જોશીમઠ જોખમમાં : 12 દિવસમાં 5.4 સેન્ટીમીટર જમીનમાં ધસી ગયું
- ઇસરોની સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો
- ચારધામ રોડ પ્રોજેક્ટ જવાબદાર નહીં : ગડકરી, જમીન ધસવાના રહસ્યની તપાસ આઠ ઇન્સ્ટિટયૂટ કરશે
જોશીમઠ : ઉત્તરાખંડમાં જોશીમઠ વિસ્તાર જમીનમાં સરકી રહ્યો હોવાના પુરાવા ઇસરોની સેટેલાઇટ તસવીરોમાં સામે આવ્યા છે. ઇસરોએ સેટેલાઇટ તસવીરો જાહેર કરી છે અને કહ્યું છે કે માત્ર ૧૨ જ દિવસમાં જોશીમઠ વિસ્તાર ૫.૪ સેન્ટીમીટર જમીનમાં ધસી ગયો છે. અને આગામી દિવસોમાં હજુ વધુ જમીનમાં ધસે તેવી શક્યતાઓ છે. જેને પગલે આ વિસ્તાર હાલ જોખમકારક બની ગયો છે. અહીં રહેતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
સ્થાનિકોનો આરોપ છે કે ચાર ધામ યાત્રા માર્ગ અહીંયા ડેવલપ કરવામાં આવ્યો તેને કારણે આ વિસ્તાર ધસી રહ્યો છે, અહીંયાથી એક ટનલ પણ પસાર થઇ રહી છે જેને પણ લોકોએ આ માટે જવાબદાર ઠેરવી છે.
જોકે આ દાવાને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નકારી દીધા છે. ગડકરીએ કહ્યું હતું કે ચારધામ માર્ગને કારણે જોશીમઠ નથી ધસી રહ્યો. તેમ છતા નિષ્ણાતો આ વિસ્તારનું પરીક્ષણ કરી રહ્યા છે.
લોકોનો દાવો છે કે જમીન ધસવા પાછળ વિજળી કંપની એનટીપીસી જવાબદાર છે. જોકે એનટીપીસી આ દાવાને નકારી રહી છે પણ ઉત્તરાખંડ સરકાર આ અંગે તપાસ કરી રહી છે. સાથે જ ખરેખર આ જમીન કેમ ધસી રહી છે તેના ચોક્કસ કારણો જાણવા માટે પણ આઠ ઇન્સ્ટિટયૂટની સરકાર મદદ લઇ રહી છે. આ ઇન્સ્ટિટયૂટને રિસર્ચનું કામ સોપવામાં આવ્યું છે. જોશીમઠ જેવી જ સ્થિતિ ઉત્તરાખંડના અન્ય વિસ્તારોમાં પણ ઉભી થઇ શકે છે કે કેમ તેની પણ તપાસ આ રિસર્ચમાં કરવામાં આવશે.
પ્રાપ્ત આંકડા અનુસાર જોશીમઠ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવા માટે રાહત કેમ્પો ઉભા કરાયા છે. ૮૩૫ રૂમ તૈયાર રખાયા છે કે જેમાં ૩૬૩૦ લોકોના રહેવાની સુવિધા ઉભી કરાઇ છે.
અત્યાર સુધીમાં ૧૬૯ પરિવારના ૫૮૯ સભ્યોને આ રાહત કેમ્પમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ઇસરોએ તસવીરો જાહેર કરતા જણાવ્યું છે કે એપ્રીલથી નવેમ્બર ૨૦૨૨ દરમિયાન જોશીમઠ ૮.૯ સેમી ધસી ગયું હતું, જોકે આ ગતી ધીમી હતી, જ્યારે છેલ્લા ૧૨ દિવસમાં ગતી વધી છે અને ૫.૪ સેમી ધસી ગયું છે.