ઝારખંડના શિક્ષણ મંત્રી બાથરૂમમાં લપસી પડ્યાં, માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ
Jharkhand Education Minister Suffers Brain Injury: ઝારખંડના શિક્ષણ મંત્રી રામદાસ સોરેન શનિવારે સવારે પોતાના નિવાસના બાથરૂમમાં લપસી પડ્યાં હતા. પડી જવાથી તેમના માથામાં ગંભીર ઈજા પહોંચી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઈરફાન અંસારીએ આ અંગે જાણકારી આપી છે. શિક્ષણ મંત્રીને પહેલા એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે તેમની જમશેદપુરની એક હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી, ત્યારબાદ તેમને વધુ સારવાર માટે વિમાન દ્વારા દિલ્હીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
મગજમાં ગંભીર ઈજા
રાજ્યના આરોગ્ય મંત્રી અંસારીએ એક નિવેદનમાં કહ્યું કે, 'રામદાસ સોરેનજીની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેઓ બાથરૂમમાં પડી ગયા હતા, જેના કારણે તેમના મગજમાં ગંભીર ઈજા થઈ હતી અને લોહીનો ગઠ્ઠો જામી ગયો છે. સોરેનને જમશેદપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોને જાણવા મળ્યું કે તેમના મગજમાં લોહી ગઠ્ઠો થઈ ગયો છે. હું સતત તેમના સંપર્કમાં છું અને તેમની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યો છું.' હવે મંત્રીને વધુ સારવાર માટે દિલ્હી લઈ જવાયા છે.
વધુ સારવાર માટે દિલ્હી લઈ જવાયા
ગંભીર ઈજા પહોંચ્યા બાદ સોરેનને તાત્કાલિક ટાટા મોટર્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પછી એર એમ્બ્યુલન્સ દ્વારા તેમને દિલ્હીની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે, રામદાસ સોરેનને કિડનીની બીમારી પણ છે અને તેની સારવાર દિલ્હીમાં જ ચાલી રહી હતી, તેથી પરિવારે દિલ્હી લઈ જવાનો નિર્ણય લીધો. રામદાસ સોરેન ઝારખંડ આંદોલનના પ્રમુખ નેતાઓમાંથી એક છે અને ચંપાઈ સોરેન ઝારખંડ મુક્તિ મોરચા છોડીને ભાજપમાં સામેલ થયા પછી તેઓ પાર્ટીમાં એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે.