For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજે માઓવાદીઓનું ઝારખંડ બંધઃ વિસ્ફોટ દ્વારા રેલવેના પાટા ઉડાવ્યા, ટ્રેનોના પરિવહનને અસર

Updated: Nov 20th, 2021

Article Content Image

- પ્રશાંત બોઝ અને શીલાની ધરપકડના વિરોધમાં માઓવાદીઓએ આજે બંધનું આહ્વાન કરેલું છે 

નવી દિલ્હી, તા. 20 નવેમ્બર, 2021, શનિવાર

ઝારખંડ ખાતે માઓવાદી નેતા પ્રશાંત બોઝ અને શીલાની ધરપકડના વિરોધમાં માઓવાદીઓએ 24 કલાકના બંધનું આહ્વાન કર્યું છે. પ્રશાંત બોઝ અને શીલાની ધરપકડના વિરોધમાં આજે માઓવાદીઓનું ઝારખંડ બંધ છે. બંધના આહ્વાન વચ્ચે માઓવાદીઓએ ચાઈબાસા ખાતે રેલવેના પાટા પર લેન્ડમાઈન્સ લગાવીને વિસ્ફોટ કરી દીધો હતો જેથી હાવડા-મુંબઈ રેલવે રૂટ પર ટ્રેનના પરિવહનને અસર પહોંચી છે. આ ઘટના શુક્રવાર-શનિવાર રાતના 2:00 કલાક આસપાસના સમયે બની હતી.

જાણવા મળ્યા મુજબ પ્રશાંત બોઝ અને શીલાની ધરપકડના વિરોધમાં માઓવાદીઓએ આજે બંધનું આહ્વાન કરેલું છે. બંધના આહ્વાન વચ્ચે શુક્રવાર-શનિવારની મોડી રાતે આશરે 2:00 કલાકે માઓવાદીઓએ ચક્રધરપુર રેલ મંડલના ચાઈબાસા ખાતે લેન્ડમાઈન્સ લગાવીને રેલવેના પાટા ઉડાવી દીધા હતા. રેલવેના પાટા ઉડાવી દેવાની આ ઘટના સોનુઆ-લોટાપહાડ વચ્ચે બની હતી. 

જાણવા મળ્યા મુજબ જે સમયે રેલવેના પાટા પર વિસ્ફોટ થયો તેના થોડા સમય બાદ જ મુંબઈ-હાવડા મેલ પસાર થવાની હતી. વિસ્ફોટના તેજ ધમાકા બાદ મુબંઈ હાવડા મેલને ઘટના સ્થળની પહેલા જ રોકી દેવામાં આવી હતી. માઓવાદીઓએ વિસ્ફોટ દ્વારા અપ અને ડાઉન બંને તરફની રેલવે લાઈન ઉડાવી દીધી જેથી ટ્રેનનું પરિવહન ઠપ્પ થઈ ગયું છે. 

માઓવાદીઓએ લાતેહાર ખાતે પણ રેલવે ટ્રેક ઉડાવી દીધો છે. માઓવાદીઓએ શુક્રવારે મોડી રાતે લાતેહારના ડેમૂ-રિચુઘુટા વચ્ચે રેલવેના પાટા પર બોમ્બ બ્લાસ્ટ કરીને તેને ક્ષતિગ્રસ્ત કરી દીધો હતો. આ ઘટના બાદ ડાઉન રેલવે લાઈન પર રેલવેનું પરિવહન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. 

ઉલ્લેખનીય છે કે, ભાકપા માઓવાદીના પોલિત બ્યૂરોના સદસ્ય પ્રશાંત બોઝ ઉર્ફે કિશન દાની ઝારખંડ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એક કરોડના ઈનામી પ્રશાંત બોઝ સાથે તેની પત્ની શીલા બોઝને પણ ઝડપી લેવામાં આવી હતી. પ્રશાંત બોઝ ભાકપા માઓવાદીમાં બીજા નંબરનો નેતા ગણાય છે. તે બિહાર અને ઝારખંડ ખાતે સંગઠનનો સૌથી મોટો ચહેરો હતો. 

Gujarat