Justice Shekhar Yadav: અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવે એક કાર્યક્રમમાં મુસ્લિમો માટે 'કઠમુલ્લા' શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય તેમણે દેશમાં બહુમતી પ્રમાણે સિસ્ટમ ચલાવવાની વાત કરી હતી. તેમના આ નિવેદનને લઈને ઘણો વિવાદ થયો હતો અને સુપ્રીમ કોર્ટે પણ તેની નોંધ લીધી હતી.
જસ્ટિસ યાદવે બંધ રૂમમાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સામે માફી માંગી
એટલું જ નહીં, જસ્ટિસ યાદવ વ્યક્તિગત રીતે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સમક્ષ હાજર થયા. આ દરમિયાન કોલેજિયમના સભ્ય રહી ચૂકેલા જસ્ટિસ હૃષિકેશ રોયે ઘણા મહત્ત્વના ખુલાસા કરતા કહ્યું છે કે, 'જસ્ટિસ શેખર કુમાર યાદવે કોલેજિયમ સાથેની મીટિંગમાં કહ્યું હતું કે હું તમારા બધાની માફી માંગુ છું.' તેના પર ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, 'બંધ રૂમમાં માફી માંગવાનો કોઈ અર્થ નથી. તમારે આ જાહેરમાં કરવું જોઈએ.'
કોલેજિયમના પાંચેય જજોની સામે માફી માગી હતી
31 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયેલા જસ્ટિસ રોયે કહ્યું કે,' 'જસ્ટિસ શેખર કુમાર યાદવે જાહેર માફી માગવાની વાત સ્વીકારી લીધી હતી. આવું જ કહીને તેઓ કોર્ટની બહાર નીકળ્યા હતા, પરંતુ હજુ સુધી તેમણે માફી માંગી નથી. આટલું જ નહીં, તેમણે પોતાના એક જવાબમાં એમ પણ કહ્યું કે મેં કંઈ ખોટું નથી કહ્યું.'
આ મામલે જસ્ટિસ રોયે વધુમાં કહ્યું કે, 'તેમણે કોલેજિયમના પાંચેય જજોની સામે કહ્યું હતું કે હું તમારા બધાની માફી માંગુ છું. તે સમયે તેઓ તૈયાર હતા. પરંતુ જ્યારે ચીફ જસ્ટિસે જ્યારે જાહેરમાં માફી માગવાની વાત કરી તો તેઓ સહમત થઇ ગયા, પરંતુ ત્યાંથી બહાર નીકળ્યા બાદ તેમને માફી માગી નહી. એવું લાગે છે કે જસ્ટિસ શેખર કુમારે પાછળથી પોતાનો વિચાર બદલી નાખ્યો. પહેલા તો તેઓ જાહેરમાં માફી માંગવા તૈયાર હતા.'
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં 'ઓપરેશન ટાઈગર'ની ચર્ચા છંછેડાઈ, શું ઉદ્ધવ-શિંદે ફરી થશે એકજૂટ?
જાણો શું છે મામલો
યુનિફોર્મ સિવિલ કોડ પર ભાષણ આપતા જસ્ટિસ શેખર કુમાર યાદવે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે દેશની વ્યવસ્થા બહુમતીના હિસાબે ચાલશે. પરિવારમાં મોટાભાગના લોકો જે માને છે તે જ થાય છે. આ સિવાય તેમણે મુસ્લિમો માટે 'કઠમુલ્લા' શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ મામલે કોલેજિયમે તેમને સમન્સ જારી કર્યા હતા.
જસ્ટિસ શેખર યાદવે આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને જવાબ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, 'હું હજુ પણ મારા નિવેદન પર અડગ છું. મેં મારું નિવેદન ન્યાયાધીશ તરીકે નહીં પરંતુ એક હિન્દુ તરીકે આપ્યું છે. તેથી, કોર્ટ પરિસરની બહાર જે કંઈપણ કહેવામાં આવે છે તે મારી ન્યાયાધીશ તરીકેની આચારસંહિતાનું ઉલ્લંઘન કરતું નથી. આ સિવાય હાઈકોર્ટની ગરિમાને કોઈ નુકસાન નથી કર્યું.'


