સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના 1100 કરોડ ઉપજ્યા
- 3.7 એકર વિસ્તારમાં ફેલાયેલો બંગલો દેશના પ્રથમ વડાપ્રધાન નેહરૂનું નિવાસસ્થાન હતો
- રાજસ્થાનના શાહી પરિવાર પાસેથી 1100 કરોડ રૂપિયામાં એક બિઝનેસમેને બંગલો ખરીદી લીધો
નવી દિલ્હી : દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂનું સત્તાવાર નિવાસસ્થાન તરીકે જાણીતો દિલ્હીના વૈભવી વિસ્તાર લુટિયન્સ બંગલો ઝોનમાં મોતીલાલ નેહરૂ માર્ગ પર આવેલો ૩.૭ એકરમાં પથરાયેલો બંગલો દેશના સૌથી મોંઘા રિઅલ એસ્ટેટ સોદામાં ૧૧૦૦ કરોડ રૂપિયામાં વેચાઇ જશે. વર્તમાન માલિકો રાજસ્થાનના શાહી પરિવારના સભ્યો રાજકુમારી કાકર અને બિના રાની પાસેથી એક અગ્રણી બિઝનેસમેન દ્વારા આ બંગલો ખરીદવામાં આવી રહ્યો છે.
દેશના ઠંડા પીણાંના બજારમાં મોટાં આસામી મનાતાં બિઝનેસમેન દ્વારા આ બંગલો ખરીદવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માલિકોએ ૧૪૦૦ કરોડ રૂપિયાની માંગ કરી હતી પણ આખરે ૧૧૦૦ કરોડ રૂપિયામાં સોદો પત્યો હોવાનું મનાય છે. અગ્રણી કાયદા કંપનીએ જાહેર નોટીસ આપી આ બંગલાના વેચાણ મામલે કોઇ વાંધા વચકાં હોય તો સાત દિવસમાં તેની રજૂઆત કરવા જણાવ્યું છે.
નવી દિલ્હીમાં મોતીલાલ નેહરૂ માર્ગ પર પ્લોટનંબર પાંચમાં બ્લોક નંબર ૧૪,૧૭ ખાતે ૧૪,૯૭૩.૩૮૩ મીટર વિસ્તારમાં પથરાયેલો આ બંગલો હાલ રાજકુમારી કાકર અને બિના રાનીની માલિકીનો છે. નવી દિલ્હીના પ્રતિષ્ઠિત વિસ્તાર લુટિયન્સ બંગલો ઝોનમાં આવેલો આ ૩.૭ એકર જગ્યામાં ૨૪,૦૦૦ ચોરસ ફૂટનો વિકસિત વિસ્તાર ધરાવે છે. આ વિસ્તારને ૧૯૧૨ અને ૧૯૩૦ દરમ્યાન બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.
દેશના સૌથી મોંઘા અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં વિશાળ જગ્યામાં પથરાયેલાં આ બંગલાને ખરીદવાની હેસિયત બહું થોડાં અબજોપતિઓ ધરાવે છે. આ બંગલાના વેચાણ માટે કાનુની પ્રક્રિયા એકાદ વર્ષથી ચાલુ હતી. જે હવે પુરી થઇ ગઇ હોવાનું મનાય છે.