નવી દિલ્હી, 25, જુન, 2020, ગુરુવાર
25 જુન 1975માં સ્વતંત્ર ભારતમાં લોકશાહીનું ગળું ટુંપીને કટોકટી લાદવાનો કાળો દિવસ ગણાય છે. તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાદવાનો નિર્ણય કર્યો હતો. આ ઇમરજન્સી બે વર્ષ સુધી રહી હતી જેમાં લોકશાહી નહી પરંતુ જોહુકમી ચાલતી હતી. ભારતના જુના રાજકિય પક્ષ કોંગ્રેસે ભારતમાં સૌથી વધુ સમય સુધી શાસન કર્યુ છે. 1947માં અંગ્રેજો જે સ્થિતિમાં દેશ છોડીને ગયા હતા તેને એકસુત્રતાથી બાંધીને લોકશાહીના ડગલા કોંગ્રેસે જ માંડયા હતા આથી ઇન્દિરા ગાંધીના સમયની ઇમરજન્સી સોનાની થાળીમાં લોઢાની મેખ ગણાય છે. પ્રેસની આઝાદી છિનવાઇ જતા બ્રિટીશ રાજ હોય તેવો અનુભવ થતો હતો. પહેલા તો ઇમરજન્સી પહેલા અને તેની નજીકમાં શુ ઘટના બની હતી તે જાણવું રસપ્રદ છે. 
ઇમરજન્સીનો અધ્યાય આમ તો 1971ની લોકસભા ચૂંટણી પછી તરત જ રચાયો હતો. લોકસભા ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીના હરિફ ઉમેદવાર રાજ નારાયણે અલ્હાબાદ હાઇકોર્ટમાં કેસ કર્યો હતો જેમાં પીએમ ઇન્દિરા ગાંધીએ ચૂંટણી જીતવા માટે સરકારી મશીનરીનો દુરોપયોગ કર્યો હોવાનો આક્ષેપ થયો હતો. આ કેસના પગલે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમવાર કોઇ વડાપ્રધાન દેશની અદાલતના પગથિયા ચડયા હતા. 12 જુન 1975માં જસ્ટિસ જગમોહનલાલસિંહાએ ઇન્દિરા ગાંધીને દોષિત ઠરાવ્યા હતા. ભારતની ન્યાયપાલિકામાં આ એક ઐતિહાસિક ચુકાદો હતો તેનાથી ઇન્દિરા ગાંધીની ઇમેજ ખરડાઇ હતી. 24 જુનના રોજ સુપ્રિમ કોર્ટે કેટલીક શરતો સાથે હાઇકોર્ટના ચુકાદા સામે સ્ટે આપ્યો શ્રીમતિ ગાંધી વડાપ્રધાન પદ પર ચાલુ રહયા પરંતુ વિપક્ષોને તેમના રાજીનામાથી કશું ખપતું ન હતું. ઇન્દિરા ગાંધીનો વિરોધ સતત વધતો જતો હતો. વિરોધ પક્ષ આ રાજકિય મુદ્વાને લોકો સુધી લઇ જવામાં પણ સફળ થતા જણાતા હતા.

લોક નાયક જય પ્રકાશ નારાયણે (જેપી) ઇન્દિરા ગાંધીને પડકાર ફેંકયો હતો. દિલ્હીના રામલીલા મેદાનમાં વિશાળ રેલી યોજાઇ જેમાં જેપી ઉપરાંત મોરારજી દેસાઇ, જનસંઘના અટલબિહારી વાજપેયી અને ચંદ્રશેખર જેવા અનેક ધુરંધર નેતાઓ એક સાથે હાજર હતા. જેપીએ રાષ્ટ્રકવિ રામધારીસિંહ દિનકરની કવિતાની પંકિતઓ સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ લલકારી હતી. જેપીએ રેલીમાં ઇન્દિરા ગાંધીને ગાદી છોડવા અલ્ટીમેટમ પણ આપ્યું હતું. આ રેલી એટલી વિશાળ હતી કે દેશ આઝાદ થયા પછી પ્રથમવાર વિપક્ષમાં અદૂભૂત સંયોજન અને એકતા જોવા મળતી હતી. જેપીની રેલી રાત્રે 9 વાગે ખતમ થઇ હતી.

એવું માનવામાં આવે છે કે એક પછી એક ઘટનાક્રમના આધારે ઇન્દિરા ગાંધી પોતાની વિરુધના માહોલને પાંમી ગયા હતા. વિપક્ષોને દબાવવા માટે રાત્રે 12 વાગે સમગ્ર દેશમાં કટોકટી લાદવાનો નિર્ણય લીધો હતો. તત્કાલિન રાષ્ટ્રપતિ ફકરુદીન અલી અહેમદ ઇમરજન્સી લાદવાના નિર્ણય પર સહી કરીને મંજુરી આપી હતી. એખ પછી એક વિરોધ પક્ષના નેતાઓની ધરપકડ કરીને જેલમાં નાખવામાં આવ્યા હતા.
26 જુન 1975ના રોજ ખૂદ ઇન્દિરા ગાંધીએ આકાશવાણી પર ઇમરજન્સી જાહેર કરી હતી. પ્રેસ પર સેન્સરશિપ લાદવામાં આવતા 28 જુનના રોજ અનેક સમાચારપત્રોએ પાના કોરા કટ રાખીને ઇમરજન્સીનો વિરોધ કર્યો હતો. ઇમરન્સી 21 મહિના સુધી ચાલી હતી જેમાં ઇન્દિરા ગાંધીના પુત્ર સંજયગાંધીનું નામ વિવાદાસ્પદ રાજકિય પ્રવૃતિઓ અને ઇમરજન્સીના પક્ષધર તરીકે બદનામ થયું હતું. છેવટે ઇમરજન્સી ઉઠાવી લેવામાં આવી અને જાન્યુઆરી 1977માં ઇન્દિરા ગાંધીએ લોકસભા ચુંટણીની જાહેરાત કરી હતી જેમાં કોંગ્રેસનો પરાજય થયો અને ભારતમાં પ્રથમવાર જનતા સરકાર તરીકે ઓળખાતી બિન કોંગ્રેસી પક્ષોની સરકાર બની હતી.


