VIDEO : 'પાર્ટી મેં બનાવી અને મલાઈ તું ખાઈશ...' આટલું કહીને નેતાને જાહેરમાં થપ્પડ ઝીંક્યા
UP Politics: ઉત્તર પ્રદેશના જૌનપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. મઉ જિલ્લાના રહેવાસી સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્ર રાજભર ઉર્ફે કટપ્પાને તેમના સાથી અને સુભાસ્પાના કાર્યકર બ્રિજેશ રાજભરે જૌનપુરના ઝફરાબાદના આશાપુરી ગામમાં સુહેલદેવ જયંતીના અવસરે આયોજિત કાર્યક્રમમાં હાર પહેરાવ્યા બાદ થપ્પડ ઝીંકી દીધી હતી.
પાર્ટી મેં બનાવી અને મલાઈ તું ખાઈશ...
સુભાસ્પાના કાર્યકર બ્રિજેશ રાજભરે હાર પહેરાવતાં પહેલા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્ર રાજભર વિશે વાત કરતાં કહ્યું હતું કે, 'જે બધા લોકોને અમારી વિધાનસભા અને લોકસભામાં મોકલવામાં આવ્યા હતા, તેઓ અમારા માટે લોબિંગ નથી કરી રહ્યા પરંતુ પોતાના માટે લોબિંગ કરી રહ્યા છે અને પોતાના પુત્ર અને પરિવાર માટે કામ કરી રહ્યા છે. રાજા સુહેલદેવનું નામ વેચાઈ રહ્યું છે. કેટલાક એવા અત્યાચારીઓ છે જેમને આપણે છોડી દઈશું.' આ પછી, તેમણે મહેન્દ્ર રાજભરને થપ્પડ મારતાં કહ્યું, 'પાર્ટી મેં બનાવી અને મલાઈ તું ખાઈશ...'
આ પણ વાંચો: મહાકુંભમાં 4 સ્થળે નાસભાગમાં 37 નહીં 82 લોકોના મોત થયા હતા, BBCના રિપોર્ટમાં દાવો
મહેન્દ્ર રાજભર 2017ની વિધાનસભા ચૂંટણી હારી ગયા
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં, મહેન્દ્ર રાજભરે ઓમ પ્રકાશ રાજભરની પાર્ટી સાથે જોડાણ કરીને ભારતીય જનતા પાર્ટીના પ્રતિક પર બાહુબલી માફિયા મુખ્તાર અંસારી સામે ચૂંટણી લડી હતી, જેમાં તેઓ મુખ્તાર અંસારી સામે લગભગ 6000 મતોથી હારી ગયા હતા. 2017ની એ જ ચૂંટણીમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મઉમાં એક જાહેર સભામાં તેમને કટપ્પાનું બિરુદ આપ્યું હતું અને કહ્યું હતું કે આ કટપ્પા બાહુબલીનો સફાયો કરી દેશે.