Get The App

ખજુરાહોના જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિનું શીશ કેવું રીતે તૂટ્યું, જાણો સત્ય શું?

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
ખજુરાહોના જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિનું શીશ કેવું રીતે તૂટ્યું, જાણો સત્ય શું? 1 - image
Image Source: IANS 

Javari Temple Khajuraho: મધ્યપ્રદેશમાં જાવરી મંદિર, ખજુરાહો મંદિર પરિસરનો એક ભાગ છે. મંદિરની અદ્ભુત નકશીકામ સાથે નાગર શૈલીમાં બનેલું આ મંદિર ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે. મંદિરના ગર્ભગૃહ, મંડપ, બારણા અને દીવાલો પરની મૂર્તિઓનું નકશીકામ એટલું સુંદર છે કે જોઈને આશ્ચર્ય થાય કે આ કામ મનુષ્યોએ કર્યું છે કે પછી પોતે ભગવાન વિશ્વકર્માએ કર્યું છે. મંદિરની દીવાલો પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ પણ કોતરેલી જોવા મળે છે. અંદર પ્રવેશતાની સાથે જ ભગવાન વિષ્ણુની સદીઓ જુની મૂર્તિ જોવા મળશે જેમાં પગ અને શરીરના ભાગ તો સલામત છે, પણ મૂર્તિનું શીશ નથી. 

ભગવાન વિષ્ણુના ભક્ત છો, તેમને જ કંઈક કરવા માટે કહો: SC

આ મંદિરમાં ઘણા વર્ષોથી વિષ્ણુ ભગવાની ખંડિત મૂર્તિ બિરાજમાન છે અને હવે તો આ મંદિર(UNESCO)ની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં પણ સમાવેશ છે. હવે ખંડિત મૂર્તિને લઈને રાકેશ દલાલ નામના શખ્સે સુપ્રીમ કોર્ટમાં આ મૂર્તિને બદલવાની અરજી દાખલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી અરજદારને ફટકાર લગાવી હતી. સાથે એ પણ કહી દીધું કે આ અરજી પણ અરજદારે ફક્ત પ્રચાર માટે કરી છે. સુપ્રીમ કોર્ટે રાકેશ દલાલને કહ્યું કે, 'જાઓ, હવે ભગવાનને જ પ્રાર્થના કરો. તમે કહો છો કે તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો, તો તેમને જ કંઈક કરવા માટે કહો. આ પુરાતત્વ સ્થળ છે, તેના માટે ASIની મંજૂરી જોઈએ. ખેદ છે, અમે આમાં દખલ ન દઈ શકીએ.'

ભોપાલના હમીદિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર શિવમ શર્માએ જણાવ્યું કે, 'ચંદેલ વંશી રાજા ધંગના સમયમાં ખજુરાહોના મંદિર બન્યા હતા. જાવરી મંદિર પણ ત્યારે બન્યું હતું. ભારતમાં ઘણા એવા મંદિર છે જેની મૂર્તિઓ ખંડિત અવસ્થામા મળી હતી અથવા તો તે મંદિર તુટેલા મળ્યા હતા. પરંતુ ચંદેલ કાળમાં જે પણ મંદિર ખજુરાહોમાં 10મી અને 11મી શતાબ્દીમાં બન્યા છે, તે પૂર્ણ રીતે સુરક્ષિત છે. આ મંદિરોની મૂળ રચનામાં કોઈ પ્રકારની ચેડાં કરવામાં આવ્યા નથી. માત્ર જો ગર્ભગૃહને છોડીને બીજો કોઈ ભાગ જર્જરિત થઈ ગયો હોય, તો સરકાર–પ્રશાસન તરફથી એ ભાગની એજ સ્થાપત્ય શૈલીમાં મરામત કરવામાં આવે છે.'

શિવમ શર્માએ વધુ જણાવતા કહ્યું કે, 'ભગવાન વિષ્ણુની ખંડિત પ્રતિમાને લઈને લોકો જુદી-જુદી વાતો કરી રહ્યા છે. ગામમાં કોઇનું કહેવું છે કે તે સમયે વિદેશી આક્રમણકારોએ આ મંદિરને તોડ્યું હતું. તો બીજાનું કહેવું છે કે કદાચ કલાકાર મૂર્તિને અંતિમ આકાર આપી શક્યો નહીં હોય.'

શિવમનું કહેવું છે કે, 'અધૂરી મૂર્તિની દલીલ વિચારવા લાયક છે, કારણ કે દેશમાં એવા ઘણા મંદિરોના ઉદાહરણો છે જે પૂરા બની શક્યા નથી. ઉદાહરણ તરીકે નેમાવર મંદિરની વાત કરીએ. આ સ્થળને નર્મદા નદીનું નાભિ-સ્થળ માનવામાં આવે છે. અહીં પર્વતની ઊંચાઈ પર એક મંદિર બનાવવામાં આવ્યું છે. તેની સ્થાપત્ય શૈલી સંપૂર્ણપણે ચંદેલ શૈલી જેવી છે, તેમ છતાં તે ચંદેલોએ બનાવડાવ્યું નહોતું. આ મંદિરને પણ અધૂરું માનવામાં આવે છે, કારણ કે તેનું ગર્ભગૃહ જ બન્યું નથી. ભોપાલનું ભોજેશ્વર મંદિર પણ એક ઉદાહરણ છે. અહીં ભારતનું સૌથી મોટું શિવલિંગ આવેલું છે. એક દંતકથા મુજબ, આ મંદિરનું નિર્માણ પાંડવોએ એક જ રાત્રે શરૂ કર્યું હતું અને આ મંદિર જેટલું બનાવી શક્યા, એટલું જ રહ્યું. બાદમાં રાજા ભોજે પણ અહીં નિર્માણ કાર્ય કરાવ્યું, પરંતુ મંદિર તેમ છતાં અધૂરું જ રહ્યું. હાલ સરકાર અને પુરાતત્વ વિભાગે ત્યાં સંરક્ષણનું કામ કર્યું છે, પરંતુ મૂળ મંદિરમાં કોઈપણ રીતે ચેડાં કરવામાં આવ્યા નથી.  

તો મુગલોએ આ મંદિર ધ્વસ્ત કર્યું? 

પુરાતત્વીય ઉકેલોના સ્થાપક શિવાજીએ કહ્યું હતું કે, 'સામાન્ય રીતે લોકો વર્ષો પહેલા થયેલા દરેક મુસ્લિમ આક્રમણને 'મુગલ આક્રમણ' તરીકે જ માને છે. પણ લોકો મુઘલ અને મુસ્લિમ વચ્ચેના તફાવતને નથી પારખી શકતા કે ભારતમાં મુગલો 1526 પછી આવ્યા હતા. તેની પહેલા હિન્દુસ્તાનમાં અંદાજે 300 વર્ષ મુસ્લિમ રાજ હતું. પણ લોકો મુસ્લિમ શાસને પણ એક જ નામ 'મુગલ' તરીકે ઓળખે છે.'

શિવાજીએ આગળ કહ્યું કે, 'મંદિરો પર હુમલા માત્ર 16મી થી 18મી સદી સુધી નહોતી થઈ. તેનાથી ઘણા મોટા પ્રમાણમાં મંદિરોનું વિનાશ 13મીથી 16મી સદી વચ્ચે થયું છે. કલિંજરમાં સૌથી પહેલા મહમૂદ ગજનવીનું આક્રમણ 11મી સદીથી શરૂ થયું હતું. તે સમયે ચંદેલ શાસનમાં અમુક કરાર કર્યા હતા, એટલે ગજનવીએ ત્યાં આક્રમણ નહોતું કર્યું. અલ્બરૂનીની પુસ્તક 'કિતાબુલ-હિન્દ'માં આ બધુ લખાયેલું છે'.

શિવાજીએ આગળ કહ્યું કે, 'એ સમયે મુસ્લિમ શાસકો હેતુ મંદિરને ધ્વસ્ત કરવાનો નહોતો. તેમનો ઉદ્દેશ એટલો હતો કે મંદિરમાં મૂર્તિઓને ખંડિત કરવાનો હતો, કારણકે હિન્દુ લોકો ખંડિત મૂર્તિની પૂજા નથી કરતાં.'

Tags :