ્ટિસ વર્માનું આચરણ વિશ્વાસપાત્ર લાગતું નથી : સુપ્રીમને પણ શંકા

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
જસ્ટિસ વર્માનું આચરણ વિશ્વાસપાત્ર લાગતું નથી : સુપ્રીમને પણ શંકા 1 - image


- ઘરેથી કરોડો રૂપિયા મળવાના મામલામાં જસ્ટિસ વર્માની મુશ્કેલી વધી શકે છે

- તપાસ કમિટી પર શંકા હતી તો તેની સમક્ષ હાજર જ કેમ થયા? શરૂઆતમાં જ તપાસ રિપોર્ટને કેમ ના પડકાર્યો? : સુપ્રીમના સવાલ

નવી દિલ્હી : ઘરેથી કરોડો રૂપિયા મળવા મામલે કાર્યવાહીનો સામનો કરી રહેલા હાઇકોર્ટના જજ યશવંત વર્માને સુપ્રીમ કોર્ટે આકરા સવાલો કર્યા હતા સાથે જ કહ્યું હતું કે જસ્ટિસ વર્માનું વર્તન વિશ્વસનીય નથી લાગી રહ્યું. સુપ્રીમે કહ્યુંહતું કે તમે આટલા દિવસ કેમ ચુપ રહ્યા, તપાસ કમિટી પર વિશ્વાસ નહોતો તો તેની સામે હાજર જ કેમ થયા?, તપાસ શરૂ થઇ ત્યારે જ તેને કેમ ના પડકારી?  

દિલ્હીમાં જસ્ટિસ વર્માના ઘરેથી મોટી રકમ બળેલી હાલતમાં મળી આવી હતી, જેનો વીડિયો સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાની વેબસાઇટ પર પણ જાહેર કરાયો હતો સાથે જ તપાસ માટે કમિટી પણ રચી હતી. કમિટીએ જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની કાર્યવાહીની ભલામણ કરી હતી. જસ્ટિસ વર્મા મહાભિયોગની કાર્યવાહીનો સામનો કરે તેવી શક્યતા છે, એવામાં તેમણે પોતાની સામેના તમામ આરોપો અને તપાસ રિપોર્ટ તેમજ મહાભિયોગ માટે પૂર્વ સીજેઆઇ ખન્નાની ભલામણને સુપ્રીમમાં પડકારી છે. 

સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ વર્માને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કમિટીની રિપોર્ટ વિરુદ્ધ અગાઉ અપીલ કરવાની જરૂર હતી તમે આટલો સમય રાહ કેમ જોઇ? તમારી તરફેણમાં રિપોર્ટ આવે તેવું ઇચ્છતા હતા?, ન્યાયાધીશ દીપાંકર દત્તા અને એજી મસીહની બેંચે કહ્યું હતું કે જો ભારતના મુખ્ય ન્યાયાધીશને એમ લાગે કે કોઇ ન્યાયાધીશની ગેરવર્તણૂક સામે પુરતા પુરાવા છે તો તેવી સ્થિતિમાં તેઓ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને જાણ કરી શકે છે. ન્યાયાલયનો ઉદ્દેશ્ય સમાજને એ સંદેશો આપવાનો છે કે પ્રક્રિયાનું પાલન કરાયું છે. જસ્ટિસ વર્માનો દાવો છે કે તપાસ કમિટીની રિપોર્ટ અગાઉથી જ નક્કી કરાયા મુજબ તૈયાર થઇ છે, સુપ્રીમ કોર્ટને કે સીજેઆઇને હાઇકોર્ટના જજ સામે કાર્યવાહીનો અધિકાર નથી, માટે મહાભિયોગની ભલામણ અયોગ્ય છે. જસ્ટિસ વર્મા તરફથી વકીલ કપિલ સિબ્બલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. હાલ સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માની અપીલ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.

Tags :