Jharkhand news : ઝારખંડના સારંડાના ગાઢ જંગલોમાં છુપાયેલા નક્સલીઓ પર સુરક્ષાદળો કાળ બનીને ત્રાટક્યા છે. છેલ્લા 36 કલાકથી ચાલી રહેલી ભીષણ અથડામણમાં અત્યાર સુધીમાં 21 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. ગુરુવારે 15 નક્સલીઓના મોતની પુષ્ટિ થયા બાદ, શુક્રવારે વધુ 6 મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક 21 પર પહોંચી ગયો છે.
2 કરોડનો ઈનામી કમાન્ડર અનલ દા સહિત 21 ઠાર
સુરક્ષાદળોએ 2 કરોડથી વધુના ઈનામી અને કુખ્યાત નક્સલી કમાન્ડર પતિરામ માંઝી ઉર્ફે અનલ દાને તેના 25 સાથીઓ સાથે ઘેરી લીધો હતો. આ ઓપરેશનમાં અનલ દા સહિત 21 નક્સલીઓ માર્યા ગયા છે. અનલ દા પર ઝારખંડ સરકારે એક કરોડ રૂપિયા, ઓડિશા સરકારે 1.2 કરોડ રૂપિયા અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ 15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. આમ, તેના પર કુલ 2.35 કરોડ રૂપિયાનું ઈનામ હતું.
CRPF અને ઝારખંડ પોલીસનું સંયુક્ત ઓપરેશન
આ મોટી સફળતા CRPF અને ઝારખંડ પોલીસના સંયુક્ત ઓપરેશનનું પરિણામ છે. ગુપ્ત માહિતીના આધારે સુરક્ષાદળોએ પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સારંડાના ગાઢ જંગલોમાં નક્સલીઓની આ ટોળકીને ઘેરી લીધી હતી. નક્સલીઓ તરફથી ફાયરિંગ શરૂ થયા બાદ સુરક્ષાદળોએ મોરચો સંભાળ્યો અને જડબાતોડ જવાબી કાર્યવાહી કરી, જેમાં નક્સલીઓને ભારે નુકસાન થયું.


