India

એક વ્યક્તિને 3થી વધુ સિમકાર્ડ નહીં મળે, બાળકોના મોબાઇલ ઉપયોગ અંગે SOP બનાવો: જોધપુર હાઇકોર્ટ

By GS TEAM
29 Nov 20252 mins read
TukuTouch Logo
સાયબર છેતરપિંડી અને 'ડિજિટલ અરેસ્ટ'ના વધતાં જતાં કેસોને ગંભીરતાથી લઈને જોધપુર હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને એક જ વ્યક્તિના નામે ત્રણથી વધુ સિમ કાર્ડ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાના ઉપયોગ માટે કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક વ્યક્તિને 3થી વધુ સિમકાર્ડ નહીં મળે, બાળકોના મોબાઇલ ઉપયોગ અંગે SOP બનાવો: જોધપુર હાઇકોર્ટ

Jodhpur High Court: સાયબર છેતરપિંડી અને 'ડિજિટલ અરેસ્ટ'ના વધતાં જતાં કેસોને ગંભીરતાથી લઈને જોધપુર હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને એક જ વ્યક્તિના નામે ત્રણથી વધુ સિમ કાર્ડ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાના ઉપયોગ માટે કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.

2 કરોડ રૂપિયાની છેતરપિંડી બાદ ચુકાદો

અહેવાલો અનુસાર, 84 વર્ષીય એક દંપતી સાથે 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા બે આરોપીઓના જામીન ફગાવી દેતાં જસ્ટિસ રવિ ચિરાનિયાએ સરકાર, પોલીસ અને બૅંકોને આ સૂચનાઓ જારી કરી છે. હાઇકોર્ટે અધિક મુખ્ય સચિવ(ગૃહ)ને ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર(I4C)ની જેમ રાજસ્થાન સાયબર ક્રાઇમ કંટ્રોલ સેન્ટર (R4C) સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત I4Cની તર્જ પર સાયબર કેસોની તપાસ માટે જનરલ ઑફ સાયબર હેઠળ ખાસ IT ઇન્સ્પેક્ટરની ભરતી કરવા જણાવાયું છે, જેમને અન્ય વિભાગોમાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો: A320 વિમાનમાં સોફ્ટવેર ખામી વચ્ચે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જાહેર કરી એડવાઈઝરી

બાળકોના મોબાઇલ ઉપયોગ માટે કડક SOP

કોર્ટે બાળકો દ્વારા મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાના દુરુપયોગની ગંભીરતા નોંધીને શિક્ષણ વિભાગને નિર્દેશ આપ્યો છે. શાળાઓમાં મોબાઇલ ફોન, ઓનલાઇન ગેમ્સ અને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કડક SOP બનાવવામાં આવે.

બૅન્કો માટે આદેશો: 'મ્યુલ હન્ટર' AI ટૂલ્સનો ઉપયોગ

સાયબર છેતરપિંડીમાં બૅંકિંગ સિસ્ટમનો દુરુપયોગ થતો હોવાથી, કોર્ટે બૅંકોને પણ કડક સૂચનાઓ આપી. તમામ બૅંકો અને ફિનટેક કંપનીઓએ 'મ્યુલ એકાઉન્ટ્સ' અને શંકાસ્પદ વ્યવહારો શોધવા માટે RBI દ્વારા વિકસિત 'મ્યુલ હન્ટર' જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરવો.

જે ખાતાધારકોનો વાર્ષિક વ્યવહાર 50 હજાર રૂપિયાથી ઓછો છે અથવા ડિજિટલ સાક્ષરતા ઓછી છે, તેમના માટે ઇન્ટરનેટ બૅંકિંગ અને UPI મર્યાદા પર કડક નિયંત્રણ લાદી શકાય છે. ડિજિટલ અરેસ્ટ અટકાવવા માટે તમામ બૅન્કો, નાણાકીય સંસ્થાઓ અને ફિનટેક કંપનીઓ માટે સંયુક્ત SOP જારી કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. આ ચુકાદો દેશમાં સાયબર ક્રાઇમને નિયંત્રિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.